Categories
Stories

ભગવાનના પ્રકાર કેટલા?!

    ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે…

   મુખારવિંદ પર થાક અને પ્રસન્નતાનાં મિશ્રિતભાવ ધરાવતા મનસુખભાઈ પોતાના અનુભવી હાથો વડે માટીને સ્પષ્ટ રૂપ દેતાં-દેતાં ભજન ગાઈ રહ્યા હતા.

      સાતેક વર્ષનો કાનો એક નાની ઝૂંપડીમાંથી બહાર આવી મનસુખભાઈની બાજુમાં બેઠો.ટગર-ટગર જોયા પછી ઉતાવળે બોલ્યો,” બાપુ,રાખ શું હોય? તમે મારી માટે રમકડાં બનાવો છો? કાલે બંટી બરાડા પાડીને બધાને કેતો’તો કે મારા બાપુ મારી માટે રમકડું લાવ્યા.”

      “ના રે…  કાના હું તો રામ ભગવાનની મૂર્તિ બનાવું છું. પછી એના જે પૈસા મળશેને એમાંથી તારા માટે રમકડુ લઇ દઈશ હોં.” મૂર્તિ સામે નજર રાખી મનસુખભાઈ બોલ્યા.

  “સારું બાપુ.
  પણ બાપુ, સવિતામાસી કેતા’તા કે આ વખત ગામની વેશભૂષામાં એ લાલાને શંકર ભગવાન બનાવશે. ને થોડીકવાર પેલા બા અંબેમાંનો ગરબો ય ગાતી’તી. તો બાપુ ભગવાન કેટલા હોય?” અચરજ સાથે કાનો બોલ્યો.

      બિહારના એક નાનકડા ગામમાં પ્રખ્યાત શિલ્પીને પોતાના દીકરાનો આ પ્રશ્ન મૂંઝવવા મંડ્યો.

  “ભગવાન તો એક જ હોય.આ તો વળી લોકો અલગ-અલગ નામે બોલાવે.” કાનાને સમજાવવાનો પ્રયત્ન કરતા મનસુખભાઈએ કહ્યુ.

    જાણે બધું જ સમજી ગયો હોય એમ કાનો બોલ્યો,”ઠીક તો જેમ બા મને ક્યારેક જુદા નામે બોલાવે એમને?!”

  પાછુ કાંઈક યાદ આવતા કાનાએ કહ્યું, “બાપુ….., બાએ તો કીધેલું કે ભગવાને આપણને બનાવ્યા છે પણ અત્યારે તો તમે ભગવાનને બનાવો છો!!!”

        હવે મનસુખભાઈના હાથ અટકી ગયા.મનમાં અકળામણ થવા માંડી. પરંતુ શ્રીરામના આ ભક્ત હંમેશાં ધીરજ ધરતા.
       કાનાના મુખ પર અત્યંત જિજ્ઞાસા જોઈ મનસુખભાઈ બોલ્યા,”હા, કાના તારી બા સાચું કે છે. હું તો ખાલી મૂર્તિ બનાવું છું. તેમાં સંત-મહાત્મા પ્રાણ પૂરે ને લોકો ભક્તિ-ભાવથી દર્શન કરે છે.”

    “હમ્મ.. મૂર્તિમાં પ્રાણ પૂરાય તો એમાં સાચું ભગવાન આવે??” અત્યંત જિજ્ઞાસા સાથે કાનો બોલ્યો.

       મનસુખભાઈને વધારે કાંઇ સૂઝ્યું નહિ એટલે તેમણે માત્ર એટલું કહ્યું કે, “એ તો શ્રદ્ધાની વાત છે.”

       “તો બાપુ તમે મને શ્રધ્ધા શીખવાડશો?” કાનાના ચહેરા પર નિર્દોષ ભાવ હતો!

      ” હા કાના તું મોટો થાય ત્યારે બધું શીખવાડીશ.”માટી હાથમાં લેતાં મનસુખભાઈ બોલ્યા.

       કાનાના આ સવાલે મનસુખભાઈને હાથ અટકાવ્યા,  “બાપુ તમે ભગવાનને જોયા છે?”

      થોડું વિચારી મનસુખભાઈએ કહ્યું,” ના. પણ ભગવાન તો બધામાં છે. તારામાં, મારામાં, ઝાડ-પાનમા, માટીમાં, પથ્થરમાં….”

       “એમ? તો બાપુ જોયા વગર મૂર્તિ કેમ બનાવી શકાય?”કાનાનો પાછો એક પ્રશ્ન ઊભો જ હતો.

     કંટાળ્યા વિના મનસુખભાઈએ જવાબ આપ્યો,” એને કલ્પના કેવાય બેટા.આપણે મનમાં વિચારીને બનાવીએ એ કલ્પના છે.”

      કાનો ખુશ થતા બોલ્યો,”અરે વાહ! તો કલ્પના બહુ સારી કહેવાય કાં?”

    મનસુખભાઈ ઉભા થતા ફક્ત હકારમાં માથુ હલાવે છે.

       અંદરથી રમાબેન સાદ પાડતા કહે છે, “એ હવે તમારી લપ પુરી થઇ હોય તો શિરામણ કરી લ્યો.”

     મનસુખભાઈ હાથ-પગ ધોઈ કાનની બાજુમાં બેસે છે.

        થોડીવાર પછી કાનો કહે છે,”બા મને ભગવાન આપ.”
         રમાબેન અને મનસુખભાઈ એકબીજાની સામે જોઇ કાનાને જોતા રહી જાય છે.

     આશ્ચર્ય સાથે રમાબેન બોલ્યા,” કાના, આ વળી કઈ નવી રમત સૂઝી?”

     “અરે! બા, હું તો કહેતો હતો કે મને રોટલો દે. બાપુએ હમણાં જ કીધુંને કે બધામાં ભગવાન છે તો રોટલામાંય હોય ને?!!” ભોળાભાવે કાનો બોલ્યો.

  નાનકડા કાનાની વાતથી રમાબેન અને મનસુખભાઈ એકબીજાને અચરજથી જોઈ રહે છે.

-હેત્વી “ધરા”

4 replies on “ભગવાનના પ્રકાર કેટલા?!”

Comments are closed.

error: Content is protected !!