
સ્પંદને – સ્પંદને ધબકે રે તુ!
મારા અસ્તિત્વનું ઓજસ તું!
મારા હર એક વિશ્વાસનો શ્વાસ તું!
તું — તું — અને માત્ર તું ___
જ્યાં જોઉં ત્યાં ” તું ” !!
અરે! મારા દિલ નો રણકાર શું કહું અને શું ન કહું? શું લખું અને શું ન લખું? આજે તો થાય છે કે મારા હૃદયમાં તારા નામના જે સંવેદનાના સુર વહી રહ્યા છે તેને આ કાગળ અને કલમ રૂપી ચિતાર આપું! મારી લાગણીની હરેક સંવેદના માં તને ભીંજવી નાખું અને મારા હૃદય સરસો ચાંપી દઉં!!
**********
સંધ્યા આજે પોતાના સૂરજને સંવેદનાથી તરબતર કરી શબ્દોને લાગણી નો શણગાર સજાવી પત્ર લખી રહી છે… સંધ્યા અને સુરજ એટલે “સારસબેલડી” ની જોડ….. સંધ્યા અને સુરજ ની જોડ એટલે જાણે “પ્રેમનો અમી ઓડકાર”!!
**********
સંધ્યા અને સુરજ ની પ્રથમ મુલાકાત એક પુસ્તક મેળામાં થઈ હતી. બંને એ એક જ સાથે એક જ પુસ્તક પર હાથ મુક્યો! હાથ થી હાથ નું મિલન અને નજરથી નજરો નું!
સુરજ તો સંધ્યાને અપલક નજરે જોઇ જ રહ્યો ગૌરવર્ણ, સુંદર ચહેરો, આંખો નું કાજલ, ચહેરા પર વારંવાર આવતી સુંદર કેશની લટો… આછા ગુલાબી રંગના એકદમ સાદા પણ ખુબ જ સુંદર ચહેરામાં જાણે ‘નમણી નાગરવેલ’…. સુરજ પણ મધ્યમ એકવડીઓ બાંધો, ગોરો ચહેરો અને આછા પીળા રંગના શર્ટમાં ખૂબ જ સોહામણો લાગી રહ્યો હતો.
બંને એક પલ માટે એકબીજા ને નિહાળી રહ્યા હતા જાણે ‘નજરો નું રસપાન’ અને સંધ્યાએ ધીરે થી પોતાનો હાથ હટાવી પોતાની નજરો ને ઢાળી દીધી! સુરજ એ વાતની શરૂઆત કરી.આ પુસ્તક પર પ્રથમ હાથ મારો પડ્યો છે તો આનો પ્રથમ હકદાર હું છું સંધ્યાએ શાંત અને હળવા સ્વરે કહ્યું કીધું વાંધો નહીં હું આ પુસ્તકની બીજી કોપી લઈ લઈશ તમે આ લઈ લો અને સ્ટોરના માલિક પાસે બીજી કોપી માંગી પણ બુક સેલર એ કહ્યું આ છેલ્લી કોપી જ રહી છે તમે જ નક્કી કરી લો કે કોણ ખરીદશે?
સંધ્યાએ ફરી હળવા સ્મિત સાથે કહ્યું તમે આ કોપી લઈ લો પણ સૂરજને આટલાથી વાત પતાવવી ન હતી તેમને તો સંધ્યા સાથે હજુ વાત કરવી હતી પણ સંધ્યા ચાલવા લાગી અને સૂરજ એક નજરે તેને નિહાળી જ રહ્યો… સુરજ ઝટપટ તે પુસ્તક ખરીદી સંધ્યા ની પાછળ પાછળ જવા લાગ્યો પણ વચ્ચે લોકોનું ટોળું આવી જતા સંધ્યા કઈ બાજુ ગઈ તે જાણી ના શક્યો. સૂરજ આખો પુસ્તકમેળો ફરી વળ્યો પણ સંધ્યા ક્યાંય ન દેખાઇ આ બાજુ સંધ્યા પોતાની સહેલી રિયા સાથે ઓટો રીક્ષામાં બેસી પોતાના ઘરે જતી રહી. સુરજ પણ પોતાના ઘરે પહોંચી ગયો પણ આજે તેને બિલકુલ ચેન નહોતું પડતું. નજરમાંથી સંધ્યા નો ચહેરો ખસતો ન હતો તેને તો સંધ્યા નું નામ પણ ખબર ન હતી. તે આખી રાત ઊંઘી ન શક્યો સંધ્યા સાથે જાણે પહેલી નજરનો પ્રેમ!! તે ગમે તેમ કરી સંધ્યા ને શોધવા માંગતો હતો પણ પુના જેવડા મોટા શહેરમાં એક છોકરી કે જેનું નામ પણ ખબર નથી શોધું તો પણ કેવી રીતે? સુરજ વારંવાર પુસ્તકમેળામાં થી લાવેલ પુસ્તકને પોતાના હૃદય સરસુ ચાંપતો જાણે તેમાં તેને સંધ્યાના અર્થ નો અહેસાસ થતો તે પુસ્તકનું નામ હતું “સંવેદનાના સુર”.
**********
સુરજ એક મોટી મલ્ટીનેશનલ કંપની નો માલિક હતો. ઘરમાં તેની માતા સાથે રહેતો હતો. પિતા એક કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા અને વારસામાં સુરજ ને કરોડોનો બિઝનેસ સોંપી ગયા હતા. સુરજની માતા સુધાબહેન ખૂબ જ સરળ સ્વભાવના અને સમાજસેવિકા હતા. પતિના મૃત્યુ બાદ સુરજ જ તેની જિંદગી હતો. સુરજના પિતાના મૃત્યુના બે વર્ષ બાદ સુધાબહેન હંમેશા સુરજ ને લગ્ન કરવા માટે કહેતા પણ સુરજ પિતાના ધંધામાં એટલો તો ડૂબી ગયો હતો કે હંમેશા વાતને ટાળી દેતો.
આટલી મોટી સંપત્તિ નો સુરજ એકમાત્ર વારસદાર હતો. જ્ઞાતિ માંથી સુરજ માટે ઘણા માં આવતા પણ સુરજ એક પણ છોકરી જોવા માટે તૈયાર ન હતો કારણ કે તેને હજુ પિતાની કંપનીને એક નવા મુકામ સુધી પહોંચાડવી હતી. પણ આજે સવારે સુધાબહેન દીકરાના રૂમમાં ગયા તો સુરજ બાલ્કનીમાં એ જ પુસ્તકને હાથમાં પકડી બેસી રહ્યો હતો. આંખોમાં આખી રાતનો ઉજાગરો સ્પષ્ટ દેખાતો હતો. સુધાબહેન જાણતા હતા કે સૂરજને વાંચનનો નાનપણથી જ ખૂબ શોખ છે એટલે એમણે સહજતાથી પૂછ્યું આજે નવી બુક ને એક જ રાતમાં પૂરી કરી ઉજાગરો કર્યો કે શું??? પણ સામેથી કોઈ જવાબ ન મળતાં સુધાબેને ફરી પૂછ્યું પણ ફરી કોઈ જવાબ નહીં!!!
સુધાબહેને સૂરજને રીતસરનો ઢંઢોળ્યો. જાણે તંદ્રાવસ્થામાં થી જાગ્યો હોય તેમ સુરજ ચમકી ગયો. અરે મમ્મી તમે ક્યારે આવ્યા? મને તો ખબર જ નથી. તું ક્યાં ખોવાયેલ છે? તારી આંખોમાં ઉદાસી અને ઉજાગરો બંને એક સાથે? શું વાત છે બેટા? સુધાબહેને પ્રેમથી સુરજ ની પાસે બેસી માથા પર હાથ ફેરવી પૂછ્યું. સુરજ હસીને વાત ટાળી દીધી, કંઈ નહીં મમ્મી આ નવું પુસ્તક છે જ સંવેદનાથી ભરપૂર!!!
સુરજ નો સ્વભાવ ખૂબ જ હસમુખો અને રમતિયાળ હતો. મમ્મી સાથે અને ઘરના નોકરો સાથે ખૂબ જ મસ્તી કરતો. ઉઠતાની સાથે ઘરના ખૂણે ખૂણામાં જાણે જીવ રેડી દેતો હોય એવું વાતાવરણ ખીલી ઊઠતું!!! પણ આજે પોતાનાં નિત્યક્રમ પતાવી નાસ્તો કર્યા વગર જ મમ્મી મીટીંગ છે કહી ચૂપચાપ જલ્દીથી પોતાની ગાડી લઈને નીકળી ગયો સુધાબેન ને પણ સૂરજનું વતન કંઈક અલગ લાગ્યું તે વિચારવા લાગ્યા…
સૂરજની કંપનીમાં અનેક છોકરીઓ જોબ કરતી હતી. કોલેજની છોકરીઓ થી લઈને કંપની સેક્રેટરી સુધી અનેક છોકરીઓને જાણતો પણ ક્યારેય કોઈની સામે તેણે ઊંચી નજર કરી જોયું ન હતું.પણ આજે તેને વારંવાર સંધ્યા નો ચહેરો દેખાતો હતો. આજની બધી મિટિંગ કેન્સલ કરી વિચારવા લાગ્યો કે કેમ કરીને સંધ્યાને શોધું અને તેણે ‘અનામિકા’ નામ આપ્યું. ત્યાં જ તેનો મિત્ર વિજય કેબિનમાં આવ્યો, દરરોજનો તેનો નિત્યક્રમ હતો સુરજ આવીને પહેલા વિજયને મળે બંને કોફી પીવે અને પછી જ કામ ચાલુ કરે. આજે એ ક્રમ તૂટી ગયો એટલે વિજય જાતે જ આવ્યો. બંને કોલેજકાળથી મિત્રો હતા, સુરજે જ વિજયને પોતાની કંપનીમાં મેનેજર તરીકે જોબ આપી હતી.
વિજયે સુરજના ચહેરાને જોઈ પૂછ્યું, કેમ ભાઈ શું થયું? આજે સતત બકબક કરતું ટેપરેકોર્ડર ચૂપ કેમ?
સુરજ એ બધી જ વાત વિજયને કરી… વિજય તો સાંભળી અવાચક થઈ ગયો કારણ કે આટલા વર્ષોમાં પહેલી વાર સુરજ ના મોઢા માં થી કોઈ છોકરીની વાત અને એ પણ વાત નહીં રીતસરનું ‘પાગલપન’ વિજય ને કંઈક વિચાર આવ્યો અને તેણે સુરજ નો હાથ પકડી કહ્યું, ચાલ મારી સાથે… વિજયે ગાડી કાઢી અને બંને જણા પુના ના રસ્તા પર ગાર્ડનો અને બીજી ઘણી જગ્યાએ ફરી વળ્યા પણ આટલા મોટા શહેરમાં તો કોઈ અજનબી ને કેમ શોધાય? પણ કહેવાય છે ને મન હોય તો માળવે જરૂર જવાય!!! સુરજ ને કંઈક વિચાર આવ્યો અને તેણે ફરી ગાડી ને એ જ પુસ્તક મેળા તરફ હંકારી…
**********
આ બાજુ સંધ્યા સુરજ ના ચહેરા ને ભૂલી નહોતી શકતી તેની નજરો સમક્ષ પણ વારંવાર એ જ ચહેરો દેખાતો… સંધ્યા એક મધ્યમ પરિવારની છોકરી. ઘર માં માતા-પિતા અને તેનાથી નાનો એક ભાઈ, માતા સરલાબહેન ગૃહિણી, પિતાનો એક દવાનો સ્ટોર અને નાનો ભાઈ હજી કોલેજના પ્રથમ વર્ષમાં… સંધ્યા દેખાવમાં તો સુંદર હતી જ પણ સાથે સાથે ખૂબ જ લાગણીશીલ અને સ્વભાવે પણ ખૂબ સરળ. ઘરમાં બધાની ખુબ જ કાળજી લે. સંસ્કાર અને સુંદરતાનો પર્યાય એટલે “સંધ્યા”.
કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સંધ્યા એક કંપનીમાં જોબ કરતી હતી. સંધ્યા ખૂબ ટેલેન્ટેડ તો હતી સાથે સાથે ઘરનાં કામોમાં પણ ખૂબ જ નિપૂર્ણ. સંધ્યા ને પણ વાંચન અને સાથે સાથે લેખનનો ખૂબ જ રસ હતો. લેખન કળા તો જાણે તેનો પહેલો પ્રેમ! તેને ડાયરી અને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો. તેની દરેક કવિતા સંવેદનાઓથી ભરપૂર રહેતી. સંધ્યાના પિતા પણ સંધ્યા માટે એક સારા ઘરનો છોકરો શોધતા હતા. પણ જીગર ના ટુકડા ને કોઈ અજાણ્યા હાથમાં સોંપવો ન હતો.
**********
સંધ્યા પણ એ જ પુસ્તકની બીજી કૉપી ખરીદવા ફરીથી એ જ પુસ્તક મેળામાં જવા પોતાની શક્તિ રહ્યા ને બોલાવી અને બંન્ને રીક્ષા માં બેસી તે જ સ્થળે જવા નીકળ્યા. ‘કુદરતનો કરિશ્મા કહો કે દિલનો પોકાર’… મેળાના ગેટની બહાર સુરજ ગાડી પાર્ક કરી વિજય સાથે બહાર આવ્યો અને તેની નજર સામે ઓટો વાળા ને પૈસા આપતી સંધ્યા પર પડી અને તે દોડીને સંધ્યા પાસે પહોંચી ગયો અને બૂમ મારી ઓ મીસ ‘અનામિકા’ …
પાછળથી અવાજ સાંભળતા રિયા અને સંધ્યા એ જોયું તો સંધ્યા પણ અવાચક રહી ગઈ! એ જ ચહેરો જે તેની નજર મા વસી ગયો હતો!!
સુરજ: હાય મિસ અનામિકા, સોરી પણ તમારું નામ ન જાણતો હોવાથી મેં તમારું નામ અનામિકા રાખી દીધું, હું સુરજસંધ્યા: હાય, સોરી બટ સાથે વાત કરવી મને પસંદ નથી.સુરજ: અરે આપણે તો બીજી વાર મળ્યા તો અજનબી થોડા કહેવાય.
ત્યાં જ તેનો મિત્ર વિજય આવ્યો અને કહેવા લાગ્યો તમારી વાતો માં ડિસ્ટર્બ કરી વચ્ચે વાત કરું છું પણ મારે તમને કંઈક કહેવું છે.
વિજયે સંધ્યાને પહેલી મુલાકાત થી આજ સુધીની બધી વાત અને અહીં આવવાનું પ્રયોજન પણ કહી દીધું અને ચારેય હસી પડ્યા… ચારે જણ પુસ્તક મેળામાં જવાના બદલે બાજુમાં આવેલ કોફીશોપમાં ગયા. સુરજે સંધ્યા સાથે વાત શરૂ કરી પણ સંધ્યા હજુ ચૂપચાપ! સુરજ એ તેની સહેલી રિયા સાથે રીતસરની આજીજી કરી સંધ્યા નો નંબર લીધો અને ઘરનું એડ્રેસ… કોણ જાણે કેમ પણ સંધ્યા આ બાબતે રિયાને ના ન કહી શકી આમ બન્નેની બીજી મુલાકાત પૂર્ણ થવાની હતી ત્યાં સૂરજે કહ્યું તમને વાંધો ન હોય તો હું તમને ઘર સુધી ડ્રોપ કરી દઉં અને ચારે જણા ગાડીમાં સંધ્યાના ઘરે જવા રવાના થયા. આખા રસ્તે સંધ્યા સાવ ચૂપચાપ, સુરજ વારંવાર સાઇડ મિરર માંથી સંધ્યા ના ચહેરા નો રસપાન કરી રહ્યો હતો અને સંધ્યા આ વાત જાણી મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી. જાણે આ મુસ્કુરાહટ સુરજ ને વધુમાં વધુ સંધ્યાની નજીક ખેંચતી હતી.. સંધ્યાના ઘરથી થોડા આગળ બન્નેને ઉતારી સંધ્યાને પહેલું પુસ્તક કે જે સુરજ ગાડીમાં જોડે જ રાખેલું હતું, “સંવેદનાના સુર” સંધ્યાના હાથમાં આપ્યું આ તમારા માટે અને તે ગાડી લઈ રવાના થઈ ગયો…
**********
સાંજે સુરજે ઘરે પહોંચતાની સાથે જ તેની મમ્મીને બધી વાત કહી દીધી, અને કહી દીધું કે મમ્મી તું રોજ લગ્ન કરવાનું કહેતી હતી ને પણ મેં મારી જીવન સંગીની શોધી લીધી હું સંધ્યાને અનહદ પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. જો તું મંજુરી આપે તો સોનામાં સુગંધ ભળે!
સૂરજની મમ્મી તો દીકરાની આ વાત સાંભળી ખૂબ જ ખુશ થયા. આટલા વર્ષોમાં પહેલી વાર સુરજ લગ્ન માટે તૈયાર થયો, જાણે માતો હરખઘેલી બની. સુરજે એ જ રાત્રે સંધ્યા ને ફોન કર્યો ને પહેલાં જ ફોનમાં પોતાના દિલની વાત જણાવી દીધી. સંધ્યા પણ ખૂબ ખુશ હતી પણ તેણે કંઈ જવાબ આપ્યા વિના ફોન મૂકી દીધો. સુરજે ફરી બે ત્રણ વાર ફોન કર્યો પણ સંધ્યાએ ના ઉઠાવ્યો. સુરજે માંડ માંડ રાત પૂરી કરી….
સવારે ઊઠતાની સાથે જ પોતાની માતાને તૈયાર કરી સંધ્યાના ઘરે ઉપડી ગયો. સંધ્યાના માતા-પિતા તો આવી રીતે અચાનક કોઈ યુવકને તેની માતા સાથે આવેલ જોઈ આશ્ચર્યમાં પડી ગયા. પણ આંગણે આવેલા અતિથિને સત્કારવા તે આપણી સંસ્કૃતિ છે. બધા બેઠા અને સુરજના માતાએ સંધ્યા નો હાથ પોતાના દીકરા સુરજ માટે માંગ્યો, સંધ્યાના પિતાએ સંધ્યા સાથે વાત કરી જવાબ આપવા કહ્યું.
સંધ્યા ના પિતા સંધ્યા ને પૂછે તે પહેલા તેનો નાનો ભાઈ કે જેણે સંધ્યા ની ડાયરી વાંચી લીધી હતી તેમાં તેણે સૂરજની પહેલી મુલાકાત ની હરેક સંવેદના ને શબ્દોથી શણગારી હતી તે કહી દીધી અને સંધ્યા શરમાઈને જતી રહી. પિતા દીકરીના દિલની વાત સમજી ગયા અને લગ્ન માટે હા પાડી દીધી પણ સાથે સાથે તેને એકવાર સુરજ વિશે બધી માહિતી મેળવી તેના ઘર પરિવાર જોઈ ખાતરી કરી લીધી.
આ બાજુ સૂરજને બસ સંધ્યાની હા નો ઇંતજાર હતો…. અને ફોનની ઘંટડી રણકી.. ટ્રીન…..ટ્રીન…..ટ્રીન બન્ને પરિવારોમાં ખુશીની હેલી ચઢી અને ઘડિયાં લગ્ન લેવાયાં. સંધ્યા નો પરિવાર ખૂબ જ ખુશ ખુશ હતો કે આટલા સારા પરિવારમાં પોતાની દીકરીના લગ્ન થયા અને સુધાબહેન તો આટલા વર્ષે ઘરમાં વહુ ના પગલા જોઈ હરખ ઘેલા થઇ ગયા હતા….
સંધ્યા એક નવોઢા બની… સ્વપ્નોને આંખોમાં સજાવી… લાગણીઓને દિલમાં દબાવી… હરખાતી… શરમાતી… શૈયાના સેજ પર સૂરજનો ઇંતેજાર કરી રહી હતી… જાણે આટલા સમયની દિલમાં ધરબી રાખેલી સંવેદના ને સુરજમાં કરી દેવા માંગતી હોય!!!
ત્યાં જ સુરજ રૂમમાં આવી સંધ્યા ને કહે છે આજે તો બસ તને જ સાંભળવી છે, તારા રૂપનું તો બહુ રસપાન કર્યું હવે બસ તારા અવાજને તારા સુર નું રસપાન કરવું છે. ત્યાં જ સંધ્યા એ સુરજ માટે લખેલી પોતાની બધી સંવેદનાઓ રૂપી ડાયરી સુરજ ના હાથમાં ધરી દીધી. સુરજ તો વાંચતા જ રહેલો થઈ ગયો તું પણ મને આટલો બધો પ્રેમ કરે છે તે મને આજે ખબર પડી… અને બે હૈયાં નું મિલન થાય છે…
**********
સંધ્યાની આજે નવા ઘરમાં પહેલી સવાર છે, પહેલા જ દિવસે તેણે પોતાના ઘરમાં બધાના મન જીતી લીધા હતા. ઘરમાં રસોઇયાઓ હતા પણ તેને જાતે જ સૂરજ માટે ચા નાસ્તો બનાવી સુરજ ને પ્રેમથી ઉઠાડ્યો. અને સૂરજે સંધ્યાને પોતાની બાહોમાં ખેંચી લીધી, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. સુરજ સંધ્યાને હંમેશા કહેતો હતો કે મૃત્યુ પણ આપણને બંનેને અલગ નહીં કરી શકે અને સંધ્યા સુરજ ના મોં ઉપર પોતાના હોઠ મૂકી દેતી… રોજ સાંજે સુરજ ઓફિસેથી આવી સંધ્યા ની સાથે લોંગ ડ્રાઈવ પર જતો બંને ખુબ મસ્તી કરતા અને રાત્રે આવી સંધ્યા ના ખોળામાં માથું રાખી બંને ની મનપસંદ ગઝલો સાંભળતા. સુરજ ઘણીવાર સંધ્યા ની ઓફીસ જોઇન્ટ કરવા માટે કહેતો પણ સંધ્યા તો જાણે સૂરજ અને તેના મમ્મીને પોતાની બધી ખુશી માની ના કહેતી. સુધાબહેન ની પણ સંધ્યા ખૂબ જ કાળજી લેતી જા ને સાસુ વહુ ને પણ મા-દીકરી જેવું વાત્સલ્ય બંનેને એકબીજા માટે હતું.
**********
બે દિવસ પછી સંધ્યા નો જન્મદિવસ હતો સુરજ જન્મદિવસને સૌથી યાદગાર બનાવવા માંગતો હતો એટલે તેણે એક રિસોર્ટ બુક કરાવી બધી જ તૈયારીઓ કરાવી દીધી હતી અને સંધ્યા અને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. પરંતુ અચાનક એક બિઝનેસ મિટિંગ માટે તેને પુના થી બહાર જવાનું થયું તેને વિચાર્યું કે બે દિવસમાં તો તે કામ પતાવી આવી જશે તેને ઘરે ફોન કરીને પોતાની બેગ રેડી કરવા કહ્યું. લગ્ન પછી પહેલી જ વાર સંધ્યા ને છોડી સૂરજને માટે બહાર જઈ રહ્યો હતો બંનેમાંથી કોઈને મંજૂર નહોતું પણ જવું પડે તેમ હોવાથી તે ગયો અને સંધ્યાએ ભીની આંખે અને ભારે મનથી સુરજ ને વિદાય આપે અને સૂરજ તેની માતાને કહેતો ગયો કે એમ પણ લગ્ન પછી સંધ્યા પિયર નથી ગઈ તો બે દિવસ છે ત્યાં રહી આવે અને ડ્રાઇવર સંધ્યા અને તેના ઘરે મૂકી આવ્યો અને સંધ્યા સુરજ ના ગયા પછી પિયર આવી ગઈ. આજે પહેલી રાત્રે તેને સુરજ વગર ખૂબ સુની સુની લાગી અને સૂરજની યાદ આવતા તે તેને આજે પત્ર લખી રહી છે મોબાઈલના જમાનામાં પણ સંધ્યાને લેખનના શોખ અને પોતાની લાગણીને વ્યક્ત કરવા તે પોતાના પિયુને પત્રમાં પોતાની મનની હર સંવેદનાને અંકારી રહી છે.
સ્પંદને સ્પંદને ધબકે રે તું…મારા અસ્તિત્વનો ઓજસ તું…
અને હૃદયની દરેક સંવેદનાને શબ્દોથી શણગારી… લાગણીમાં ડુબાડી… પોતાના સુરજ ને પ્રીત ના પાલવમાં ભીંજવી દેતો પત્ર લખતાં લખતાં જ સૂઇ જાય છે.
**********
આમ જ બે દિવસ પસાર થાય છે. આજે સંધ્યા નો જન્મદિવસ છે મને પૂરો વિશ્વાસ હતો કે આજે તો સૂરજ ગમે તેમ કરી તેની પાસે આવી જશે. સંધ્યા પોતાના ફોનને વારંવાર ચેક કરી રહી હતી પણ આજે એક પણ મેસેજ કે કોલ નહીં. સુરજ ના ગયા પછી દર કલાકે તેના ફોન અને મેસેજ આવતા પણ આજે શું એક પણ ના મેસેજ કે ન ફોન!!! સંધ્યાનું મન હવે બેચેન થવા લાગ્યું ત્યારે પોતાનો જન્મદિવસ યાદ નથી કે શું? કે કોઈ બિઝનેસ કામ! પણ ફરી દિલના ઊંડાણમાંથી એક જ સૂર નીકળે સુરજ ક્યારેય તેનો જન્મદિવસ ન ભૂલે અને આ તો લગ્ન પછી પ્રથમ જન્મદિવસ! ત્યાં જ જે રિસોર્ટ બુક કરાવેલ તે માલિકનો સંધ્યાના મોબાઈલમાં ફોન આવ્યો, મેડમ સુરજ સર નું ચેક ઈન ગઈકાલ રાતનું હતું પણ હજી નથી આવ્યા એટલે કાલનો ફોન કરું છું પણ લાગતો નથી એટલે તમારો નંબર કંપની માંથી લઈ કોલ કર્યો સંધ્યાએ ફોન મૂકી દીધો.
હવે તેના દિલના ધબકારા વધી ગયા તે જાણતી હતી કે સૂરજ ક્યારે ય જન્મદિવસ ન ભૂલે અને તેને સરપ્રાઇઝ આપવા આટલું બધું કર્યું પણ તે ક્યાં? તેના મનમાં હજાર સવાલો થવા લાગ્યા. સંધ્યાની બેચેની હવે વિહવળતા બની રહી હતી. તેણે તરત જ વિજય ને ફોન કર્યો, સુધાબહેનને ફોન કર્યો પણ ક્યાંયથી કોઈ સમાચાર નહીં. હવે રાહ જોઈ નહોતી શકતી એટલે તરત જ તે સુરજના મેનેજર ને મળવા પહોંચી, ત્યાં જ સંધ્યાના મોબાઈલમાં રીંગ વાગી.
અજાણ્યો નંબર જોતા જ સંધ્યા નું દિલ એક ધબકાર ચૂકી ગયું, તેને તરત જ ફોન રિસીવ કર્યો અને સામે છેડેથી વાત સાંભળતા તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. સંધ્યા દોડતી ભાગતી બહાર આવી અને સુધાબેન ને ફોન કરી કંઈક વાત કરી ગાડી લઈને નીકળી પડી…
સંધ્યાએ પૂનાની એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના પરિસરમાં ગાડી પાર્ક કરી દોડતી… હાફતી… અંદર પહોંચી. અંદર પહોંચી જોયું તો સામે સૂરજનો કલિગ ઉભો હતો જેણે સંધ્યા ને ફોન કર્યો અને સુરજ ને અહીં હોસ્પિટલમાં લાવ્યો હતો. તેને વાત કરી કે જલદી પુના પહોંચવા સુરજે ગાડી ખૂબ ફાસ્ટ ચલાવી અને કાર એકસીડન્ટ થયું. તે ગમે તેમ કરી તમારા જન્મ દિવસ પહેલા તમારી પાસે પહોંચવા માગતા હતા અને અચાનક કાર પલટી ખાઈ ગઈ. સદનસીબે પુના નજીક એકસીડન્ટ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ આવ્યો અને તમને ફોન કર્યો.
ફોન પર ફક્ત એટલું જ કહ્યું હતું કે જલદી હોસ્પિટલ પહોંચો અને આ વાક્ય સાંભળી સંધ્યા માંડ અહીં સુધી પહોંચી શકી.સંધ્યા ડોક્ટરને મળી અને જોયું તો સુરજ ઓપરેશન થિયેટરમાં હતો. એના માતા – પિતા, વિજય બધા જ હોસ્પિટલ આવી ગયા હતા. તેમને ડોક્ટરે જણાવ્યું કે એકસીડન્ટ ના લીધે સૂરજને માથામાં વાગ્યું છે 24 કલાક ખૂબ જ મુશ્કેલ છે. ચોવીસ કલાકમાં હોશમાં આવી જાય તો સારું નહિતર ક્યારે આવશે તે કહી નહીં શકાય! સંધ્યા આ સાંભળી જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. આંખમાં આંસુ સુકાઈ ગયા, તે બેહોશ બની જમીન પર ઢળી પડી. થોડી વાર પછી હોશ માં આવતા આવી કપરી પરિસ્થિતિમાં પણ મનને મક્કમ કરી આંખના આંસુ અને દિલ ના દર્દ ને દબાવી ને ડોક્ટર ને આજીજી કરવા લાગી કે તેને આઈસીયુમાં જવાની પરમીશન આપે, બસ એકવાર તેને સુરજ પાસે જવા દે. ડોક્ટરને પણ દયા આવી અને તેને થોડીવાર માટે આઈ.સી.યુ માં જઈ સુરજ ને મળવાની પરવાનગી આપી.
સંધ્યા અંદર જઈ એકદમ સ્વસ્થતા પ્રાપ્ત કરી સુરજ ના માથા પર હાથ ફેરવી હળવું ચુંબન કર્યું અને પૂરા મનથી સુરજ ને પુકારવા લાગી, કે સૂરજ તારી અનામિકા આવી ગઈ તેની સામે તો જો!! તારી સંવેદના તારી જિંદગી તારી સામે છે એકવાર આંખો ખોલ. તે તો મને વચન આપેલું કે મૃત્યુ પણ આપણને અલગ નહીં કરી શકે અને આજે આમ જ મને એકલી મુકી દઇશ?!
મારા સૂરજ તારા વગર મારી સંવેદના તો સાવ કોરીકટ. જો સાંભળ આજે મેં તને પ્રેમ પત્ર લખ્યો સાંભળીશ ને!!! તારી અનામિકાને સાંભળીને તેની સંવેદના માં ભીંજાઈ ને અને પત્રના હર એક વાક્ય કે જે તેના રોમ રોમમાં હતા તે દરેક સંવેદનાના સુર ને સંધ્યા એ સુરજ ને કહી સંભળાવ્યા અને સંધ્યાના આંસુએ અને તેની સંવેદના ચમત્કાર કર્યો અને સૂરજ આંખો!!! ખોલી ઈશ્વર પણ જાણે આ ઘડી નો સાક્ષી બનવા માંગતો હોય તેમ એ જ સમયે મંદિરની ઝાલર સંભળાઇ અને તરત જ બધા ત્યાં આવી ગયા. ડોક્ટરને પણ આ એક ઈશ્વર અને સાચી સંવેદનાનો ચમત્કાર જ લાગ્યો. સુધાબહેન પણ ખુશીથી રડી પડ્યા.
હોસ્પિટલમાં જ બર્થ ડે કેક મંગાવી સંધ્યા નો જન્મદિન ઉજવાયો… અને આખરે સંધ્યાના સંવેદનાના સુર મોતને પણ માત આપી સૂરજ અને સંધ્યા ના અલૌકિક મિલન ના સાક્ષી બની રહ્યા!!!
**********
આજે સૂરજના એકસીડન્ટ ને એક વર્ષ થઈ ગયું. સુરજ હવે એકદમ સ્વસ્થ બની ગયો છે અને ફરી આજે સંધ્યા નો જન્મદિવસ છે. આગલા વર્ષની અધૂરી ઇચ્છા સુરજ આજે એ જ રીસોર્ટમાં ભવ્ય રીતે સંધ્યા નો જન્મદિન ઉજવી ને પૂરી કરે છે. સંધ્યા અને સુરજ એકબીજાની લાગણી ભીની સંવેદનાથી તરબતર થઇ સંવેદનાના સૂર રેલાવી રહયા છે…
9 replies on “સવેંદના ના સુર”
ખુબ જ સરસ
અભિનંદન આગળ વધો એવી શુભેચ્છા
વાંચવાની મજા આવી ગઈ સંવેદનાના સુર
Thank you so much
Khub j saras
Thank you so much
Superb story
Thank you dear
Superb
Thank you so much
Thank you dear