Categories
Short Story

જિંદગીના મિલેગી દોબારા… !

હાસ …….! આજે જિંદગીના બધા જ કાર્ય હેમખેમ પુરા થઈ ગયા. હવે શાંતિથી જિંદગી જીવીશ ભગવાનનું નામ લઈશ. મનમાંને મનમાં મેહુલભાઈ વિચાર કરતા હરખાઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક ભયકંર વાવાઝોડું આવ્યું… તે દોડીને સીડી પર ચડીને ઉપરનો દરવાજો બંધ કરવા જઈ રહ્યા હતા ત્યાં જ ઉતાવળમાં તેમનો પગ લપસી જતા એક એક પગથિયાં પર ગબડતા ગબડતા નીચે આવી પડ્યા. જે ઘર બનાવવા આખી જિંદગી ખર્ચી નાખી તે જ તેમના દુઃખનું કારણ બન્યું…. કોઈ જ હોંશ રહ્યો નહીં. કાયમ માટે આ શરીરની બહાર આવી ગયા. બહાર આવી જોયુ તો તેમના શરીરે તેમનો સાથ છોડી દીધો હતો. આખી જિંદગી જેને શણગાર કરવામાં મથ્યા તે જ ના રહ્યું. બાજુમાં જોયુ તો કોઈ ભયંકર માનવી ઉભો હતો જે તેને લઇ જવા આવ્યો હતો.

” ચલો તમારો સમય પૂરો ….. “
” શું ચલો ….? હજુ મારે બહુ બધા કામ કરવાના બાકી છે ..”

” બધું તો કર્યું, હવે શું બાકી છે ? “
” બાકી છે હજુ “

” તો અત્યાર સુધી શું કર્યું ? “
” અરે બહુ બધું કર્યું. આ ઘર જુઓ, આ ગાડી “સામે દીવાલ પર લટકતી તસ્વીર જોઈ ….જૂની યાદો યાદ કરતા બોલ્યા ” આ દિકરી અને દિકરો મારું ગર્વ છે તેમને ખુબ ભણાવ્યા. બન્નેને સારી નોકરી પર લગાવ્યા, ધામ ધૂમથી લગ્ન કરાવ્યા. તેમના ઘેર પણ દીકરા છે. બધું જ હેમખેમ થઈ ગયું.”

” તો હજુ શું બાકી રહી ગયું?”
” જિંદગી જીવવાની……. ! મેં વિચાર્યું કે બધી જવાબદારી પુરી હવે શાંતિથી જિંદગી જીવીશ પણ ત્યાં તો તમે ….”

” અમે અમારાં સમયે જ આવીયે. તેનું કોઈ મુરત ના હોય, બધા માટે આટલુ કર્યું તો તારા માટે પણ કંઈક કરી લેવું હતું ને ? “
” બધા માટે કર્યું એ મારાં માટે જ હતું …”

” તો શું પ્રશ્ન છે ? “
” જિંદગી જીવવાની બાકી રહી ગઈ. માનવ ધર્મ રહી ગયો, પૈસા પાછળ ભાગતો કોઈને મદદ ના કરી શક્યો, ભગવાનનું નામ પણ લેવાનું છે હજુ ……. વિચાર્યું હવે શાંતિથી ભગવાનનું નામ લઈશ.”

” હવે તો કઈ ના થાય, ચલો ……. તમારો સમય પૂરો.” બોલતા યમદૂતે તેનો હાથ પકડ્યો.
” હજુ જીવવાનું છે મારે હું નહિં આવું, છોડી દો મને ” બોલતા તેમનો હાથ છોડાવવા તેમની બધી જ તાકાત લગાવી રહ્યા પણ કંઈ જ કરી ના શક્યા, સામે યમદૂત પણ ભયંકર ગુસ્સો કરતા તેમને ખેંચી જવા લાગ્યો.

હવે કોઈ રસ્તો ના દેખાતા મેહુલ ભાઈ બૂમો પાડવા લાગ્યા. બચાવો ……! બચાવો ……! “

તેમના શરીર પાસે તેમના બધા લોકો હતા પણ અત્યારે તેમને કોઈ જ સાંભળી રહ્યું નહતું. તેમની વેદનાનો પાર ના રહ્યો …… !

યમદૂત ભયંકર હાસ્ય સાથે બોલ્યો ” શરીરના સાથી શરીર સુધી જ સાથ નિભાવે, કોઈ નહીં આવે તારી મદદ કરવા. તારું કરેલું તું ભોગવ …! “

આ સાંભળતા તો ડરેલા મેહુલ ભાઈ વધારે ડરી ગયા …… મોં પર ગભરાટના કારણે પરસેવો વળી ગયો. આખી જિંદગી વટથી જીવ્યા પણ અત્યારે રડી પડ્યા, પેલાના પગ પકડી થોડો સમય આપવા વિનંતી કરવા લાગ્યા, પણ કાંઈ જ વળ્યું નહીં ….. ખુબ ડરી ગયા ……. અને ઝબકીને ઉઠી ગયા તો જોયુ કેટલું ભયાનક સ્વપ્ન ….? ચાલુ એસીમાં પણ પરસેવે નાહી રહ્યા. આ પરસેવા સાથે આત્મા પણ વાસ્તવિકતાથી તરબતોળ થઈ ગયો. સવાર પાડવાની રાહ જોઈ રહ્યા. ઉઠીને તૈયાર થઈ તરત જ બોલ્યા ” હું મંદિર જાઉં છું …”

ઘરના સૌ તેમની સામે જોઈ રહ્યા. તેમના પત્ની બોલ્યા ” તબિયત તો ઠીક છે ને …? “
” હા …. ચાલ તારે પણ આવવું હોય તો ….?”

” ના. ઘેર કેટલું કામ પડ્યું છે. તમારે પણ દુકાને જવાનું મોડું થશે ….? સાંજે મંદિર જજો. મંદિર ક્યાં ભાગી જવાનું છે? “
” ના મારે તો અત્યારે જ જવુ છે. મંદિર તો ખબર નહીં પણ આપણી જિંદગી ભાગી રહી છે. “

” શું બોલો છો મને કઈ જ ખબર નથી પડતી.”
” કઈ નહીં, એટલું સમજી લે… જીવી લે … ! જિંદગીના મિલેગી દોબારા …. ! કઈ જ સાથે નથી આવવાનું ” બોલતા મેહુલ મંદિર જવા નીકળી ગયો.

ઘરમાં કોઈને કઈ જ ખબર ના પડી અને બધા તેમને જોતા જ રહી ગયા. પણ મેહુલભાઈ જિંદગીની વાસ્તવિકતાને સમજી ગયા.

        જીવી લો જિંદગી ……!
        જિંદગીના મિલેગી દોબારા …. !

Roshani Patel "સંસ્કૃતિ"

By Roshani Patel "સંસ્કૃતિ"

મારી કલમ જ મારી પહેચાન છે.
મારાં શબ્દો જ મારું જીવન છે.
હું રહી ગરવી ગુજરાતણ......
મારી "સંસ્કૃતિ" જ મારી ઓળખાણ છે.

8 replies on “જિંદગીના મિલેગી દોબારા… !”

કરેક્ટ… બીજા પાછળ જીવવામાં પોતાની જિંદગી ભુલાઈ જ જાય છે..

એકદમ સત્ય…જીવી અને માણી લો જિંદગી…જિંદગી ના મિલેંગી દોબારા…

Comments are closed.

error: Content is protected !!