ઉંમર ભણવાની હતી. હવે મોટા થઈ જ ગયા કહેવાય પણ ‘દિલતો અભી બચ્ચા હે’ આવું કંઈક હતું અમારું. મસ્તી, મજાક સાથે દિવસો પસાર થઈ રહ્યા હતા. એમ પણ પરીક્ષા સિવાય તો ક્યારેય અમે ચોપડી પકડતા નહીં તો સમય ક્યાં કાઢવો. તો આ રીતે રોજ કંઈક નવું કરતા. એમ કરતા મહિનાનો પહેલો રવિવાર આવી ગયો.
મહિનાનો પહેલો રવિવાર એટલે વાલી દિવસ. છોકરીઓ તો વાલી દિવસની આતુરતાથી રાહ જોઈને જ બેઠી હોય. મહિનામાં આજ એક દિવસ હતો જયારે જેલમાંથી બહાર જવા મળતું, આઝાદ પંખીની જેમ ફરતા, ખરીદી કરતા, કોઈ મૂવી જોવા જાય અને રાત્રે આવી આખા દિવસની વાતો કરવાની. પણ મારે તો ક્યારેય કોઈ આવે નહિં અને આપણે બહાર જઇયે પણ નહિં. હું અને માનસી બેય એવા હતા. અમે બેય નવરા, બારી પાસે આવતા વાલીને જોઈએ. કોણ કોણ આવ્યું, એમાં પણ સગાઈ થઈ હોય એવી છોકરીઓને મળવા આવતા તેમના હાલ્ફ હસબન્ડને જોઈ, જોડી કેવી છે? એના રેન્ક આપતાં જયારે અમે કોઈ હરીફાઈના જજ ના હોય એમ.. મજા કરતા.
પરીને જીજુ લઇ જાય, માહીની પણ સગાઇ થયેલી તો અનેય જીજુ ફરવા લઇ જતા. એ કાયમ અમને સાથે જવાનું કેતા પણ યાર એમની રોમેન્ટિક ડેટમાં કબાબમાં હડ્ડી થોડું બનાય, તો અમે ના જતા. પણ આ વખતનો રવિવાર અલગ હતો. અનેરીના મમ્મી પપ્પા આવવાના હતા અને પહેલો જ રવિવાર વાલી દિવસનો. તો દીકરીને મહિને જોશે કંઈક અલગ જ ખુશી સાથે આવેલા કેયુર પણ સાથે આવેલો.
માઈકમાં નામ જાહેર થયું અનેરી રૂમ નંબર 62. સંભાળતાની સાથે જ અનેરી તો નીચે ભાગી. જયારે કેટલા વર્ષો પછી મમ્મી પપ્પાને મળવાની હોય એમ. સવારની તૈયાર થઈને જ બેઠી હતી. ક્યારે મારું નામ બોલાય ને હું બહાર જવું. અમે તેની પાછળ તેના મમ્મીને મળવા ગયા. અમે અહીં એજ કરતા એકના વાલી આવે તો આખી રૂમના મળવા જતા. પેલા બે તો સવારના નીકળી ગયેલા.
અનેરીના મમ્મી તો જયારે વર્ષોબાદ જોઈ હોય એને એમ ભાવ વીભોર થઈ ભેટી પડ્યા. ફોનમાં વાત રોજ કરતા પણ પહેલીવાર આટલી સમય અનુ એમનાથી દૂર રહેલી. અમે આ જોઈ રહ્યા. એના પપ્પા અને ભાઈ પણ ખુશ હતા એને મળીને.
” એય માનસી ચલને રૂમમાં જતા રહીએ, આપણું શું કામ છે મોઢું બતાવ્યું એટલું ઘણું છે. યાર આપણે અહીં શું કરશું અને એના ભાઈથી મને કંઈક અજીબ લાગે છે ” મેં કહ્યું.
” તારે એના ભાઈથી શું લેવા દેવા બેસને સાનીમાંની. મને તો મજા આવે છે “.
” અલિ પણ સમજ એમને બહાર જવાનું હશે. “
” હા, તો…. એ જાય ત્યાં સુધી તો રોકાઈ જઇયે પછી આખો દિવસ રૂમમાં જ રેવાનું છે “
અમને વાતો કરતા જોઈ અનુ એ તેના પપ્પાને કહ્યું ” પપ્પા આ બેયને પણ સાથે લઇ જઇયે બહાર. “
” હા, જરૂર લઇ જઈશું, ચલ હું તમારા મેડમને મળી લઉં ” એના પપ્પા અનુને લઇ ઓફિસમાં ગયા.
” અનેરી રેવા દે. તું જઈ આવ મારે નથી આવવું ” અનેરીને રોકતા હું બોલી.
” કેમ નથી આવવું? તને લીધા વગર હું નથી જવાની સમજી. અમે હાલ જ મેડમની રજા લઈને આવીયે.” કહી એ જતી રહી.
અત્યાર સુધી કેયુર કાંઈ જ બોલ્યો નહોતો પણ મેં જવાની ના પાડી એટલે મારી સામે જોઈ રહ્યો. હું બોલ્યા વગર જ ઉભી રહી.
અનુના પપ્પાએ અમારા ફોર્મમાં સહી કરી પછી અમારી સહી કરાવી.
ગાંધીનગર એટલે ગ્રીન સીટી અને ગુજરાતનું પાટનગર. આપણા દેશની આઝાદી પછી પાટનગર બનાવવા સ્પેશ્યિલ લોકો બોલાવી પ્લાનિંગ સાથે ગાંધીનગરની રચના કરવામાં આવી. ગાંધીનગરમાં અમદાવાદથી બિલકુલ વિરુદ્ધ જોવા મળે. અહીં તો આપણે રોડ પર કેટલા સાધનો હોય, કેટલો આવજ સાધનોનો અને વૃક્ષ તો ભાગ્યે જ જોવા મળે. જ્યાં જોવો ત્યાં ભીડ અને ઉઠે ત્યારથી ભાગતા લોકો. આપણું અમદાવાદતો ભાગતું શહેર કહીયે તો કઈ ખોટું નથી. શું કેહવું સ્વરૂપ તારું?
” હા અહીં તો યાર એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. ની કેટલી બસો છે તોય બધામાં ભીડ હોય. અને આપણે ગાંધીનગર ભણતા ત્યારે નવી જ વિટકૉસ ચાલુ થયેલી. જયારે જવુ ત્યારે બેસવાની જગ્યા મળી જ જતી પણ રાહ બહુ જોવી પડતી. અને અહીં તો એક પછી એક ચાલુ જ હોય બસો, પણ બેસવાની તો નહીં પણ ઉભા રેવાની સારી જગ્યા મળે તોય ઘણું. “
” સાચી વાત છે તમારી હું જો રોજ અપડાઉન કરું તો રોજ જોવું જ છું ” ધ્યાન બોલ્યો.
” અમે તો કેયુરની ગાડીમા ફરવાની મજા આવશે એવા વિચાર કરતા ગોઠવાઈ ગયા. આગળ ડ્રાંઇવિંગ સીટ પર કેયુર અને બાજુમાં તેના પપ્પા અને પાછળ તેની મમ્મી અને અમે ત્રણે આગળ પાછળ થઈ ગોઠવાઈ ગયા. એમ પણ દૂર ક્યાં જવું હતું તો ચિંતા.
” ક્યાં જઈશું પપ્પા? કેયુર બોલ્યો.
“ક્યાં જવુ છે અનુ તારે? ત્યાં જઇયે બોલ બેટા “
” જયા જવુ હોય ત્યાં લઇ લો. હવે તો દર મહિનાના રવિવારે એકએક કરી પૂરું ગાંધીનગર જોઈ લઈશુ. બરાબર છે ને પપ્પા.”
” હા, હા. હવે… એક કામ કરીયે અક્ષરધામ દર્શન કરી આવીયે. છેલ્લે તારે જે લેવું હોય એની ખરીદી સેક્ટર 21 માંથી કરી લેજે. “
કેયુર ગાડી ચાલુ કરી બોલ્યો ” અક્ષરધામ મંદિર તો સેક્ટર 20 માં આવેલું છે “
” હા, અહીંથી રોડ 5 ઉપર સીધા ‘ જ ‘ રોડ પર લઈલે. સેક્ટર 20 આવી જશે, 10 મિનિટનો જ રસ્તો છે. ” પપ્પા બોલ્યા.
” ગાંધીનગરની આ રચના મને બહુ ગમે પપ્પા… જે રોડ હોય ત્યાંથી નવો રોડ શોધતા વાર જ નથી લાગતી. ઉભા રોડે જઇયે તો 1, 2, 3 નંબર અને આડી બાજુ રોડ જોઈએ તો કક્કા પ્રમાણે ‘ ક, ખ, ગ, રોડ… અને બન્ને મળી ચ-5, છ -5, જ -5, એમ દરેક સરકલે લખ્યું જ હોય તો કોઈ ચિંતા નહિં. પણ સેક્ટરમાં મને બહુ ખબર નથી પડતી. ” કેયુર બોલ્યો.
” એમા પણ કઈ ખાસ અઘરું નથી રોડ જેવું જ છે. રોડને નંબર આપ્યા એમ વચ્ચેના એરિયાને સેક્ટર નંબર આપ્યા છે. “
” બરાબર, બાકી ગાંધીનગરમાં શાંતિ ઘણી અમદાવાદ કરતા નહિં પપ્પા? “
” હા, હોય જ ને.. અમદાવાદ કરતા વસ્તી ઓછી અને ઉદ્યોગ ઓછા એટલે. પણ હવે અહીં પણ બહુ બધા ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે, ઇન્ફોસિટી જ જોઈલે.. “
વાતો કરતા ક્યારે અક્ષરધામ પહોંચી ગયા ખબર જ ના પડી.” હજુ તો હાલ ગાડીમાં બેઠાતા અને પહોંચી ગયા, થોડું દૂર હોત તો ગાડી માં વધારે બેસવા મળેત નહીં ! ” માનસી ધીમેથી મારાં કાનમાં બોલી.
” આ કેયુર મસ્ત ગાડી ચલાવે છે એટલે… અને હોશિયાર પણ બહુ લાગે છે નઈ ” હું ધીમેથી માનસી પાસે જઈ બોલી.
” ઓહ મેડમ શું વાત છે ઈમ્પ્રેસ!” માનસી હસતા બોલી.
” ના, અલિ એવું નહિં કઈ ” વાતો કરતા મંદિરે આવી ગયા.
વધુ આગળને ભાગમાં…..