” અક્ષરધામ સવામીનારાયણ ભગવાનનું મંદિર લોકો દૂર દૂરથી અહીં ફરવા આવે છે. અમે અહીં લગભગ 4 થી 5 વાર તો આવી જ ગયેલા. પણ જઈએ એટલી વાર અહીં મજા જ આવતી. બહુ મોટું જોવાલાયક મંદિર છે. અરે, એકવાર તો અહીં આતંકવાદી હુમલો પણ થયેલો ખબર છે? “
” હા, નાના હતા ત્યારે સાંભળેલુ.” ધ્યાન વિચાર કરી બોલ્યો.
” પણ મને તો અહીંનું વાતાવરણ બહુ જ ગમે. અમે દર્શન કરી બહાર આવ્યા. અમે અનેરી એમની પાછળ મસ્તી કરતા ચાલી રહ્યા હતા “.
” અલિ ચલને આઈસ્ક્રીમ ખાઈ આવીએ ” દુકાન જોઈ માનસી બોલી.
” આઈસ્ક્રીમ યાર…. મારે ખાવો જ છે પણ.. “
” શુ પણ?…. ચલને યાર “
” આપણે એકલા નથી. બીજાનું જોવું પડે. સાનિમાંની બોલ્યા વગર ફર્યા કરને.”
” પણ ખાવામાં શુ ખોટું છે? “
” ચૂપ મરને ભૂખડ. જો અનુનો ભાઈ આપણી સામે જોવે છે, એને લાગશે કે આમને કોઈ દિવસ જોયુ જ નહીં હોય? આપણી ઈમ્પ્રેસન ડાઉન થાય ખબર નથી પડતી. કાલે કૉલેજથી બંક કરી ખાઈ આવશુ. “
” અરે પણ આપણે ક્યાં એને પટાવવો છે તે ચિંતા. એને જે વિચારવું હોય એ વિચારે, મને કોઈ ફરક નથી પડતો ” ધીમેથી મારી સામે જોઈ માનસી બોલી.
અમારી ગુપછુપ જોઈ અનુ સમજી ગઈ એ બોલી ” શુ ખાવુ છે બોલ માનસી… આઈસ્ક્રીમ?? “
” ના, અમે બીજી વાત કરીએ છીયે… “માનસી વિચાર દબાવી પરાણે બોલી.
બધા ગાર્ડનમાં બેઠા. અનેરીના પપ્પા અમને અમારાં ભણતર પર ધ્યાન આપી આગળ વધવા પ્રોત્સાહન આપી રહ્યા હતા. પણ અમે તો આઈસ્ક્રીમમાં અટક્યાં હતા. અનેરી અમારું મોઢું જોઈ બોલી “એક કામ કરો તમારે ગાર્ડનમાં ફરવું હોત તો ફરો. પપ્પા આપણે બેસીએ મારે બહુ વાતો કરવી છે તમારી સાથે. તમને મારી યાદ નહીં આવતી પપ્પા? “
” અરે અનુ તને યાદ ના કરું એવું બનતું હશે, પૂછ તારી મમ્મીને.?
અનુ જા આશ્રવી એમને બહાર જવુ હોય તો ભલે જાય, એમ પણ આપણી વાતોમાં અમને ક્ન્ટાડો આવશે” મોં પર સ્માઈલ કરી બોલ્યા.
” ના, અંકલ.. અમે અહીં તમારી સાથે જ બેઠા છીએ. “
” જાઓ, જઈ આવો. બેટા”
” પણ એકલા? હમણાં બધા સાથે જઈસુ. “
” જા અલિ તમે જઈ આવો.. મારે તો મમ્મી પપ્પા સાથે બેસવું છે. પ્રદર્શન ચાલુ થાય ત્યાં સુધી સમય છે. એક કામ કરો ભાઈને લઇ જાઓ તમારી સાથે “
” સાચી વાત, એમ પણ કેયુર તને ફરવું ગમે છે તો જા એમની સાથે. એકલા એ જાય, એના કરતા તું સાથે હોય તો મારેય ચિંતા નહિં “.
” હા તો ચલ આશ્રવી જઇયે ” માનસી તો ખુશી સાથે બોલી ઉઠી.
” અલિ બંધ થા ” મેં ઇસારો કર્યો પણ ડોબીએ જયારે નહિં સમજવાનું નક્કી કર્યું તું.
” ના, પપ્પા હું પણ અનુ સાથે બેસું… મારે નથી જવુ ” કેયુર મૂંઝવણથી બોલ્યો.
” ના, ના… જા. આખો દિવસ સાથે જ છે અનુ. એકલી છોકરીને ના મોકલાય. તમારે જયા જવુ હોય ત્યાં જાઓ બેટા. ” પપ્પા બોલ્યા.
કેયુર હું અને માનસી ગાર્ડનની બહાર નીકળ્યા. માનસીને તો કોઈ ફેર ના પડ્યો પણ અમે એકબીજાને જોઈને અકડાતા. પણ કઈ થાય એવું પણ હતું નહીં.
” આ માનસીની બચ્ચીને તો હોસ્ટેલમાં જઈ જોઈ લઈશ. પણ અત્યારે શુ કરું?
” મને ગાળો ના આપ હો મને તારી ખબર જ છે “
” હું ક્યાં કઈ બોલી છું? “
” હા મેડમ તમારું મોં બતાવે છે આપના દિમાગની હલચલ. “
” ના, આવું કઈ નથી. બોલ ક્યાં જવુ છે? “
” આઈસ્ક્રીમ ખાવા. “
” તમે આઈસ્ક્રીમ ખાશો? ” મેં કેયુરને પુછ્યું.
” ના, હું ઉભો છું તમે ખાઓ. “
“અરે એકલા મજા ના આવે બોલો કઈ ફ્લેવરનો ગમશે? હું લઇ આવું તમે ઉભા રહો. “
આજે ટાઢી કંઈક ગરમ મિજાજમાં હતી.
“પણ હોસ્ટેલમાં આવ, તારો આઈસ્ક્રીમ જો બહાર ના કઢાવું તો મારું નામ પણ આશ્રવી નહિં” હું મનમાં બોલી.
“તે કંઈક કીધું મને આશુ? “
” ના, કંઈ નહીં. એક કામ કર મારી ઝૂલુબાર લાવજે. કેયુર તમે શુ ખાશો? “
” હું….! તમે અહીં ઉભા રહો હું જ લઇ આવું. માનસી તું શું ખાઈશ બોલ? “
” હું તો આપણો ફેવરેટ ચોકલેટી કોન. પણ અમુલ હોય તો જ લાવજો ” દોઢડાઇ બોલી.
કેયુર દુકાને ગયો. એટલે હું બોલી. ” ટાઢી આજ કાલ બહુ હવા કરે છે. માપમાં રે તો સારું “
” કેમ? મેં શું કર્યું “
” ક્યારની ચપચપ કરે છે બંધ જ નથી થતી “.
ત્યાં કેયુર અમારી પસંદનો આઈસ્ક્રીમ લઈને આવ્યો. અમે ત્રણે ખાતા ખાતા વાતો શરું કરી આ અમારી પહેલી મુલાકાત હતી.
” તમે ગાડી મસ્ત ચલાવો છો. ” માનસીએ માખણ લગાવવાનું ચાલુ કર્યું.
” મારાં પપ્પા મારાથી પણ સારી ચલાવે છે. એમને જ મને શીખવી છે. “
” તમારા પપ્પા બહુ ફ્રી માઈન્ડના છે નહિં? મને એમનું નેચર બહુ ગમ્યું “
” મારી સાથે એ ફ્રેન્ડની જેમ જ વર્તન કરે. “
“આજ ના જમાનામાં દીકરો હોય કે દીકરી તેના મિત્ર થઈને રહો તો જ એમને સાચી દિશામાં લઇ જઈ શકાય.”
” તમારી વાત બિલકુલ સાચી છે “
બન્ને વાતે વળ્યાં. હું શુ કરું?…. આપણે પણ ચાલતી ગાડીમાં ચડી ગયા.
” પેલા મેડમ કેતાતા યાદ છે. માનસી…
દીકરો નાનો હોય ત્યાં સુધી લાડ કરાવવા.
સ્કૂલ જાય એટલે આપણા કહ્યામાં રાખવો.
પણ જયારે એના પગ તમારા પગમા આવતા થાય,
ત્યારે મિત્ર બનાવી લેવો. “
” રાઈટ છે આ પણ ” બોલી કેયુર મારી સામે જોઈ રહ્યો જાણે તેના ધાર્યા બહારનું વર્તન મેં કર્યું હોય એમ.
” તમને ખબર છે? આશ્રવીમાં આવું બધું બહુ જ્ઞાન છે. અને વાંચવાની શોખીન એટલે ‘ સોનામાં સુગંધ ભળી જાય’ એમ હોશિયાર બહુ છે “
” સારો શોખ છે તમારો પણ ક્યારેક જ્ઞાનને વહાવતા પણ શીખો “
“મતલબ? હું કંઈક સમજી નહીં “
“અરે જ્ઞાન ઘણું છે પણ ચોખ્ખુ બોલો તો જ સમજે…બાકી ડીમ લાઈટ છે “
“અરે એ ડીમ લાઈટ કોને કેશે? ટાઢી “
” અમને ટાઢી કહો ત્યારે કંઈક નહીં. અમે કહીયે તો મરચા લાગે નહીં “
કેયુર અમારો ઝગડો જોઈ હસી પડ્યો. અને બોલ્યો ” તમે હજુ નાના છોકરાની જેમ ઝગડા કરો છો? કેવું પડે “
” કેમ મોટા ઝગડો ના કરે? “
મારી વાત સાંભળી કેયુર ખાતા ખાતા વધારે હસ્યો.
” એવું નથી મને મારાં કૉલેજના દિવસો યાદ આવી ગયા અમે આવું જ કરતા. “
” અરે જયા પ્રેમ હોય ત્યાં જ ઝગડા હોય… બરાબર ને? “
” પણ તમે બહુ અલગ છો બધી છોકરીઓ કરતા “
“એવું કેમ લાગ્યું…. હું તો બધાની જેમ નોર્મલ જ છું “
” બસ લાગ્યું તો કહી દીધું… અનેરી તમારા બધાના ગુણ ગાતી હોય એટલે ખબર “
“એવું તો શુ કહ્યું અનુ એ મારાં વિશે? “
અમારી વાતો ચાલુ જ થઈ હતી ત્યાં કેયુરના ફોનમાં રિંગ વાગી.. એના પપ્પાએ અમને પ્રદર્શન જોવા બોલાવ્યા. ટિકિટ તો લઈને જ રાખી હતી એમને.
” ચલો પપ્પાએ બોલાવ્યા છે… જઈએ “
” પણ મારી વાત તો પુરી કરો. “
” અલિ ફોન કરી પૂછી લેજે ચાલ મોડું થશે. “
” ચલો પછી ક્યારેક કહીશ ” બોલી કેયુર ચાલતો થઈ ગયો.
હવે મારાં મનમાં વાવાઝોડું ઊપડ્યું. આ શુ બોલી ગયો? એનો મતલબ શુ હતો? એ શુ વિચાર કરતો હશે મારાં વિશે.? પણ પુછાય એવો સમય હતો નહીં. પહેલી વાર કોઈ છોકરાએ આ રીતે વાત કરી મારી સાથે. મને તો કંઈ સમજ ના પડી. બધા સાથે પ્રદર્શન જોવા આવી ગઈ પણ મન તો પેલા પ્રશ્નમાં જ અટક્યું હતું. હું એજ રાહમાં હતી ક્યારે કેયુર એકલો પડેને મારાં પ્રશ્નના જવાબ માંગુ. પણ એવું બન્યું નહીં. બધાએ સાથે જ 3 કલાકનું પ્રદર્શન જોયુ. બધાને ખુબ મજા પડી. અને હું તો શરીરથી જ હાજર હતી મન તો….
ત્યાંથી અમે હોટેલમાં જમવા ગયા. બધા ખુબ મજા કરી રહ્યા હતા પણ હું ક્યાંક અટવાઈ હતી. ક્યાય મન ના લાગ્યું. કેયુર મારી સામે જ જમવા બેઠેલો. હું એની સામે જોવું તો ખબર નહીં પણ મને શરમ આવતી. એ મારી સામે હસ્યો પણ મેં મારી નજર શરમથી ફેરવી લીધી. અમારાં વચ્ચે શુ ચાલી રહ્યું હતું એનાથી અમે બન્ને અજાણ હતા. પણ લોહીચુંબકની જેમ હું એની તરફ આકર્ષણ અનુભવ કરતી હતી. પણ કહું કોને?
” હવે ક્યાં જસુ બેટા ” પપ્પા બોલ્યા
” થોડી ખરીદી કરવી છે સેક્ટર 21 જઈએ ત્યાં મળી રહેશે બધી વસ્તુ અને ના મળે તો 24 માં તો બધું જ મળે છે. નહીં આશ્રવી? “
“હા, 21 માં તારી બધી વસ્તુ મળી રહશે, મારે વર્ષોની ખરીદીનો અનુભવ છે. “
સેક્ટર 21 માં અમે અમારી જોઈતી બધી વસ્તુ ખરીદી લીધી. ત્યાં કેયુર બોલ્યો “અહીં કઈક ફેમસ છે? “
” હા સામે પૂજા છે એ… ત્યાં ના ઢોકળા બહુ મસ્ત આવે છે. ” માનસી પાછી ડાઇ થઈ બોલી.
“એમ છે !….તો ચલો આપણે ખાઈએ, ” કેયુર બોલ્યો
” હાલ તો ખાધું છે.. પેટમાં ક્યાંય જગ્યા જ નથી “
” એક કામ કરું પેક કરાવી લઉં, ઘર માટે અને આમના માટે. એમને આજ હોસ્ટેલના ખાવામાંથી છુટ્ટી, નહીં અનુ… મજા છે આજ તો મારી અનુને. “
” મારો ભાઈ આવે ને મારે થોડું જોવાનું હોય.” કેયુરનો હાથ પકડી વાલ કરતા બોલી.
” હા જ તો એક ની એક મારી વાલી બેનડી….તારા માટે તો છે આ બધું, ચાલ મારી સાથે આપણે બેઉ સાથે જઈને લઇ આવીયે.” કેયુર બોલ્યો.
બન્ને પેક કરાવી આવ્યા ત્યાં સુધી અમે ગાડીમાં બેઠા એના મમ્મી પપ્પા સાથે વાતો કરી. પછી સીધા અમે 6 વાગ્યે હોસ્ટેલ પહોંચ્યા.
“આજે દિવસ ક્યાં પૂરો થઈ ગયો ખબર જ ના પડી બહુ મજા પડી નહીં આશુ? “
” હા, પણ પેલાની અધૂરી વાત મારાં મનમાંથી નીકળતી નથી એનું શું? “
” અનુ ફોન કરે ત્યારે પૂછી લેજે “
“હા એમ જ કરીશ “
આગળ આવતા અંકે.