” બોલ ને યાર મારે સંભાળવું છે. મને નહોતી ખબર ચસમિસ છોકરા પણ પટાવી શકે છે? ” મજાક કરતા ધ્યાન બોલ્યો.
” તારે આ જ કરવાનું હોય તો મારે નથી બેસવું તારી સાથે “.
” અરે આજે તો તારી પ્રેમ…. કહાની…… સાંભળ્યા વગર નથી જવાનો મેડમ. “
” તું બંધ થાય તો બોલુંને? “
” હા, હા, ચલ તું બોલ હું બંધ.. “મોં પર આંગળી મૂકી નાટક કરતા ધ્યાન બોલ્યો.
” પણ ક્યાંથી શરુ કરું.? “
” જ્યાં થી કરવું હોય ત્યાંથી બોલને ખાલી બસ “.
” એ દિવસ જયારે અનેરી હોસ્ટેલમાં આવી… મને યાદ છે હું લોવર ટીશર્ટ પહેરીને ફરતી હતી. મતલબ રવિવાર હતો. અને હોસ્ટેલમાં મારો નિયમ શનિવારે એક બુક લાવવાની અને પુરી થાય ત્યાં સુધી વાંચતી. એમ પણ હવે કૉલેજમાં ઉઠવામાં સ્કૂલ જેવા નિયમ નહતા. અને રવિવારે બપોર સીધા જમવા ટાઈમેં ઉઠીને નાહિંને સીધા જમવા. એક રૂમમાં અમે 5 લોકો રહેતા અને ત્યારે ચાર જ હતા.
હું નહાવા જવાની તૈયારી કરતી હતી અને કોઈએ બુમ પાડી.. 62 નંબર નીચે બોલાવે. હવે રવિવારે તો વાલી સિવાય કોઈ હોય નહિં.. અને મારે તો કોઈ ગાંધીનગરમાં હતું નહીં કે જે મળવા આવે.
મારે ન્હાવા જવું હતું તો મેં માહીને કહ્યું જા અલિ નીચે કોણ છે.? તારા જ કોઈ વાલી હસે! મારે તો રેકોડ છે ક્યારેય કોઈ ના આવે.
” અલિ પણ સુવા દે ! જા તું પેલા જોઈ આવ.” માહી ઉંધમાંથી બોલી.
“અરે મારે નાવા જવું છે અને તમે તો સીધા બ્રશ કરીને ખાઈ લેશો. હું નાહ્યા વગર નથી ખાતી.. જા ને પરી 11 વાગ્યાં છે.. હું તૈયાર થઈશ ત્યાં જમવાનો બેલ પડી જશે. “
” સારું, ચાલ હું જાઉં. તું જા નાવા.. એમ પણ સવારે નાસ્તો નથી કર્યો. બહુ ભૂખ લાગી છે અને તું નાહ્યા વગર આવીશ નહિં તો બીજું મોડું થશે. ” કહી પરી નીચે ગઈ.
પરી બહુ સંસ્કારી છોકરી.. ભણવાની શોખીન કહી શકાય એવી. જ્ઞાતિ એ દરબાર હતી અને નાની ઉંમરમાં લગ્ન થઈ ગયેલા પણ એને એવી તમન્ના હતી કે અમારાં સમાજમાં કોઈએ નથી કર્યું એવું કરી બતાવું. હંમેશા વહેલા ઉઠતી. ઉઠીને વાંચવા બેસી જતી. બહુ મહેનતુ હતી. બીજી હતી, માહી એક નંબરની સેતાન. હોસ્ટેલમાં ફોન રાખવાની મનાઈ પણ અમારાં આ મેડમ રાખતા. ત્રીજી હતી માનસી, એટલી કામમાં ઠંડી કે એ એક કામ કરે ત્યાં અમે ત્રણ કામ કરી દેતા. પણ દિલની સાફ હતી. એમાં પણ બોલવામાં એટલી ટાઢી કે ક્યાંક સ્ટેશનને ગયા હોય તો બસ આવી એટલું બોલે ત્યાં તો બસ જતી રે…. તો એને અમે કેતા ટાઢી. આ હતા મારાં રૂમપાર્ટનર. બધામાં જુદા જુદા ગુણો. એક બાકી હતી તેની પણ આજે એન્ટ્રી થવાની છે એનાથી અમે અજાણ હતા.
હજુ હું બાથરૂમ માં જાઉં એ પહેલા.. તો નીચે પહોંચી, પરીએ બુમ પાડી ” 62 નંબર..આશ્રવી “
” બોલ ” બહાર લોબીમાં આવી હું બોલી. અમારો રૂમ હોસ્ટેલમાં ચોથા માળે હતો તો બુમ જ મારતા એક બીજા ને બોલાવવા. અને ઓળખતા પણ રૂમ નંબરથી જ બધાને.
” નીચે આવ “
” કેમ? “
” મેડમ બોલાવે છે તને.”
” પણ તું પૂછી લે ને શુ કામ છે એમને? “
” તારે આવવું હોય તો આવ, હું તો ઉપર આવું છું, જા. “
” ઉભી રે હું આવું આપણે સાથે જ ઓફિસમાં જઇયે “
ભાગતી હું નીચે ગઈ. અમે ઓફિસમાં જઈને જોયુ. તો કોઈ નવું એડમિશન આવ્યું હોય એવું લાગ્યું. થોડા સામાન સાથે ત્રણ ચાર લોકો હતા. મેડમે કહ્યું ” આશ્રવી તમારી રૂમમાં આ છોકરી રહશે, અને એમ પણ એ તારી બાજુના ગામનાં જ છે, બરાબર. જાઓ એનો સામાન રૂમમાં લઇ જાઓ. “
” ચલો એક નવી ફ્રેન્ડ મળી ગઈ. પણ આ તો વધારે પડતી જ ફેશન કરતી છોકરી લાગે છે. ” પરી સામે જોઈ હું બોલી.
” એ બધું પછી જોજે પેલા એનો સામાન તો રૂમમાં પહોંચાડીએ. “
હું અને પરી સામાન લેવા વાંકા વળીયા ત્યાં કોઈ અવાજ સાંભળ્યો.” રહેવા દો હું મૂકી જાઉં છું.” મેં જોયુ તો એક જવાન છોકરો હતો. બ્લુ જીન્સ અને વાઈટ સર્ટ પહેરેલુ. હાથમાં વૉચ અને ફોન પકડેલ એ યુવાન બહુ સ્ટાઇલિસ અને હેન્ડસમ લાગ્યો. પણ અમારે શુ?
” મેડમ બોલ્યા અનેરી તારી મમ્મીને તું રૂમમાં લઇ જઈ શકે છે. પણ આપણી હોસ્ટેલમાં કોઈ પુરુષને રૂમમાં જવાની પરવાનગી નથી. તારા પપ્પા એ નીચે જ બાકડા પર બેસશે. આશ્રવી પાણી આપ એમને પીવું હોય તો? “
” મેં પાણી લઇને આપ્યું. અનુના પપ્પાએ પીધું પણ પેલા છોકરાએ ના પીધું. અને મને ધારીને જોઈ રહ્યો જાણે વિચારતો ના હોય કે આ હજુ નાહ્યા વગર ફરે છે. અત્યાર સુધી નાવાનું બાકી હોય, કોઈને!.. અનુ આમની જોડે સુધરવાની જગ્યાએ બગડી તો નહિં જાય ને? “
” અનેરી તો જયારે, રોતા જ આવી હોય એવું મોં હતું એનું. એ કંઈ બોલી નહિં પણ અમે સમજી ગયા મેડમને પરાણે હોસ્ટેલ લાવ્યા લાગે છે. અમારે તો 5 વર્ષનો સારો એવો અનુભવ. હોસ્ટેલમાં છોકરીઓ આવે પણ રોતા રોતા અને જાય પણ રોતા રોતા ‘.અનેરી એની મમ્મી અને સામાન લઇ રૂમમાં આવ્યા. પેલી કુંભકરણ હજુ સૂતી હતી અમને જોઈ તરત જ ઉઠીને બોલી “આ કોણ આવ્યું પાછું મેડમને કે ને યાર ચારના રૂમમાં પાંચને નહિં ફાવે. “
” એક કામ કર તું જ કઈ આવને? “
“અરે યાર આને અંદર આવવા તો દો. પછી જોઈ લઈશુ ” પરી બોલી.
અંદર આવી અનેરી મમ્મીએ તેનો સામાન ગોઠવી આપ્યો, અમે મદદ કરી. સાથે થોડી વાતો પણ કરી. એમાં મેં જાણ્યું અમારો સમાજ એક જ હતો. એની મમ્મીએ એક બે ઓળખાણ પણ કાઢી. પણ આપણે ક્યાં કોઈને ઓળખીએ?. બસ હા માં હા કરે રાખ્યું. બૈરાંની આજ આદત ખરાબ હોય ક્યાંથી ક્યાં છેડા અડાડે ખબર જ ના પડે. હું કંટાળી નાવા જતી રહી.
હજુ અનેરીના મમ્મી રૂમમાં જ હતા. જતા અમને ભલામણ કરતા ગયા અનેરી ક્યારેય ઘરની બહાર નથી ગઈ તમે થોડું ધ્યાન રાખજો. જયારે દીકરીને સાસરે મૂકી ના હોય એમ. અમે તો બસ એટલું જ બોલ્યા ચિંતાના કરો થોડા ટાઈમ પછી અનેરીને ઘર પણ આવવું નહિં ગમે એટલી મજા આવશે આમરી સાથે. ત્યાં 12 વાગ્યે જમવાનો બેલ પડ્યો.
” અરે બહુ ભુખ લાગી છે ચલો પેલા ખાઈ આવીયે. અનેરી આવીશ ને? “
” ના. મને ભૂખ નથી. “
” બે દિવસ નહિં લાગે. અમારે આવું જ થયેલું નવા હતા ત્યારે. અત્યારે તો ડોનની જેમ રહીયે છીયે. કોઈની તાકાત છે કે આપણું નામ લે? ” બ્રશ કરતા માહી બોલી.
” બોલવાનું બંધ કર અને આવજે નીચે. જા અમે તો જઇયે છીએ ભોજનાલયમાં તારી ડીશ…?? “
” હું તારી ભેગા જ ખાઈ લઈશ. જા હું આવું.. અનેરીને લેતી આવું છું… જો તારે ના ખાવુ હોય તો ના ખાતી પણ નીચે ચાલ. એકલી રહીશ તો ગમશે નહિં. “
પરાણે અનેરી નીચે આવવા તૈયાર થઈ. નીચે આવી દરવાજા સામે એવી રીતે જોઈ રહી જયારે કોઈ જેલની સજા ના ભોગવતી હોય. એની નહિં બધાની, નવા આવે ત્યારે આજ હાલત હોતી. ઘરના ખુલ્લા માહોલમાં રહેલા અને અહીં ચાર દીવાલમાં એક દરવાજો એ પણ બધા અંદર આવી જાય એટલે કોઈ કેદી ભાગીના જાય એટલે બંધ હોય. અમે બધા આ જેલના કેદી.
” મેં પણ જોયુ છે આ “ધ્યાન બોલ્યો
” ગર્લ્સ હોસ્ટેલમાં અને બોય્સ હોસ્ટેલમાં બહુ ફેર હોય. તમે ઈચ્છાએ બહાર જઈ શકો અને અમે માત્ર કૉલેજથી હોસ્ટેલ અને હોસ્ટેલથી કૉલેજ. કંઈ નવું નહિં. વાલી દિવસે વાલી આવે એ બહાર જાય. મારાં જેવાને તો કોઈ હોય પણ નહિં જે લઇ જાય “.
“હા એ ખરું અમે રવિવારે બહાર જતા. અમારે વાલીની કોઈ ઝંઝટ નહોતી… પણ કેયુર હતો ને તને ફેરવવા? “
” કેયુર આવ્યો એ પેહલા ક્યાં કોઈ હતું “
” કીધું હોત તો હું આવી જાત… પછી શું થયું અનુ નું ? ” મશ્કરી કરતા ધ્યાન બોલ્યો.
અનેરી તો ભોજનાલય જોઈ જ રહી, જયારે ક્યાંરેય જોયુ ના હોય એમ. અને બોલી “અહીં ખાવાનું થોડું ભાવે? જગ્યા તો જો કેટલું બધું ચીકણું છે? “
અમારાથી હસ્યાં વગર ના રહેવાયું. અને માહીથી બોલ્યા વગર ” જો બેટા તકલીફ તો રેવાની. ખાવુ હોય તો ખાવાનું નહીંતર ભૂખ્યા રેવાનું… બે ચાર દિવસમાં આદત પડી જશે, અમારી જેમ તને પણ. પહેલો દિવસ છે એટલે બધું થશે. “
” સ્વરૂપ અનેરીનું મોઢું આ સાંભળી જોવા જેવું થઈ ગયેલું. ‘કાપો તો લોહી પણ ના નીકળે એવું’ એને થયું હસે ક્યાં ફસાઈ ગઈ.”
” જો બકા આની આદત છે આડું અવળું બોલે તો સંભાળવાનું નહિં. મજા આવશે અમારી સાથે. એક બે દિવસ થશે એટલે ફાવી જશે ” એમ કહી પરીએ અનેરીને એની સાથે જમવા બેસાડી.
અનેરીને તો એક કોળિયો પણ ગળેથી ઉતારવો મુશ્કેલ હતો. અહીં ગમતું નહિં, ઘર યાદ આવે, ખાવાનું તો ફિક્સ મેનુ પ્રમાણે જ હોય. ઈચ્છા થાય એ થોડું મળે. નાસ્તો ખાઓ પણ ક્યાં સુધી અનાજ વગર થોડું ચાલે. અનેરી રડવા જેવી થઈ ગઈ પણ અમને બધાને જોઈ રડી પણ ના શકી. જમીને તરત જ રૂમમાં જતી રહી અમે હજુ ખાતા હતા.
” જો જે પરી હવે આ રૂમમાં જઈને એકલી રડવાની. ” માનસી બોલી.
” રડી લેવા દે મન હળવું થાય એનું… એમ પણ આપણાને જોઈ રડી નહોતી શકી “
” પણ ખબર ના પડી, અમદાવાદમાં એટલી બધી કૉલેજ છે, તો હોસ્ટેલમાં શુ લાડવા લેવા આવી હસે? “માહી તેના અંદાજે બોલી.
“આને કોઈ બોલતા શીખવાડો યાર…તારા જેવી હસે? તો સુધારવા મૂકી હસે બીજું શુ હોય? “
” મારાં જેવી તો તો મજા આવશે. હું ક્યાં સુધરી છું અને સુધારવા માંગતી પણ નથી. જેને જે કેવું હોય એ કે આપણને કોઈ જ ફરક પડતો નથી “
” હા તને ગમે તે કરજે પણ અત્યારે તો ખાવામાં ઉતાવળ કરને તો ઘણું છે. ” માનસી બોલી
” ટાઢી તું તો કંઈ બોલીશ જ નહિં તારી તો ખબર જ છે બધાને “.
“અરે પણ મેં શુ કર્યું તો મારાં પર ગુસ્સે થાય છે.? ” માનસી બોલી.. એનું મોં જોઈ અમે હસી પડ્યા. ડરપોક છે ટાઢી. જમીને પોતપોતાની ડીશ જાતે જ ધોવાની હોય. અમે અમારી ડીશ ધોઈને રૂમમાં ગયા.
ખાતી વખતે જેમ કુટુંબમાં વાતો થાય એમ અમે પણ બહુ મજા કરેલી. અમને ખાતા 1 કલાક થતો. આખા ગામની વાતો કરતા. એમાં પણ ભોજનાલયમાં સ્પીકરથી ગીતો વગાડવા એવો નિયમ લાવેલા તો અમે વાતો કરતા કરતા ગીતો સંભાળવા બેસી જઈએ. એમ પણ ટીવી કે આવું કોઈ મનોરંજન હોય નહિં ત્યાં, બસ અમે અને અમારી ચોપડી. ધણીવાર તો મેડમ અમને ઉભા કરવા આવતા. અમે ઉભા થઈએ તો બીજા બેસી શકે.
વધુ આવતા અંકે……