
પ્રિતમ ની યાદમા પ્રિયતમા નજરો કરે દુર દુર,
એને સાથ આપતી નાનકડી બારી પણ જોયા કરે પ્રિયતમા ને,
આ વિરહની તરસી આંખલડી પ્રિતમ તારી યાદમા,
આજ તારી પ્રિયતમા દિન-રાત તને યાદ કરે…
આજે રૂપાના દિલમાં ઉભરાઈ રહેલા ઉમંગોની કોઈ સીમા નહોતી, જાણે હૃદયનો ઉમળકો ખળભળતી નદીના ધોધની જેમ વહી રહ્યો હતો. એક નવીનવેલી દુલ્હનની જેમ શરમાતી રહેલી રૂપા આજે અધીરાઈ પૂર્વક અહીંથી તહીં ફરી રહી હતી.ઘડીક ઘરના ઝરૂખે તો ઘડીક ઘરના આંગણે એના કુમકુમ ભર્યા પગલાં પડી રહ્યા હતા. આ અદરેકા આનંદ એટલા માટે હતો કે આજે વર્ષના વિરહ પછી એનો પ્રિયતમ ઘરે આવી રહ્યો હતો.
ઝરૂખે બેઠેલી અભિસારિકા સમી દીસતી રૂપા ડેલીએ નજરોને માંડતી વર્ષો પાછળ ભૂતકાળમાં સરી ગઈ.
ગુજરાતમાં એક ૨૦૦ ખોરડાં વાળું નાનકડું ગામ નદી કિનારે વસેલું હતું, એમાં આસપાસ રહેલા બે પરિવારોના બાળકો એટલે રૂપા અને સૂરજ. સૂરજ રૂપાથી બે વર્ષ મોટો, પણ પાસપાસે રહેતા હોવાથી બંનેની વચ્ચે બાળપણથી જ એક અજીબ નાતો જોડાઈ ગયો હતો. બંનેના પરિવારો વચ્ચે પણ એક ઘરોબો બંધાઈ ગયો હોવાથી બંન્નેની મિત્રતા એમના પરિવાર માટે કોઈ ચિંતાનો વિષય નહોતો, બંને એક બીજાના પડછાયા સમાં આખા ગામમાં વિહરતા રહેતા. બંનેની વચ્ચે રહેલા અસીમ સ્નેહને કારણે ગામમાં બધાની આંખો એમના પર ઠરતી. સૂરજ એની રૂપાને ક્યારે એકલી ના પડવા દેતો, નાનકડી રૂપાને જીવથી પણ વધુ સાચવતો. રૂપાને જો કોઈ ઈજા થતી તો રૂપાની આંખમાં આંશુ છલકાય તે પહેલા સૂરજની આંખો છલકાઇ જતી, બસ રૂપાને કેમ કરી આનંદમાં રાખવી એજ સૂરજ વિચારતો રહેતો ,બંને ભેરૂએ આમ આનંદથી બાળપણ વિતાવ્યું.
બાળપણ વીતતા ક્યાં વાર લાગે છે, નાનપણના સાથીઓ ઉપર યૌવન એ દસ્તક દીધા, નાનકડી રૂપા હવે એક અતિસુંદર યૌવનથી છલકાતી યુવતી, જ્યારે સૂરજ એક મનમોહક યુવાન બન્યો. બંનેને સાથે જોઈ એક અલૌકિક અનુભુતી થતી જાણે એકબીજા માટે જ સર્જાયા હોય. યૌવન ના પ્રવેશ સાથે રૂપા અને સૂરજનાં હૃદયમાં અસીમ પ્રીતનાં રંગ ભરી દીધા. બંનેના હૃદયમાં હવે ભોળપણનું સ્થાન પ્રેમના એક અનન્ય સ્નેહએ લીધું.એકબીજાથી હવે બંને થોડી ક્ષણો પણ વિખૂટા રહી શકતા નહીં.
બંનેના વચ્ચેનો પ્રેમ જોઈ બંનેના પરિવારોએ બંનેના વિવાહ કરી દીધા. અને એક વર્ષ પછી બંનેના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
સૂરજ એક ખડતીલો યુવાન હતો. ગામના બીજા યુવકોની જેમ સૂરજને પણ દેશ સેવા માટે પોતાનું જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું. એક દિવસ સૂરજ પોતાના મનની વાત રૂપા ને કહે છે, કે પોતે ભારતીય સેનામાં જોવાઇ દેશની રક્ષા કરી માટે પોતાની ધરતીનું રૂણ અદા કરવા માંગે છે.
રૂપાએ સૂરજના ઓવારણાં લેતા કહ્યું તારા પર મને અતિરેક પ્રેમ ખરો પણ આજે મારા નસીબ ઉપર મને ખૂબ માન થાય છે જેણે તારા જેવા દેશ પ્રેમીને મારા ભાગ્યમાં લખ્યો. તું બેધડક જા અને તારા સપના પુરા કર, આ રૂપા હમેશા તારી સાથે ઊભી રહેશે. રૂપાનો આવો અનુપમ પ્રેમ જોઈ સૂરજ પણ આજે ધન્ય થઈ ગયો. અને એને હળવેથી રૂપા ને પોતાના આલિંગન માં લઈ પ્રેમ વરસાવવા લાગ્યો. આજે ગગન માં રહેલો સૂરજ પણ જાણે બે પ્રેમીઓના નિર્દોષ પ્રેમ જોઈ શરમાઈ છુપાઈ ગયો જાણે.
સૂરજ અને રૂપાએ ક્યારેય પોતાની સીમા ઓળંગતા નહિ, હા પણ જ્યારે મળતા ત્યારે પ્રેમની અભિવ્યક્તિ કરવાનું ચૂકતા નહીં, આમ બંને પ્રેમી જીવ આનંદથી સમય વ્યતીત કરવા લાગ્યા.
બીજી બાજુ સૂરજે ભારતીય સેનામાં જોડાવા માટેની તૈયારીઓ પણ આરંભી લીધી હતી. ૬ મહિનાની સૂરજની તનતોડ મહેનત રંગ લાવી અને એને ભારતીય સેનામાં જોડાવાની તક મળી ગઇ.
સૂરજ સૈન્ય માં જોડાવા માટેના કેમ્પ માં ભાગ લેવા જઈ રહ્યો હતો, ઢળતા સૂરજની સાક્ષીએ બેઉ પ્રેમી પંખીડા આજ મન મૂકી એકબીજા પર પ્રેમની સનેહવૃષ્ટી કરી રહ્યા.આખરે જલ્દી એક ફોજી બની પાછો ફરશે એમ વચન આપી સૂરજ અને રૂપા અલગ થયા.સૂરજના પાછા ફર્યા બાદ બંનેને લગ્ન ની ગાંઠે બાંધવાનું બંનેના પરિવારજનો એ નક્કી કર્યું.
આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે સૂરજ એક ભારતીય ફૌજી બની પાછો ફર્યો. અને ત્યારબાદ થોડા જ સમયમાં રૂપા અને સૂરજ ને લગ્ન નાં અતૂટ બંધનમાં જોડી દેવામાં આવ્યા.આજે આકાશમાં રહેલા તારલાઓ પણ જાણે આ બંને પ્રેમીઓ નું મિલન માણવા તડપી રહ્યા હતા એમ ટમટમી રહ્યા હતા. ત્યાંજ દુશ્મન દેશ સાથેના યુદ્ધ જાહેર થવાને કારણે સૂરજ ને એજ ઘડી સૈન્યમાં હાજર થવા માટે ઓર્ડર મળે છે.
રૂપા ઘડી નો વિચાર કર્યા વિના પોતાના ભરથારને લલાટે તિલક કરી પોંખે છે અને હસતે મુખે લડાઈ જીતવા માટે વિદાય આપે છે..
આજે…..પૂરા એક વર્ષ ના સૈન્ય ના યુદ્ધ વિરામ બાદ સૂરજ પાછો ફરી રહ્યો હતો. રૂપા ના પાગલપનનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ હતું. પ્રેમ વિરહિણી રૂપા આજે જાણે સાક્ષાત સ્વર્ગની અભિસારિકા દીસતી હતી.ત્યાંજ ડેલીમાં થયેલા સંચારે રૂપાને વર્તમાનમાં લાવી મૂકી.જાણે સૂરજ ના સ્વાગત માં કેસરિયા કરવા પૂરું ગામ એકઠું થયું હતું.રૂપા પોતાના કદમો કાબૂમાંના રાખી શકી, ઝરૂખે બેસેલી રૂપા દોડતી નીચે ક્યારે પહોંચી ગઈ એનું પણ એને ભાન ના રહ્યું.સૂરજ ના પ્રેમમાં વિરહિણી એવી રૂપા જેવી નીચે પહોંચે છે ત્યાંજ.. જમીન પર તિરંગા માં સજ્જ એનો સૂરજ આજે શહીદી નું કફન ઓઢી પડ્યો હતો.પોતાના પ્રાણ પ્યારા ભરથારને આમ મૌત ની ચાદર ઓઢી સૂતેલો જોઈ રૂપા સૂરજને વળગી પડી અને તેણે ત્યાંજ એના પ્રાણ ત્યાગી દીધા. આજે પૂરું ગામ દેશ માટે શહીદ થયેલા પોતાના ગામના એક સપૂતની શહીદી સાથે આ અમર પ્રેમીઓની પ્રીત પર હિબકે ચડ્યું.
******************
ધ્રુતિ મહેતા (અસમંજસ)
One reply on “વિરહિણી”
ખુબ જ સરસ રીતે વિરહિણી વ્યાખ્યા હદયમાં કંડારી જાય. સાથે નવયોવન ના પ્રેમની અનુભૂતિ થાય છે. લેખક ને ધન્યવાદ.