વિરહ સંગી

virahsangi

દુલ્હનની જેમ સજેલી હવેલી આજે ખૂબ જ સુંદર શોભી રહી હતી. મહેમાનોના કલરવથી પૂરો માહોલ સજીવન લાગી રહ્યો હતો. રંગબેરંગી વસ્ત્રોમાં સજજ નાના મોટા સૌ આમ-તેમ મહાલી રહ્યા હતા. દુનિયાભરમાંથી લાવીને સજાવેલા સુંદર ફૂલોની રંગોળીથી હવેલી મહેકી રહી હતી. ચાંદની રોશની તળે રંગબેરંગી રોશની થી પૂરી હવેલી ઝગમગી ઊઠી હતી.આજે આ નાનકડા ગામના દરબાર શ્રી ઉદયસિંહના એકમાત્ર કુવર રણજીતસિંહના શુભ લગ્ન બાજુમાં આવેલા ગામના દરબાર મનોહરસિંહ ની આંખોના રત્ન સમી વસુધા સાથે થયા હતા. ખૂબજ મનોહર સૌંદર્યની સામ્રાજ્ઞી વસુધા આજે દુલ્હનના પરીવેશમાં ખૂબ જ અદભુત લાગી રહી હતી. આભમાં ચમકી રહેલા ચાંદાની ચાંદની પણ એના મુખ પર રહેલા અનુપમ ઉજાસ આગળ ફિક્કી લાગી રહી હતી.


ઉદયસિંહ અને મનોહરસિંહ વચ્ચે વર્ષો જૂની દુશ્મની ના અંત માટે એમણે પોતાના બંને સંતાનોના લગ્ન નિર્ધારિત કર્યા હતા. નવદંપતીને અખંડ જોડીના આશીર્વાદ આપ્યા બાદ એક પછી એક આપ્તજન વિદાય લઈ રહ્યા હતા. 
સુહાગરાતની સેજ સૈયા પર પોતાના દિલ ના ભરથાર ની રાહ જોતી વસુધા ખૂબજ અધીરાઈથી પોતાના સુહાગની પલકોતળે રાહ જોઈ રહી હતી. લગ્નઃ પહેલા વસુધાએ રણજીતની ફક્ત એક જ ઝલક જોઈ હતી, પણ એની પ્રથમ ઝલક પામતા જ વસુધા મનથી જ રણજીત ને વરી ચૂકી હતી. બસ હવે એને તન થી વરવા માટે વસુધા આજે એક પ્યાસી ધરા ની જેમ પોતાના પિયુના સ્નેહની વર્ષા માટે પોતાના કક્ષના દરવાજા પર નજર ખોડી ને બેઠી હતી. 
બહારથી થોડા હસી મજાક ના અવાજ સાથે કક્ષનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, સાથેજ રણજીત ને કક્ષમાં ધકેલી દેવામાં આવ્યો અને ધીરેથી દરવાજો બંધ થતો સંભળાતાં વસુધા શરમાતી ઘૂંઘટ તાણી મો નીચે તરફ કરી બેસી રહી. વસુધા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા કદમોની આહટની સાથે જ વસુધા ના દિલની ધડકન પણ વધી રહી હતી. બસ હવે થોડી ક્ષણો અને પિયુ મિલનના વિરહ ની ઘડી ખતમ થવાની હતી. વસુધા ઘૂંઘટમાં મલકાતી ક્યારે એનો પ્રાણપ્રિય એનો હાથ થામે તે ઘડીની રાહ જોઈ રહી. 
??હૈયામાં ઉમંગ ભર્યો આજ,થશે પિયુ મિલન આજ…
આંખો થી વાતો થશે આજ,મળશે તન થી તન આજ…
એના પ્રેમના સ્પર્શ થકી આજ,થશે ધરા તૃપ્ત આજ…
વિરહ ની કપરી વેળા વિતશે આજ,થશે પિયુ મિલન આજ…
??

નજીક આવતા કદમોની આહટ થોડી દુર જ અટકી ગઈ. થોડી ક્ષણો કક્ષમાં એક અજીબ શાંતિ પ્રસરી રહી. રણજીત ત્યાં જ ખોદંગાયેલ ઊભો રહ્યો. સજી ધજી બેસેલી નવોઢાને જોઈ એના હૈયામાં પ્રેમના ઉમંગો ઉઠવાની  જગ્યાએ તેનું દિલ પલ પલ વલોવાતું હતું.


ધીરેથી પોતાની પત્ની પાસે જઈ તે ઊભો રહ્યો, અને ચિર શાંતિ ભંગ કરતા બોલ્યો, “મને માફ કરી દેજે, તને મારી પત્ની બનાવી અહીં લાવ્યો છું, પણ તને એક પત્ની નું સ્થાન મારા હૃદયમાં ક્યારેય નહીં આપી શકું. મારા દિલ-દિમાગ પર મારી સ્નેહાનું રાજ રહેશે, જેને હું આપણા માતા-પિતાના દબાણ વસ હું અપનાવી ના શક્યો. પણ હંમેશા તેનું સ્થાન મારા દિલમાં તારા પહેલા જ રહેશે. તને હું દિલથી ક્યારેય અપનાવી નહિ શકું,ભલે દુનિયા સામે તું મારી પત્ની હોય પણ આં દિલમાં મારી પ્રિયતમા નું જ સ્થાન રહેશે.”


આટલું બોલતા રણજીતના કદમ એટલેથીજ પાછા વળી ગયા.રણજીતના એક એક દૂર થતાં કદમની સાથે વસુધાના દિલમાં રહેલા ઉમંગોના વાદળો પણ હટી રહ્યા હતા. પ્રેમના સ્નેહને તરસતી વસુધા જાણે પાસે આવેલ વાદળી વરસ્યા વગર જતી રહે તેમ અધૂરી અતૃપ્ત ધરતી સમી જડ બની રહી.
દિવસોની સાથે મહિના વીતી ગયા, રણજીત અને વસુધાનુ લગ્ન જીવન બહારથી ખુશખુશાલ દંપતિની જેમ મહેકતું, પણ ભીતર વેદના તો વસુધા જ જાણતી. રણજીત વસુધાના દરેક ત્યાગને હસતે મુખે સહન કરતી જોઈ એને મનોમન વંદી રહેતો. તે રણજીત ની એક-એક વાતની કાળજી રાખતી, શું ખાવું, શું પહેરવું, તેની દરેક પસંદ-નાપસંદ બધી ચીજોનો ખૂબ બારીકાઈથી ધ્યાન રાખતી. એક પત્ની નો ધર્મ તે ખૂબ જ સ્નેહથી હસ્તે મુખે નિભાવતી રહી હતી. એટલો અનહદ પ્રેમ તે રણજીત ને કરતી. દિવસભર હસતી ખિલખિલાટ કરતી વસુધા રાત્રી આંસુઓના સહારે રૂમમાં એકાંતમાં વિતાવતી.
વસુધાના આં ત્યાગ સહનના થતા રણજીત વસુધાને થોડા દિવસ તેનાં પિયર કોઈ બહાનું કરી મોકલી દે છે. રણજીતને હતું કે આ વાત માટે વસુધાને મનાવતા મુશ્કેલી પડશે, પણ પતિના આં નિર્ણયને પણ વસુધા એ હસ્તે મુખે સ્વીકારી લીધો હતો. વસુધા ના અસ્તિત્વ માં રહેલ ઠહેરાઈ  જોઇ ક્યારેક રણજીત હલબલી ઉઠતો, પણ પોતાની પ્રેમિકા યાદ આવતા જ તે આગળ વિચારવાનું છોડી દેતો.
વસુધાને પિયર ગયા ને મહિનો થવા આવ્યો, પણ રણજીતે ના તો વસુધા ની કોઈ ખબર જાણવાની તસ્દી લીધી, ના તો એને એકવાર મળવા જવાની પરવા કરી. વસુધા પોતાના પિયર હસતી ખેલતી રહેતી, ઘરે કોઈ રણજીત ના સમાચાર પૂછે તો બહાનું બનાવી દેતી અને હંમેશા પોતાનો પતિ એને કેટલો પ્રેમ કરે છે તેખૂબ જ પ્રેમપૂર્વક બતાવતી રહેતી. પણ વસુધા પોતાની એકલતા ની અસહ્ય પીડા, રાત્રિમાં રડી રડી પસાર કરતી હતી.

એક દિવસ તેનો ભાઈ વસુધાને આમ રડતી જોઈ ગયો, અને ખૂબ જ દબાણ કરી પૂછતા વસુધાના દબાવી રાખેલ દર્દ ની પાળ તૂટી જતાં તે બધી હકીકત પોતાના  વહાલા ભાઇ ને કહી દે છે. એનો ભાઈ વસુધાને ત્યારે તો થોડી સાંત્વના આપે છે, પણ મનમાં એક મક્કમ નિર્ણય કરી આંખોમાં રહેલ પ્રતિશોધ સાથે ત્યાંથી નીકળી જાય છે.આવનાર ભયાનક પરિણામોથી બેખબર વસુધા દિલમાં રહેલ બોજ થોડો હળવો થતો અનુભવી રહી હતી.


બીજી તરફ રણજીતને જાણે વસુધાની ગેરહાજરીથી હવે વસુધાના પોતાના જીવન માં રહેલ અસ્તિત્વનું મહત્વ સમજાઈ રહ્યું હતું. દૂર રહીને હરપળ એને વસુધા ની સ્નેહભરી મુસ્કાન, એની આંખોમાં રહેલ અસિમ પ્રેમ, એનો ત્યાગ બધું જ યાદ આવી રહ્યું હતું. પ્રેમિકા અને પત્ની વચ્ચે ઝોલા ખાઈ રહેલો રણજીત વિરહની એક અજીબ આગમાં જલી રહ્યો હતો. પણ હમેશા એનાં પ્રેમનું પલ્ડું વસુધા તરફ જ નમેલું લાગતું.રણજીત નાં હૃદયમાં આખરે વસુધા ના અપાર પ્રેમ એ સ્થાન બનાવી જ લીધું હતું.


આખરે એક દિવસ એ આગની પીડા સહનના થતા તે વસુધાને હંમેશા પોતાની બનાવવા માટે તેને પીયર થી પોતાના ઘરે અને જીવન માં સાચે જ પ્રવેશ કરાવવા, પોતાના હૃદયમાં એની પટરાણી નું સ્થાન આપવા નીકળી પડે છે, નીકળતા પહેલા તે વસુધાને પણ આ વાત ફોન કરી જાણવી દે છે. ભવિષ્યના ભયાનક અણસાર થી બેખબર બંને વિરહી હૃદય એકબીજાને મળવા તરસ્યા થયા હતા, પણ ત્યાં માર્ગમાં વસુધાના નાના ભાઈએ મોકલ્યાં હતાં એ ગુંડા રણજીતનો કાળ બની રાહ જોઈ રહ્યા હતા. જેવી રણજીતની કાર આવી રહેલ વણાંક પરથી પસાર થઈ રહી હતી, ત્યાજ સામેથી આવતી એક મોટી ટ્રક ધડાકા ભેર એની સાથે અથડાઈ, રણજીત કઈ સમજે તે પહેલાજ ભયંકર અથડામણની રોડ ની સાઇડ માં આવેલા ખીણમાં તેની કાર ખાબકતા જ તે આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ.


આખરે પોતાની વહાલી બહેનને તરછોડનાર દુશ્મન નો દીકરો ખતમ થવાના સમાચાર પોતાના સાથી દ્વારા મળતા વસુધા નો નાનો ભાઈ ખુશીથી ઝૂમી ઉઠયો, ત્યાજ પોતાનો પતિ પોતાને લેવા આવી રહ્યો છે તે ખબર પોતાના નાના ભાઈ ને આપવા આવેલ વસુધા આ સાંભળી હચમચી ઊઠે છે. પાછળ ઉભેલ બહેનને જોતાં પોતાની જાતને સંભાળીલે તે પહેલા જ વસુધા ત્યાંથી ડોટ મૂકે છે, અને થોડી ક્ષણોમાં જ હવેલીના ઝરૂખામાંથી મોતની છલાંગ લગાવી દે છે.


વિરહ થી તડપતા બંને પ્રેમીઓને જાણે ભગવાન આજે હમેશા માટે પોતાની પાસે બોલાવી એમના અમર પ્રેમના મિલનનો સાક્ષી બનવા માંગતો હતો.


?\?વિરહિ હૈયા મળ્યા એવા આજ,સ્વર્ગ પણ જાણે થયું ઉતાવળું આજ,

થવા શાક્ષી એવા મિલન ને આજ….??

**************

ધ્રુતિ મહેતા (અસમંજસ)

One reply on “વિરહ સંગી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!