Categories
Stories

વ્યવહાર લાગણીનો…

ઈન્ટરનેટ…
કળિયુગનું વરદાન…

            એકલતા દૂર કરવાનું અત્યારના યુગ નું સૌથી અસરકારક માધ્યમ…  અત્યાર સુધી કહેવાતું હતું કે દુનિયાના બધા જ સવાલોના જવાબ આ માધ્યમ પર મળી રહે છે પરંતુ હવે તો પોતાની જાતને પુછાયેલ કેટલાય અંગત સવાલોનાં જવાબો પણ મળી રહે છે…
હા, સંભાળવામાં થોડુક વિચિત્ર લાગે પરંતુ આ સ્વીકારવા જેવું સત્ય છે…

                 કહેવાય છે કે, એક અંજાન મુસાફર પોતાનાં મંઝિલનો રસ્તો ગમે તેમ કરીને શોધી જ લે છે પરંતુ આ મુસાફરને કોઈ અજાણ વ્યક્તિનો સાથ મળી જાય તો??? આ સવાલ ના જવાબની ઘણી બધી સંભાવનાઓ શક્ય છે. તો એ જ સંભવનાઓ માની એક ખૂબ જ સરસ રીતે ઘટિત સંભાવના અથવા તો શક્યતા જણાવવા જઈ રહ્યો છું…. મારો પૂરો પ્રયત્ન કરીશ કે આ બે પાત્રોની સાથે આપણે પણ તેમની આ સુખદ પળોને માણતા માણતા એમના આ નાનકડા સફરના ભાગીદાર બનવાનો પ્રયત્ન કરીએ.

                     તો વાત છે સિદ્ધાર્થ અને શિફાની.. બંને એક બીજાથી અજાણ અને અપરિચિત. બંનેની મુલાકાત થાય છે… સોશ્યલ મીડિયા ના એક પ્લેટફોર્મ પર. સિદ્ધાર્થને જોતાં જ શિફા ગમી ગઈ પરંતુ એક પણ વખત રૂબરૂ મુલાકાત નહોતી થઈ તો સરખું એક બીજા વિશે જાણતા પણ નહોતા. આ કારણોના લીધે તેના મનમાં થોડીક ખચકાહટ હતી. પણ ગમ્મે તે થાય એની સાથે વાતો કરી થોડાક ક્ષણની ખુશીની પળો માણવી હતી. તેને જાણવાની તાલાવેલી પણ એટલી જ.

                બધુ જ ભૂલીને છેવટે સિદ્ધાર્થે શિફાને મૈત્રી પ્રસ્તાવ મોકલી એક મેસેજ કર્યો….

“Hii”

મૈત્રી પ્રસ્તાવ તો સ્વીકારી લીધો પરંતુ તેણે કરેલા મેસેજનો કંઈ જ પ્રત્યુત્તર ન મળ્યો. સિદ્ધાર્થે બોવ ધ્યાન નો આપ્યું ને પછી પાછો કોઈ મેસેજ પણ ના કર્યો. દિવસો વિતતા રહ્યા પરંતુ શિફાનો એક પણ મેસેજ નો પ્રતુત્તર ના આપ્યો. સિદ્ધાર્થ પણ થોડોક અકળાયો પરંતુ એ તો એની ગમતી વ્યક્તિ હતી ગમતી વ્યક્તિ પર ગુસ્સો ક્યાં સુધી ટકે.. ભલે સિદ્ધાર્થ એમ જતાવતો કે કશો જ ફર્ક નથી પડતો પરંતુ લોકો કહે ને, ફર્ક નથી પડતો હોવા છત્તાં ઘણો ફર્ક પડે છે.

        સિદ્ધાર્થ જાણે હાર માનવા તૈયાર જ નહીં. એને મેસેજ કરીને એના રૂપ રૂપનાં અંબારની ચર્ચા કરવી જાણે તો એના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હતો જાણે ક્યારેક તો પ્રત્યુત્તર આપવા મજબૂર થશે. એ બધું જ વિચારવાનું ભૂલી ગયો હતો કે, શિફાના મન પર તેની કેવી છાપ પડશે… કદાચ એ સિદ્ધાર્થથી હેરાન થઈને બ્લોક કરીને ટાળી પણ શકતી હતી. પરંતુ, આખરે આ બધાને એક બાજુ મૂકી શીફાનો પ્રત્યુત્તર આવે છે.

“હેલ્લો, થેંક યૂ સો મચ”
“આટલા બધા મેસેજ બાપ રે બાપ, હા હું જાણું કે આ બોવ અહમ્ વાડી વાત કરી રહી છું પરંતુ સાચે.. હું અત્યારે ખરેખર એક ખ્યાતનામ વ્યક્તિ થી ઓછું નથી માની રહી”

તેના પ્રત્યુત્તરની જાણ થતાં જ સિદ્ધાર્થ પોતાનું બધું ય કામ મૂકીને જવાબ આપે છે…
પણ મારી માટે તો તું ખ્યાતનામ વ્યક્તિ થી ઓછી નથી, હું બહું ભાગ્યવાન આજે કે તારો પ્રત્યુત્તર આવ્યો. રાહ જોઈ જોઈને હું તો અડધો થઈ ગયો.

“ચાલો ફરી એક વાર તારા મોઢે નીકળેલ મારા વખાણને હું વધાવી લઉં”

હા, વધાવી લે અને આટલા લાંબા સમયની વિરહની વેદનાનો અંત આવ્યા બાદ આ પળોને મને માણવા દે.

“અરે વાહ, વાતો તો તું ખૂબ સરસ કરી લે છે ને..”

તારી મહેરબાની છે દોસ્ત.

“હજુ થોડીક ક્ષણો જ વાત કરી છે ને તે એક નામ પણ આપી દીધું આપણા સંબંધને.. સરસ..”

આ વાંચીને તો મનમાં ને મનમાં સિદ્ધાર્થના હરખનો પાર ના રહ્યો, નામ શું અંગત વ્યક્તિ બનાવવી છે મારા જીવનની. પરંતુ આ તો બસ મનમાં જ રહેવાનું.

નામ એટલા માટે આપ્યું કે મારા મતે સંબંધોને નામ આપીને પાસે રાખો તો એ વધારે સચવાય છે.

“ને પૂછી શકું એની પાછળનું કારણ શું છે?”

એ આગળ તું સમજી જઈશ મારે આ બાબતે તને કશું જ કહેવું નહીં પડે. એ બધું મુક બાજુમાં. મને જણાવ તારા વિશે કંઇક.

“આટલી બધી તાલાવેલી મને જાણવાની… શાંત થાવ મહાશય. હજુ હમણાં હમણાં તો વાત શરૂ થઈ છે ને એક જ દિવસમાં તું મને કેમનો ઓળખીશ? રાહ જો હજુ તો ઘણી વાતો કરવાની છે.”

સિદ્ધાર્થને પણ અહેસાસ થયો કે એના પ્રત્યુત્તર માં કૈક વઘાર પડતી જ ઘેલછા માં આવી ગયો. તો એણે આજની વાત ત્યાં જ પતાવવાનો નિર્ણય લીધો. ને વાત પતાવી તે પાછો પોતાના કામે વળગી ગયો. કામ કરતાં કરતાં પણ તે શીફાના વિચારોમાં જ રહેતો. ઘરે પહોંચીને પણ સિદ્ધાર્થે માંડ માંડ પોતાની જાતને શીફાને મેસેજ કરતા રોકી.

            સવાર પડતાં જ રોજની આદતની જેમ સિદ્ધાંતે પહેલાં ફોન તપાસ્યો ત્યાં મોડી રાતના લગભગ ૨-૩ વાગ્યાના શિફાનાં મેસેજ આવીને પડ્યા હતા.

“હેલ્લો…”
“જાગે છે દોસ્ત??”

ઉઠતાની સાથે તેના મેસેજ જોઈને જાણે સિદ્ધાર્થનો તો દિવસ બની ગયો. પરંતુ એક વાત એને ખૂંચી કે એ ગત રાત્રિએ શિફા સાથે વાત ન કરી શક્યો. એણે પ્રત્યુત્તર આપતાં માફી માંગી,

સોરી શીફા…
કામ પરથી થાકીને આવ્યો ને સીધો સૂઈ ગયો. ને તારા મેસેજ મે હમણાં જ જોયા.

       ને બસ પછી શીફાનાં મેસેજની રાહ જોવામાં ને જોવામાં સમય પસાર કરતો. કામ પર તો જાણે તેનું ધ્યાન જ નહિ. વારે ઘડીએ ફોન કાઢીને ચેક કર્યા કરતો. ને એ પણ અજાણ કે આ ખામોશી ક્યાં સુધી રહેશે. ભર બપોરે સિદ્ધાંતના ફોન પર નોટીફિકેશન આવી. બધું કામ પડતું મૂકી ફોન જુએ છે ત્યાં જ શિફાનો મેસેજ હોય છે.

“હેલ્લો દોસ્ત.. ગુડ નૂન”
“કશો વાંધો નહીં હું તો આમ જ જાગતી હતી તો વિચાર્યું મેસેજ કરું તો કર્યો”

પ્રત્યુત્તર આપતાં સિદ્ધાર્થ જણાવે છે,
ગુડ નૂન..
હમણાં તમારું સવાર પડે એમ..

“હા, સિદ્ધાર્થ કંઇક એવું જ સમજી લે..”

સિદ્ધાર્થ: સરસ, આપણે તો કામના માર્યા… છેલ્લે ક્યારે પૂરતી નીંદર લીધી હતી એ યાદ પણ નથી. પણ, કામ ગમતું છે તો કોઈ દિવસ આવી ફરિયાદ કરવાનો મોકો નથી આવતો.

શિફા: “વાવ… યાર કહેવું પડે કે આ બાબતે અને તારી વાતોથી તારું વ્યક્તિત્વ ખૂબ જ સરસ હશે.”

સિદ્ધાર્થ: હા, સમજી લે શીખી ગયો કાં તો કોઈકના ગયા પછી સુંદર બનાવી લીધું…

શીફા: “શું વાત છે, ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય આટલું સરસ બનાવે છે.. I like your spirit”

“સાંભળ, મને પણ તારી સાથે વાતો કરવી ખૂબ ગમશે, your such a intresting person”
“પરંતુ આ આપણી વાતોને લાંબી ચલાવવા અને ટકાવવા હું કહું તેવા થોડાક નિયમો સમજી લે કે શરતો સમજી લે તેની તરફ કાયમ રહેવું પડશે.”

સિદ્ધાર્થ: શરતો!?

શીફા: હા, તું મને જ્યારે પણ મેસેજ કરે ત્યારે હું ભલે ઓનલાઇન હોવ અને મોડો જવાબ આપું તો તારે મને કોઈ દિવસ નહીં પૂછવાનું કે શું કરતી હતી કે કેમ મોડો જવાબ… અને હું પણ તને ક્યારેય નહી પૂછું.. ઓકે..

સિદ્ધાર્થ: હા, પણ સાંભળ તો સહી…

શિફા: શ…… કંઈ જ ન બોલીશ. જવાબ ખાલી હા કે ના?

સિદ્ધાર્થ: હા, મંજૂર.

શીફા: કોઈ ભૂતકાળ કે પર્સનલ લાઈફને કોઈ પણ જાતના સવાલ નહીં..

સિદ્ધાર્થ: મંજૂર.

શીફા: વિડાયોકોલ કે ફોન પર વાત કરવાની કદાચ…. કદાચ.. જરૂર પડી તો પહેલા એક મેસેજ કરીને પરવાનગી લેવી પડશે..

સિદ્ધાર્થ: હા.

શિફા: રૂબરૂ મુલાકાત નહીં થાય. અને હા આ બધી જ શરતો મને પણ લાગુ પડે છે.

સિદ્ધાર્થ: હા, આ બધું જ મને મંજૂર છે. પરંતુ એટલું તું ચોક્કસથી કઈ રીતે કહી શકે કે આમ શરતોને આધીન રહેવાથી આપણી આ વાતો ને સંબંધો બહું લાંબા ટકશે?

શિફા: તું એમ સમજી લે કે હું કંઇક ભૂતકાળમાંથી શીખી છું.

સિદ્ધાર્થ: ઓકે… સરસ. તો ચાલ બાય. થોડુક કામ કરી લઉં મોડેથી નિરાંતે વાત કરીએ.

શિફા: sure… Bye.

             આટલી વાતો થાય પછી ને એમાંય ખાસ આ નિયમોવાળી વાતોથી સિદ્ધાર્થ મુંઝવણમાં મૂકાઈ ગયો. કોઈ વ્યક્તિ આટલું બધું કેમનું પ્રેક્ટીકલ વિચારે. ને કોઈકની સાથે બે ઘડી વાતો કરવામાં પણ આટલું બધું વિચારીને ચાલવું?

               હશે, જો એના પ્રમાણે આમ કરવાથી જો સંબંધ ટકતો હોય તો પછી વાંધો શું છે. બસ પછી તો ઘરે જઈને શિફા સાથે વાતો કરવાની રાહ.આ તો જાણે સિદ્ધાર્થ ના જીવનના રોજિંદા કાર્યોનો એક અમૂલ્ય ભાગ બની ગયો. પરંતુ સાંજે વાત થાય બાદ પણ મોડી રાતના શિફાના એક બે મેસેજ આવીને પડ્યા જ હોય. પરંતુ એક દિવસે સિદ્ધાર્થે પૂછી લીધું…

યાર તું રાત્રે સૂતી નથી કે શું? રોજ અડધી રાત્રે તારા મેસેજ આવીને પડ્યા હોય. થોડીક સૂઈ જતી હોય તો.  શરીરને પણ આરામ મળે.

શિફા: મને રાત્રે ઊંઘ નથી આવતી.. અને એક હેલ્થ ઇસ્યૂ છે.

સિદ્ધાર્થ: આવો કેવો રાત્રે ઉંઘ ન આવે…?

શિફા: હા, I’m patient of Insomania …  એના મરીઝને રાત્રે ઉંઘ નથી આવતી. ઉંઘ પૂરી નથી થતી. આનું પાક્કું કારણ તો નથી ખબર પણ, એક વખત અમારી કારનો એક્સીડન્ટ થયો હતો. જેમાં મારા મમ્માની ડેથ થઈ ગઈ, અને એના પછીથી મને આ બીમારી લાગી છે.

સિદ્ધાર્થ: આનો કોઈ ઈલાજ નથી?

શિફા: ના, આ અમુક સમય સુધી રહે ને અમુક સમય આની અસર ન હોય. સો that’s okay… Chalvu lau chhu..

સિદ્ધાર્થ: ધ્યાન રાખજે. ઓકે એટલે તું રાત્રે મેસેજ કરે છે મને.

શિફા: હા, પાગલ અને તને એમ કે હું રાતો ની રાતો જાણી જોઈને જાગુ છું. સિદ્ધાર્થ આજે રાત્રે થોડુક જાગી લે જે ને મારી માટે, માટે એક વાત કહેવી છે તને.
જાગીશ??
……………………..
સિદ્ધાર્થ: હા બકા, કેમ નહીં… કરીએ રાત્રે વાત.

ઘરે જઈને સિદ્ધાર્થનું મન શાંત થાય જ નહીં… એવી તો શું વાત હશે? જેની માટે તેણે પૂરતા સમયની માંગ કરી. અને થાય પણ કેમ નહીં. જે વ્યક્તિને તે પોતાનું દિલ આપી બેઠો. એ વ્યક્તિ તેની સાથે મન ભરીને વાત કરવા માંગતી હતી. ને રાત્રે શિફા નો મેસેજ આવે છે.

હેલ્લો સિદ્ધાર્થ જાગે છે?

સિદ્ધાર્થ: હા બોલ ને… તું કહે ને હું ન જાગું. બોલ શું વાત કરવી હતી..

શિફા: I Know. આપણે જ્યારે વાતોની શરૂઆત કરી હતી ત્યારે થોડાક નિયમો અને શરતોનો આધીન કરી હતી. પણ ખબર નહીં આ બધું હું જ્યારે તારી સાથે વાત કરતી ત્યારે મને ખુલાસીને વાત નહોતું કરવા દેતું. તો આજે એ બધું મૂકીને મારે તારી સાથે વાત કરવી છે.

સિદ્ધાર્થ: હા બોલ, રાહ જ જોવું છું.

શીફા: તારી પહેલા પણ મારી લાઇફમાં એક છોકરો હતો જેની સાથે મને વાત કરવું ગમતું ને ખૂલાસીને વાતો કરતી. ગમ્મે તેવા issues કેમ ના હોય હું તેની સાથે વાત કરું ને તો મારું મન હળવું થઈ જતું મનને શાંતિ વળતી. હું તેને મારી સ્કૂલના લાસ્ટ યર થી જાણતી. તેની સાથે વાતો કરતાં રાતોની રાતો ને અમારો સમય ક્યાં વીતી જતો તેનો ખ્યાલ જ ન રહેતો. વાતો વધતી ગઈ ને મુલાકાતો પણ ને આખરે અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યા. ને હું ખૂબ ખુશ હતી મારા મમ્મીના ચાલ્યા ગયા બાદ હું આ વ્યક્તિના કારણે ખૂળાસીને હસતાં શીખી. પપ્પા બાદ અને પપ્પાના કામની વ્યસ્તતા માં મને ખૂબ સાચવતો.

      પરંતુ આ બહુ ના ચાલ્યું. હું અમુક સમયે ઊંઘ પૂરી ન થવાથી ચિડાઈ જાવ ને તેની સાથે સરખી વાતો ના કરું. તો પહેલા તો એ સમજતો ને બધું સાચવી લેતો પરંતુ તેની ફરિયાદો વધી ગઈ એવું પણ નહીં. મને મારી ભૂલનો એહસાસ થાય પછી હું માફી પણ માંગી લેતી ને હું જાણી જોઈને તેની સાથે આ રીતે વાત કરવા નહોતી માંગતી. એ સમયગાળા દરમ્યાન મને પોતાને ખ્યાલ નહીં કે હું શું કરી રહી છું. ને એનાથી આ બધું સહન ન થયું ને આ ત્રાસ લાગવા લાગ્યો તો છેવટે એણે મારી સાથે બ્રેક અપ કરી લીધું. મેં ઘણા પ્રયત્નો કર્યા તેને મનાવવાના પરંતુ તે એક નો બે ન થયો ને પાછું ફરીને જોયું જ નહીં.

સિદ્ધાર્થ: what…? તમારા અલગ થવાનું કારણ બસ તારું ચીડિયાપણું…

શિફા: હા, એના કહેવા અને પરિસ્થિતિઓ પ્રમાણે તો એ જ.

સિદ્ધાર્થ: અરે યાર એ તો નજીવી બાબત છે એવા નાના કારણને લીધે કાઈ સંબંધ થોડી તોડાય.

શિફા: સિદ્ધાર્થ, મે એને બોવ જ સમજાવ્યું ને કેટલીય વખત માફી માંગી પરંતુ તે તો જાણે હઠ કરી બેઠો તેના એક જ જવાબ પર…”હવે શક્ય નથી”. એવું નથી કે એણે મારી સાથે વાતો બંધ કરો દીધી. હજુ ય મને ઘણી વખત મળે ને અમુક સમયે વાત પણ થઈ જાય. પરંતુ હું મારી જાતને રોકી નથી શકતી. મને એ પહેલાં જેવો પાછો જોઈએ. હું એને બ્લોક પણ નથી રાખી શકતી પાછું અનબ્લોક કરી વાત કરી લવ છું.

સિધ્ધાર્થ: ઓકે. તો શિફા તું શીખી લે એના વગર જીવવાનું. I know.. કે બધાં એક જ વાત જણાવશે કે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખી લે પણ હું  જાણું છે તે બહું અઘરું છે એમ ભૂતકાળને ભૂલવું. પરંતુ તને ખબર છે તું આમાં ક્યાં પાછી પડે છે કે તારી એકલતા તારી હિંમત ભાંગી નાખે છે.

શિફા:- Yes, your absolutely Right સિદ્ધાર્થ. હું જ્યાં સુધી તારી સાથે વાત કરું ત્યાં સુધી મને કશી વાતનો ડર કે તેની સાથે વાતો કરવાનો વિચાર નથી આવતો. પરંતુ એના પછીનો સમય કાઢવો ઘણો અઘરો બની જાય છે.

સિદ્ધાર્થ: જો શિફા હું તને પ્રોમિસ તો નહીં આપી શકું કે ખોટી આશા પણ નહીં જીવાડું, મારો પૂરતો સમય તને આપીશ પરંતુ ઘણી વાર એવુંય બને કે સંજોગવશ તને મારી જરૂર હોય ને હું હાજર હોવ પણ નહીં. તું મારી સાથે જ વાત કર. તારું બધું ધ્યાન અહીંયા રહેશે તો તને બીજા કોઈ વિચાર નહીં આવે.

શિફા: હા, હું જાણું છું કે તારે કામનો લોડ બહું હોય છે. એટલે જ હું તને આખાય દિવસમાં બહું હેરાન નથી કરતી અને રાત્રે તું આવીને સૂઈ જાય.

સિદ્ધાર્થ: હું રાતનું નહિ કહું, પરંતુ દિવસે તું જ્યારે પણ એના ખ્યાલોમાં ખોવાઈ ત્યારે તું મને બેઝિઝક મેસેજ કરી દેજે… બને એટલું વહેલા હું જવાબ આપીશ.

શિફા: done. Thank you so much.
         મારી માટે આટલો કિંમતી સમય કાઢ્યો ને ખાસ જાગ્યો.

સિદ્ધાર્થ: લો પત્યું, આમ thank yoU કહીને લાગણીઓનું અપમાન કરી નાખ્યું. તું એને પહેલા બ્લોક કર કા તો નંબર કાઢી નાખ ફોનમાંથી.

શિફા: હા કરું હમણાં જ .

સિદ્ધાર્થ અને શીફાની થોડીક વાતો થઈને સિદ્ધાર્થ વાત પતાવે છે.

       આમ શાંતિથી ૨-૪ દિવસ વાતો ચાલે છે ને અચાનક એક વખત શિફા સિદ્ધાર્થને બ્લોક કરી દે છે. પહેલા તો સિદ્ધાર્થને કશી જ ખબર નથી પડતી. પરંતુ પછીથી થાય છે કે હશે, એને વિચારવાનો થોડોક ટાઈમ જોઈતો હશે. તો એને હેરાન નથી કરવી.

એ જ દિવસે શિફાનો મોડી રાત્રે ફોન આવે છે,
“Sorry સિદ્ધાર્થ. મને કશું જ ખબર નહોતી હું શું કરું મારાથી નહોતું રહેવાતું એની સાથે વાત કર્યા વગર.”

સિદ્ધાર્થ: it’s okay. પરંતુ આમ બ્લોક કરવાથી શેનો ઉકેલ આવશે. તારે શીખવું પડશે ને એના વગર.

શિફા: હા બટ, નથી ચાલતું એના વગર મને શું કરું સિદ્ધાર્થ…

સિદ્ધાર્થ: શાંત થા શિફા આમ રડવાથી કશું નથી મળવાનું. ચૂપ થા પહેલા. મારી સાથે વાત કર.

ગમે તેમ કરીને તે રાત્રે સિદ્ધાર્થ શિફાને સમજાવીને શાંત કરાવે છે. આ કિસ્સા બાદ બંનેની ફોન પર વાત અને રૂબરૂ મુલાકાત પણ વધી.

આમ બ્લોક-અનબ્લોક કરવાનું શીફાએ ચાલુ રાખ્યું. ને સિદ્ધાર્થે બને એટલા પ્રયત્નોથી તેને સમજાવવાનું.
તેને આ પાછળનું કારણ પૂછતાં એક જ જવાબ.
“મને આ સંબંધમાં બંધાતા ડર પણ લાગે છે ને એની સાથે વાત બંધ થતી પણ નથી. એ મારાથી છૂટતો જ નથી.”

સિદ્ધાર્થ થોડોક અકળાઈને તેને રૂબરૂ મળવા બોલાવે છે. દર વખતની જેમ તેને સમજાવે છે.

” જો શિફા, હું આમ ને આમ ક્યાં સુધી તને સમજાવીશ ને તું હકીકતથી દૂર ક્યાં સુધી ભગીશ?”

“એક બાજુ તું એવું કહે છે કે મને હવે આ love & relationship થી ડર લાગે છે ને બીજી બાજુ તારાથી એ છૂટતો નથી. તું શા માટે આ બધી બાબતોમાં ઘુંચવાય છે. તારું મન સ્થાયી રાખ ને આ બધી બાબતો ને મૂકી દે. પોતાના સવાલોમાં ખોવાયેલી ના રહીશ. બહાર નીકળ લોકોને મળ. ગમતા કામ કર કોઈ પણ કાર્યમાં રચ્યું પચ્યું રહેવાનું તો તું ઓછી હેરાન થઈશ.”

શિફા: હા, સમજી ગઈ હું સિદ્ધાર્થ. પ્રોમિસ હવે હું આ બધી બાબતોને ફોલો કરીશ ને ફરી ફરિયાદનો એક પણ મોકો નહીં આપું.
             સાલું ઝીંદગી પણ અઘરા ખેલ ખેલ છે… આપણે બંને એક બીજાને સરખું જાણતા પણ નહીં ને સમય જતાં એક બીજાના આટલા ખાસ થઈ જઈશું સપને ય નહોતું વિચાર્યું. I’m so lucky… કે મારી લાઇફમાં તું આવ્યો.

સિદ્ધાર્થ: હા એટલે જ બ્લોક કરીને ટાળે છે…

શિફા: હે ચૂપ, ટોન્ટ ન માર આમ.

ને બંને હળવાશથી વાતો કરે છે ને ત્યાંથી છૂટા પડે છે.

    ઘરે જઈને એક વાત બહું જ હેરાન કરે છે સિદ્ધાર્થને, જ્યારે તેમના ફોટોઝ લેવા વોટ્સએપ ખોલ્યું ત્યારે તેમાં શિફાના પપ્પા અને સિદ્ધાર્થ સિવાય કોઈના કોન્ટેક્ટ નહીં. એટલું જ નહીં તેના કોન્ટેક્ટ લિસ્ટમાં પણ તેની ૨-૩ ફ્રેન્ડ્સ જેને સિદ્ધાર્થ ઓળખતો… બસ તેટલા જ નંબર. તેમાં તેના ભૂતકાળ જે વ્યક્તિ વિશે એ કેટલીય વાતો કરતી તેનું નામ એ નિશાન નહીં. તે વખતે કંઈ જ પ્રતિક્રિયા ના આપી સિદ્ધાર્થે. પછી ઘરે આવીને આ વિચારોમાંથી મન ખસે જ નહીં. એક સમયે એવું પણ બને કે તેણે નંબર ડિલીટ મારી દીધી હોય. પરંતુ દર વખતે શિફા તેના વિશે વાત કરતી તે પ્રમાણે લાગતું નહીં કે તેનું મન માને આ પગલું ભરવામાં. આ બધામાં તેણે સીધો મેસેજ કર્યો શિફાને…

“હાય, સાંભળને એક વાત મગજમાં ફરે છે… આટલા સમય થી તું જે વ્યક્તિની વાત કરે છે તેનો એક ફોટો પણ તે મને નથી બતાવ્યો… તાલાવેલી હવે તેની ચરમ સીમાએ છે મારી હું પણ તો જોઉં કે એ વ્યક્તિ કોણ છે જેની પાછળ તું આટલી પાગલ છે.”

શિફા: તું પાછો આ વાતને લઈને બેસી ગયો.. નથી ફોટા મારી પાસે ને તું જ ભૂલવાનું કહે ને તું જ પાછું યાદ કરાવે.
       
સિદ્ધાર્થ: ના એવું બને જ નહીં ને… જે વ્યક્તિનો તું નંબર ડિલીટ ના મારી શકતી હોય એના તું ફોટા ડિલીટ મારે. તું મને બતાવ યાર મારે જોવો છે…

શિફા: તું કેમ ખોટી ઝિદ કરે છે… સમજને નથી મારી પાસે એક પણ ફોટો.

સિદ્ધાર્થ: તો નંબર આપ આમ પણ તે મારી વાત એને કરી તો હશે જ તો મારે વાત કરવી છે..

શિફા: અરે, તને અચાનક થયું છે શું?? તું કેમ આટલી ઝીદ કરી રહ્યો છે? નથી કશું મારી પાસે યાર તું સૂઈ જા.

સિદ્ધાર્થ: ના આજે ગમ્મે તે થાય તું દર વખતે કઈક નું કઈક કારણ લાવી દે પરંતુ આ વખતે તો હું વાત કરીને રહીશ. તું નંબર દે નહી તો હું હવે થી તારી સાથે વાત નહીં કરું.

શિફા: અરે એ ય આ બધું શું બોલી રહ્યો છે ને શું કરે છે તું આ બધું?

સિદ્ધાર્થ: હું જે કરું છું એ બરાબર જ કરું છું. તું મને ફોટો કે નંબર આપે છે કે હું તને બાય કહું. તું જીદ સમજે કે ગાંડપણ… પણ આજે ગમ્મે તે કર.

શિફા: ઓકે…
તો તારે એને જોવો જ છે ને જેને હું પ્રેમ કરી બેઠી હતી… જેનું વ્યક્તિત્વ મને અતિશય ગમતું હતું…. જેની સાથેની એક એક ક્ષણ હું નિખાલસ બની જીવતી… જેની સાથે રહેવું હતું તેને મારે કહેવું હતુ નહી રહેવાય તારા વગર જીવન નથી જીવાતું મને તારા સહારાની જરૂર છે આખી જિંદગી તારો હાથ પકડીને ચાલવું છે… તારા ખભે માથું મૂકીને રડવું છે… તારા ખોળે માથું મૂકીને સૂવું છે…  પરંતુ આ એક બીમારીના કારણે તેના છોડીને ચાલ્યા જવાના ડરથી હું ક્યારેય હિંમત ન કરી શકી.
તો આ લે સિદ્ધાર્થ જોઇલે ફોટો…

સિદ્ધાર્થ ફોટો જુએ છે.. અને એ ફોટો તેનો પોતાનો જ નીકળે છે.
     
                                    લિ. નિસર્ગ ઠાકર”નિમિત્ત”
       

error: Content is protected !!