હોસ્ટેલમાં પાછા હતા ત્યાં આવી ગયા. બહુ મજા કરીને આવેલા બધા. પરી અને માહી પણ આવી જ ગયા હતા. એ બન્ને તો વધારે પડતા ખુશ હતા પ્રિયતમને મળીને આવેલા તો. એમના ચહેરા પર હજુ આજની ખુશી છલકાઈ રહી હતી. જીજુએ સારી એવી ગીફ્ટ આપેલી અને બહુ બધી ચોકલેટ પણ.
” આજે શુ સ્પેશ્યિલ બોલો ” મેં કહ્યું.
” અરે એમાં શુ સ્પેશ્યિલ હોય, આજ પહેલીવાર થોડા બહાર ગયા છીયે? ” પરી બોલી.
” શરમાયા વગર બોલ, કાયમ છટકી જાય છે. આજે તો નહીં જ જવા દેવાની સાંભળ્યા વગર. શુ કહેવું મનુ?
“હા યાર… અમને ડફોળને થોડું જ્ઞાન આપ. કાલ અમારી સગાઇ થાય પછી ફરવા જઈએ તો ખબર પડે શું કરવું. તને ખબર જ છે આ બધી બાબતે અમે જીરો છીએ. ” માનસી બોલી.
“અરે વાત પછી કરીયે આ ચોકલેટ ખાઓ આપણા બધા માટે છે. ” નાના છોકરાની જેમ વાત બદલી અમને ચોકલેટ પકડાવી દીધી.
” નહીં આજે તો તારે કેવું જ પડશે “
” અરે મારે તો લગ્ન થઈ ગયા છે અમારે લવર જેવું ના હોય. એક કામ કર માહીને પૂછ. એમ પણ એ આ બધામાં મારાથી પણ હોશિયાર છે. “
” ચલો ત્યારે માહી મેડમ બોલો. પ્રિયતમ સાથે એકાંતમાં વિતાવેલી પળોનું વર્ણન કરો. ” અનુ હાથમાં માઈક પકડી ઇન્ટરવ્યૂ લેતી હોય એમ બોલી.
અમે બધા દર્શક બની જોવા બેસી ગયા. અમારું નાટક ચાલુ થયું. અમે અમારી રૂમમાં નાટકો બહુ કરતા. એકવાર તો કોમેડી નાટક કરવાની ઈસ્સા થયેલી. અમારી બાજુની રૂમમાં રહેતી સ્નેહા એનો નંબર આવે નાટક કરવામાં. બન્ને રૂમના ભેગા થયેલા. એક્ષામ ચાલુ હતી. વાંચીને કંટાળી ગયેલા તો વિચાર્યું કંઈક મસ્તી થઈ જાય. સ્નેહાએ પ્રેગનેંટ લેડીની જોરદાર એકટિંગ ચાલુ કરી પેટે નાનો તકિયો લગાવ્યો, અમે બધા એક એક રોલમાં સેટ થઈ નાટક કરતા હસી રહ્યા હતા ને મેડમ આવી ગયા અમને જોઈ એટલા ગુસ્સે થયા કે વાત ના પૂછ અને સવારે આખી હોસ્ટેલનો કચરો અમારી પાસે વડાવેલો. પણ અમે તો એવાને એવા જ.
” તમને ડર ના લાગે વારંવાર પકડાઈ જાઓ તો? ” સ્વરૂપ બોલ્યો.
” અરે આતો અમારું રોજનું થઈ ગયેલું, સજા કરે તોય અમે હસતા જ હોય. એટલે જ કહું છું મેડમ અમારાથી કંટાળ્યા હતા. “
” રોજ કંઈક નવા ટોપિક ઉપર ચર્ચા થાય, સંસદની જેમ.. આજનો ટોપિક હતો રોમેન્ટિક ડેટ “
“ટોપિક પણ તમે સારા શોધી લાવો.” હસતા ધ્યાન બોલ્યો.
” શોધવાના ના હોય. એકને મગજમાં આવે એટલે પ્રશ્નોતરી ચાલુ. પછી કેટલે અટકે એની કોઈ જ ગેરન્ટી નહીં. ક્યાંનું ક્યાં પહોંચી જાય ખબર જ ના પડે. માહી પરીની જેમ નહોતી એતો ખુલ્લા વીચારે બોલવાવાળી હતી. “
“અરે ગોળ ગોળ શુ પૂછે છે સીધે સીધું પૂછને શુ જાણવું છે. તો મને ખબર પડે બોલવાની “
“હા ચલો સીધું પૂછી લઉં. તમે કેટલે સુધી પહોંચ્યા? “
” આજ તો બહુ દૂર નહોતા ગયા બસ 28 ના ગાર્ડન સુધી જ ગયા હતા “
“અરે એમ નથી પૂછતી? “
“તો? “
” અરે, શુ કહું… જવાદે તું જ બોલ આખો દિવસ શું કર્યું તમે? “
” અમે તો સવારે ગાર્ડનમાં બેસવા ગયા. ત્યાં ક્યાય સુધી હાથમા હાથ પકડી બેઠાને બહુ બધી વાતો કરી “
” સવારે તો ગાર્ડનના છેલ્લા ભાગમાં જોવા જેવી પ્રવુતિ થતી હોય છે. તમેય એમાં ભાગ લીધો તો કે શું? “
” ડફોળ એ બધું ચાલુ કૉલેજના દિવસોમાં હોય રજાના દિવસે નહીં. રજાના દિવસે તો લોકો વનડે પીકનીક મનાવા ફેમિલિ સાથે આવે છે. બહુ મસ્ત જગ્યા છે. કસરત માટેના સાધનો, બહુ બધી નાના બાળકોને રમે એવી ગેમ, હિંચકા, ટ્રેન પણ છે કાંકરીયા જેવી. નાસ્તાના સ્ટોલ પણ છે. નાનકડું તળાવ બનાવ્યું છે એમાં હોડી પણ છે. તેમાં અમે બેઠા હતા આજતો. બહુ બધી રાઈડ પણ છે. તે તો જોયુ જ છેને? “
” હા જ તો “
” તો પછી.. “
વાતો કરતા હતા ત્યાં માહીના ફોનમાં લાઈટ દેખાઈ.
” અનુ લે તારા ઘેરથી ફોન છે “
અનુના ભાઈનો ફોન હતો એ પહોંચી ગયા એવું કેહવા ફોન કરેલો.
“અનુ મારે કામ છે કેયુરનું મને આપ “
” તારે ભાઈનું શુ કામ? “
” કરવા દે વાત આશુ તારા ભાઈથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે ” માનસી બોલી.
” ના, અલિ એવું કંઈક નથી એ કંઈક ચોપડીની વાત કરતાતા એ જ પૂછવું છે. “
” એક કામ કર.. ખાઈને પછી વાત કરાવું. ચાલશે? “
” વાંધો નહીં “.
કેયુરે લાવેલા ઢોકળા અને પેલા બેનો નાસ્તો બધું ભેગું કરી મસ્ત મજાથી અમે જમ્યા. આજે હોસ્ટેલમાં ખાવાની રજા. એમ પણ હોસ્ટેલમાં તો ફિક્સ જ હોતું દર રવિવારે છોલે પુરી જ હોતી. ખાઈ ખાઈ ને કંટાળ્યા. જમીને પ્રાર્થનામાં ગયા પછી ત્યાં હાજરી પૂરાતી. એમ પણ આજે તો બધા બહાર ગયા હોય એટલે ખાસ પૂરાતી. બધા બહાર જ બેઠા હતા. હું રૂમમાં ગઈ ત્યાં જોયુ તો કેયુરનો ફોન આવતો હતો. કોઈ હતું નહીં તો દરવાજો બંધ કરી. મેં કેયુર સાથે વાત ચાલુ કરી.
” હલો આશ્રવી બોલું છું”
” હા, તારી સાથે જ વાત કરવી હતી મારે “
” કેમ? ” મને જો જયારે કોઈએ પ્રોપોઝ ના કરી દીધું હોય એમ ધબકારા વધી ગયા.
” પેલી અધૂરી વાત પુરી કરવા “
” સાચું કહું મારું મન સવારનું ત્યાં જ હતું. “
” એ તો મેં નોટ કરેલું જમતા હતા ત્યારે “
“પણ તું મારાંથી દૂર કેમ ભાગે છે? માનસીને જો કેવી રીતે ભળી ગઈ અમારી સાથે. મારો કોઈ ખરાબ ઈરાદો નથી પણ મારામાં શું અજીબ લાગ્યું તને કે ડરે છે મારાથી… આ જાણવું હતું “
” ના, એવુ નથી. પણ, પહેલીવાર કોઈ સાથે આ રીતે બહાર ગઈ એટલે. “
” કેમ? “
” પહેલા તમે છો, જેની સાથે હું બહાર ફરી “
” યારર… આને થોડું ફર્યા કેવાય? “
ખબર જ ના પડીને અમે 1 કલાક વાત કરી લીધી. રૂમનો દરવાજો ખખડ્યો. ફોન બાજુ મૂકી મેં ખોલ્યો, માનસી હતી. માનસી સાથે પણ કેયુરે વાત કરી. કેયુર તો બધા સાથે વાત કરતો પણ મારાં માટે તો આ કલાક કંઈક અલગ જ લગાવ ઉભો કરી ગયો. મને આખી રાત ઉંધ ના આવી એનો અવાજ, એના શબ્દો જ મારાં દિલમાં ફરી રહ્યા.
આગળ આવતા અંકે…..