Love ? destiny

શહેરમાં આજે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો, આભમાં સુંદર મનોહર વાદળો છવાઈ ગયા. ભીની માટીની સુગંધથી એનું મન ભીંજાઈ ગયું. એક પવનની લહેર આવી એના મુખ પર આનંદ લાવી ગયું.

આજે જરૂર વરસાદ આવશે અને એક હળવા સ્મિતથીએ ઊભો થયો, પોતાની ઓફિસના દસમા માળે રહેલી ગ્લાસ વિન્ડોમાંથી શહેરની સુંદરતાનું એ રસપાન કરી રહ્યો. રોજ વેરાન ઝાંઝવા સમુ લાગતુ આ શહેર આજે આહલાદક લાગી રહ્યું હતું, જાણે એક નવયૌવના આજે અહીં પ્રેમ ના રંગ પૂરી રહી હતી.

કૃપાર્થ દલાલ એનું નામ જે આજે શહેરનો ઉભરતો ઈન્ટેપ્રોન્યોર હતો, ઘણા વર્ષો લગભગ પાંચ વર્ષો પછી આ વરસાદી વાતાવરણ કૃપાર્થને એની યાદ અપાવી ગયું, એની યાદ આવતા જ છેલ્લા પાંચ વર્ષોથી જેને કોઈએ ક્યારે હસતો જોયો નહોતો એના મુખમંડળ પર આજ હાસ્યની એક લહેર છવાઈ ગઈ, જાણે વર્ષો પછી એના દિલો દિમાગ ને એક ગજબ શાંતિ મળી હતી, અને એની સાથે સાથે જ એક દુઃખની ટીસ એના હૃદયના ઊંડાણ માં ઊભી થઈ અને કૃપાર્થને છ વર્ષો પહેલા લેતી ગઈ.

કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો કૃપાર્થ જે ભણવામાં મધ્યમ કહી શકાય તેવો પણ કવિ હૃદય ધરાવતો એક નવયુવાન, જેની યુવાનીના જોશમાં વિચારી રહ્યો હતો, એની કલમ જાણે એવો જાદુ કરતી હજારો યુવતીઓના હૃદયમાં આહ જગાવી જતી, એના શબ્દેશબ્દ માં અવિરત પ્રેમનું ઝરણું વહેતું જે હજારો આશિકોના દિલનો હાલ બયાન કરતું. કૃપાર્થ એક જાણીતા પ્લેટફોર્મ પર એના લેખ લખતો “મિત” ના ઉપનામથી. કોઈને એની અસલ ઓળખ ખબર નહોતી, છતાં ઘણા લોકો એના ચાહક અને ફોલોવર્સ હતા. એના પ્રોફાઇલ પિક્ચરમાં ચહેરા પર હાથ રાખી વિચાર કરતા એક યુવકનું પિક્ચર હતું, પણ એમાં પણ એક ગજબનું ખેંચાણ અનુભવાતું.

આજે કૃપાર્થને ઘણા સમય પછી લેખનની જગ્યાએ નવા લેખકોની કલમ પઢવાનો વિચાર આવ્યો. જાણીતી એપ્લિકેશન ઓપન કરીને આજે તે નવા પ્રકાશિત સાહિત્ય વિભાગમાં જઈએ સારી કોઈ રચના જોવા લાગ્યો, ત્યાંજ એની નજર એક લેખ પર પડી.

“અસમંજસ” નામે એક લેખ પ્રકાશિત થયો હતો, કૃપાર્થને એક અજબ ખેંચાણ એ નામ પ્રત્યે થઈ આવ્યું, લેખના લેખકનું નામ પણ અસમંજસ હતું, આ તેની પહેલી રચના હતી પણ એના લેખનમાં એક અજબ કશિશ કૃપાર્થને આકર્ષિત કરી ગઈ. લેખકના પ્રોફાઇલ માં પણ ખાલી એના ચહેરાની આંખો જ દેખાય એવું પિક્ચર લગાવેલું હતું, એની બે ખુબસુરત આંખો જાણે જાદુ કરી રહી હતી અને આંખો વચ્ચે લગાવેલી ચાંદ જેવી શોભતી નાનકડી બિંદી એનું રૂપ ઔર નિહાળી રહ્યું હતું. કૃપાર્થ પોતાની જાતને એને ફોલો કરતા ના રોકી શક્યો અને સાથે એક મેસેજ પણ સેન્ડ કર્યો.

“Hi, આપના લેખમાં એક અજીબ અદભુતિ થાય છે, આપ ખૂબ સુંદર લખો છો બસ આમ જ લખતા રહો.”

પણ એના મેસેજ ની રિક્વેસ્ટ સામેથી ઘણા દિવસો સુધી સ્વીકારાઈ નહોતી, હજારોના દિલમાં રાજ કરતો કૃપાર્થ આજે જાણે બેચેન બની ગયો હતો, દિવસો સુધી પોતાના મેસેજના રીપ્લાય ની રાહ જોઈ રહ્યો, પણ એના મેસેજ ની રિક્વેસ્ટ એક્સેપ્ટ ના થઈ અને લેખિકા નો બીજો લેખ પણ પ્રકાશિત ના થયો.

પૂરા દસ દિવસ પછી મીતના મોબાઇલમાં નોટિફિકેશન આવ્યું, “અસમંજસ” એ એક રચના “મનમીત” પ્રકાશિત કરી છે. આ વાંચતાજ કૃપાર્થ મનોમન હસી પડ્યો. અને એ રચનામાં પોતાના ઉપનમના સમાવેશથી એનું હૃદય પુલકિત થઇ ઉઠ્યું. તરતજ તેણે રચના વાંચી પોતાનો પ્રતિભાવ પણ આપી દીધો. મેસેજ સેક્શનમાં જઈને ફરીથી ટાઈપ કર્યું,
“hi”

પાંચ જ મિનિટમાં જ અણધાર્યો રીપ્લાય પણ આવ્યો,
“hi”

કૃપાર્થનું હૃદય આનંદના અતિરેકથી ઉભરાઈ આવ્યું, જાણે આજે ભગવાને એની વર્ષોની તપસ્યાનું ફળ આપ્યું હતું. કૃપાર્થ એ સામે રીપ્લાય આપતા કહ્યું
“તમે ખૂબ જ સુંદર લખો છો, તમારી રચના અદભુત હોય છે”

ઓહ એમ, પણ હું સાહિત્ય લેખનમાં ખૂબ નવી છું, જસ્ટ થોડા સમયથી જ લખવાનું સ્ટાર્ટ કર્યું છે, તમારો ખુબ આભાર. બસ આમ માર્ગદર્શન આપતા રહો”
સામેથી રીપ્લાય આવ્યો.

અને દિવસો વીતતા ની સાથે સાથે, ધીરે ધીરે બંને વચ્ચે વાતચીતનો દોર ચાલુ થઈ ગયો. મહિનાઓ સુધી બંને એકબીજાની રચનાઓ વાંચતા એની ચર્ચા કરતા, અને એકબીજા સાથે પોતાના દિલની વાતો શેર કરતા. ક્યારે બંનેના હૃદય એકમેક બની ગયા એની જાણ એ બંનેમાંથી કોઈને ના થઈ. બસ બંનેને એકબીજાની આદત એક લત લાગી ગઈ. એક અલગ દુનિયા વસાવી બંને એકબીજાને પ્રેરણા આપતા ચાહી રહ્યા.

આમ જ ૬ મહિના વીતી ગયા, બંને એ ક્યારેય પોતાનું સાચું નામ કે ઓળખ જાણવાની જરૂર ના લાગી, કે ક્યારે એકબીજાને મળ્યા પણ નહિ, પણ બંનેને એક બીજા વગર વાત કર્યા વગર એક દિવસ પણ ના ચાલતું. અચાનક કૃપાર્થ ને કોઈ અગત્યનું કામ આવી પડતાં તે બે દિવસ સુધી ઓફ લાઈન રહ્યો, બીજી બાજુ “અસમંજસ” જાણે બેબાકળી થઈ ગઈ, આમ મિત ની સાથે વાત કર્યા વિના એને કયાંય ચેનના પડ્યું. જ્યારે બે દિવસ પછી તે online થયો, એવીજ તે એના પર ગુસ્સાથી વર્ષી પડી.

યાર ક્યાં હતો, સમજ માં નથી આવતું મારી શી હાલત થઈ છે આ બે દિવસોમાં, તારે જાણ કરવી જોઈએ ને.

અરે પણ કામ હતું માટે ના આવી શક્યો, પણ તું આમ કેમ ગુસ્સે થાય છે? તે બોલ્યો.

યાર કેમ કે….

અને આ અધૂરા શબ્દોએ બંનેના પ્રેમ ની સાક્ષી પુરાવી દીધી, અને આખરે બંનેએ પોતાના પ્રેમ નો ઈઝહાર કરી દીધો. પણ આ ખુશી બંને માટે વર્ષો ની જુદાઈ લાવવાની હતી, એની જાણ બંને ને નહોતી.

*****
એવું શું થયું હતું જેના થી બે કવિ હૃદય ને અલગ થવું પડે છે?
શું બંને એકબીજાને મળી શકશે કે નહીં?

ક્રમશ…

*****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!