” બોલ બેટા શું થયું? ” પપ્પાએ શાંતિથી મને પુછ્યું.
” પપ્પા ભાભીનો કોઈ જ વાંક નથી. મારો જ વાંક છે. મેં જ આશ્રવીને ભાઈથી છુપાવવાનું કહ્યું હતું. ” રોતા રોતા અનેરી બોલી.
” પણ થયું શું એ મને કોઈ કેસે? “
” પપ્પા આ અનેરી ભણવાનું બહાનું કરી કોઈ છોકરા સાથે ફરે છે. આજે મેં એને રંગે હાથે પકડી. “ગુસ્સે ધુઆપૂઆ થઈ કેયુર બોલ્યો.
” સાચી વાત છે અનુ? “
અનેરી તો બોલ્યા વગર જ ઉભી રહી. એટલે પપ્પા બોલ્યા ” તું બોલ આશ્રવી સાચું શું છે? ” હવે પપ્પા થોડા ગરમ થતા હોય એવું લાગ્યું.
” હા પપ્પા….. “
” એટલે કેયુર સાચું બોલે છે. કોણ છે એ છોકરો અને શુ કરે છે? “
” પપ્પા અમે ગાંધીનગર કોલેજથી જ સાથે ભણીએ છીએ. અત્યારે આઈ.સી.ડબ્લ્યૂ.એ. કરે છે. બહુ સારો છોકરો છે.”
” તું કઈ રીતે કહી શકે? સારો છોકરો છે. તારો કોઈ સગો થાય છે? “
” ના, પણ 4 વર્ષથી એને ઓળખું એટલે કહ્યું. એના ભાઈને સરકારી નોકરી છે ગાંધીનગરમાં એમની સાથે રહેતો હતો. એના મમ્મી પપ્પા સુરેન્દ્રનગર રહે છે.”
” બધો બાયોડેટા છે મેડમ પાસે…. બહુ જૂની પહેચાન લાગે છે?…. ” ગુસ્સેથી કેયુર બોલ્યો..
” ભાઈ ભાભીનો કોઈ જ વાંક નથી એમને તો મને રોકી હતી… પણ સાચે એના વગર હું નથી રહી શકતી. પપ્પા મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. પણ…. “
” શુ પણ…. હું કંઈ ના જાણું આજથી તમારું ભણવાનું બંધ…. ઘેર જ રહેવાનું અને ઘર કામ શીખો…. બહુ છૂટ આપી એનું આ પરિણામ છે. “
” જો કેયુર પેલા શાંતિથી વિચારીએ પછી કોઈ નિર્ણય લઈએ. ઉતાવળે બધું બગડે. તું ના બોલીશ હું જોઈ લઈશ. ” પપ્પા વિચાર કરી બોલ્યા.
” છોકરો આપણા સમાજનો છે? “
” ના, પણ પટેલ જ છે.”
” જો બેટા તને ખોટું લાગશે પણ જો સમાજનો હોત તો હું વિચારત પણ સમાજ બહાર તો હું તારા લગ્ન નહીં કરાવું. હવેથી એને મળવાનું બંધ…અને કોલેજ પણ… એક્ષામ આપી ઘેર બેઠા ભણો….બરાબર… આ વાત સમાજમાં ફેલાય તો આપણી ઈજ્જત ના રહે…. “
” પણ, આપણી અનુને ગમે છે તો એકવાર છોકરાને જોઈ લેવામાં શુ વાંધો છે? ” ચંપાબેન બોલ્યા… એમ પણ હંમેશા દીકરી માંની સૌથી નજીક હોય છે. પણ અહીં તો પપ્પાનું અને કેયુર નું જ ચાલે.
” જુઓ આ વાત અહીં પુરી થઈ…. હવે કોઈ જ ચર્ચા ના જોઈએ મારે. ” કહી પપ્પા તો જતા રહ્યા. કેયુર પણ બોલ્યા વગર જ એની જોબ પર જતો રહ્યા.
ઘરમાં હવે અમે ત્રણ હતા. શુ કરવું કંઈ સુજતુ નહોતું. પણ કંઈક તો કરવું જ પડશે બોલી, મમ્મીએ અનેરીને સમજાવવા બહુ કોશિશ કરી પણ અનેરી તો કંઈ સમજવા જ માંગતી નહોતી. અને ગુસ્સેથી રોતા રોતા એના રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો. હવે પરિસ્થિતિ હાથની બહાર જઈ રહી હતી. મમ્મીએ મને કહ્યું તું જ સમજાવ… પણ હું શુ કરું મને તો કંઈ જ સમજાય નહીં. એક બાજુ મારી બેસ્ટ ફ્રેન્ડ અને બીજી બાજુ મારું કુટુંબ..
‘મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. ‘
હું અનુને મનાવવા એના રૂમમાં ગઈ… એને જોઈ મને બહુ તકલીફ થઈ, હંમેશા જેને હસ્તી રાખવા મથતા એ પરિવારના લોકોએ સમાજના નામે આજે બહુ ખોટું કર્યું. કોઈ કંઈ સંભાળવા જ નહોતું માગતું. હું તો કોને સમજાવું કેયુરને કે પછી અનેરીને?
” જો અનુ ચિંતા ના કર હું અને મમ્મી મનાવી લઈશું કેયુર અને પપ્પાને…… થોડો સમય જવાદે, એમને અચાનક જ ખબર પડી છે એટલે વીજળી પડી હોય એવો ઝાટકો લાગ્યો છે. અને આમ જોવા જઈએ તો એમની વાત પણ ખોટી નથી જ. બધા પોતાની જગ્યાએ સાચા જ છો. “
” પણ મારી સાથે જ કેમ આવું?… કોઈ સમજવા જ તૈયાર નથી. “
” સમજશે, તને બહુ પ્રેમ કરે છે એટલે અજાણ્યામાં કેવી રીતે તારા લગ્ન કરાવે…. એ તારું ભલું જ વીચારે છે. પણ તું હિમ્મત રાખ બધું સારું થઈ જશે. “
” પણ પપ્પા નહીં માને તો…..?? હું સ્વરૂપ સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરું. “
” હા ના કરતી બસ.. રોવાનું બંધ કર હું છું તારી સાથે… ચિંતા ના કર “
અચાનક જ મમ્મી બહારથી આવ્યા અને કહ્યું “આશ્રવી અનેરીને તૈયાર કરીદે.. તારા પપ્પાનો ફોન આવ્યો છે અનેરી માટે જે છોકરા સાથે વાત કરેલી એ લોકો જોવા માટે અહીં આવે છે. અને અનેરી, તું બેટા અત્યારે એ લોકો સામે કોઈ જ વાત ખોલતી નહીં, પછી વિચારશું.. નહિતર તારા પપ્પા ગુસ્સે તો છે જ અને વધારે બગડશે. સાચવી લેજે બેટા આપણા ઘરની ઈજ્જત તારા હાથમાં છે. “
અચાનક…. આ સાંભળી અમારી ઉપર તો જયારે આભ જ તૂટી પડ્યું. પણ કંઈ થઈ શકે એવું હતું નહીં. જબરદસ્તી અનેરીને એ છોકરા સાથે મુલાકાત કરવી પડી. અને પપ્પાએ તો ત્યાં જ છોકરાનો જવાબ જાણી, ગોળ ધાણા ખાઈ સબંધ પાક્કો કરી દીધો. અમને તો બોલવાનો મોકો પણ ના મળ્યો.
આ સાંભળી અનેરી તો હવે કોઈ જ રસ્તો નથી વિચારી હથિયાર હેઠા મૂકી હારી જ ગઈ. કેયુરે તો મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધેલું. હવે હું કેયુરને કેવી રીતે સમજાવું. પણ તોય હિમ્મત કરી.
” કેયુર મારે કામ છે તમારું “
” અનુ સિવાયની વાત હોય તો બોલ, “
” પણ તમે એકવાર છોકરાને મળી લો, સારો માણસ છે. “
” એ વાતની ચર્ચા ના જોઈએ મારે “
” સારું. મારાં એક પ્રશ્નનો જવાબ આપો પછી કંઈ નહીં બોલું.. . આપણી સગાઇમાં આ પ્રશ્ન બન્યો હોત તો? “
” તો શું?…. હું કંઈ મુરખો નથી. મારા પપ્પાની ઈજ્જત પહેલા અને હા તને કહી દઉં મને ખબર જ હતી આપણા લગ્ન થશે એટલે જ… બાકી ગમે ત્યાં ટાઈમ પાસ ના કરું? “
” આપણા લગ્ન પણ અનુની મદદથી જ થયેલા. તમે તો સમજો યાર… “
” વાત પુરી….? તો હું જાઉં… ” કહી કેયુર જવાબ આપ્યા વગર જતા રહ્યા.
અનેરી તો રૂમમાંથી ના બહાર નીકળે કે ના કોઈ સાથે વાત કરે. મારી સાથે પણ નહીં, ફોન પણ સ્વિચ ઓફ કરી દીધેલો….. ખાવુ નહીં, પીવું નહીં બસ રોયા જ કરવાનું… એક બાજુ કુટુંબ જે તેને સૌથી વધુ પ્રેમ કરે છે… બીજું બાજુ તેનો પ્રેમ…
ક્રમશ :