‘રાત તો જેમ તેમ પસાર કરી પણ માથું ભારે થઈ ગયું. મારી સાથે આ શુ બની રહ્યું છે મને કઈ ખબર પડી નહીં પણ રોજના નિયમ પ્રમાણે આજે પણ બાસ્કેટ બોલની પ્રેકટીસ માટે જવાનું હતું. એમ તો હું કોઈ પ્લેયર હતી નહીં પણ માહીની સંગતે બનાવી દીધી. કહેવાય છે ને ‘સંગ તેવો રંગ’. માહીની ધણી આદતો મારામાં પણ આવી ગયેલી આમાંની આ એક સ્પોર્ટ્સ હતી. આમાં કંઈ ખોટું પણ હતું નહીં. સ્પોર્ટ્સના બહાને રોજ બહાર જવા મળતું. રમવાની મજા આવતી અને હેલ્થ પણ સારી રહે. ફાયદા જ ફાયદા હતા. બસ એક પ્રોબ્લેમ હતો સવારે 6 વાગ્યે તો તૈયાર થઈ મેદાનમાં પહોંચી જવુ પડતું. એમાં પણ હોસ્ટેલથી દુર એટલે ચાલીને આવવાનું જવાનું અને પાછા આવીયે ત્યાં તો 9 વાગી જાય એટલે પહેલો લેકચર રોજ છૂટી જાય. પણ આપણને બહુ મજા આવતી.’
“એમાં શેની મજા? ” ધ્યાન બોલ્યો.
” અરે રખડવાની અને સ્પોર્ટ્સના નામે પહેલા લેકચરમાંથી છુટ્ટી. પછી મજા જ આવે…નહીં…. ” સ્વરૂપ હસતા બોલ્યો
” ના, મને કુદરતી વાતાવરણ બહુ ગમે અને સવારે તો તને ખબર જ છે ગાંધીનગરમાં કેટલી શાંતિ હોય… અમારાં સિવાય રસ્તા પર કોઈ જ ના હોય… હોસ્ટેલમાંથી અમે 5 છોકરીઓ રોજ જતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર 15 માં આવેલુ મેદાન. અમે સાંઈનું ગ્રાઉન્ડ કહેતા. તે તો જોયુ હશે સ્વરૂપ નહીં? “
” હા એક વાર આવેલો અંશની ક્રિકેટ મેચ જોવા. બહુ સરસ જગ્યા છે. “
” મને ગાંધીનગરમાં સૌથી વધારે અહીં ગમતું. બધી જ ગેમના અલગ અલગ ડીપાર્ટમેન્ટ અને દોડવા માટે રનિંગ ટ્રેક, બાસ્કેટબોલના બે મેદાન હતા એકમાં અમે છોકરીઓ અને એકમાં છોકરાઓ પ્રેક્ટિસ કરતા, હોકી, ક્રિકેટ, ખોખો, કબ્બડી, વોલીબોલ, હેન્ડબોલ બધી જ ગેમના અલગ મેદાન. બહુ મોટું ગ્રાઉન્ડ છે. પ્લેયર જે દૂરથી આવ્યા હોય તેમના માટે રહેવા અંદર હોસ્ટેલ પણ છે, સ્પેશિયલ કોચ અને ગેસ્ટ માટે અલગ બિલ્ડીંગ પણ છે. હોસ્ટેલમાં રહેતા છોકરા આખો દિવસ પ્રેકટીસ કરતા. અમારાં સર અમને બાસ્કેટબોલ શીખવવા રોજ આવતા. અમારી સાથે એ પણ રમતા. અમે શીખવા સાથે મજા પણ કરતા. અહીં બહુ બધા વૃક્ષો છે, અને એક ગણપતિબાપાનું મંદિર પણ. અહીં આવી રોજ દિલ ખુશ થઈ જતું. બધા વેહલા ઉઠી જુદી જુદી રમતો ઉત્સાહ સાથે રમતા હોય. એ બધાને જોઈને જુસ્સો આવી જાય. કંઈક કરી છૂટવાનો જોસ આવતો.
મેદાનમાંથી સીધા અમે હોસ્ટેલમાં કપડાં ચેન્જ કરી કોલેજ જતા. મૂડ ફ્રેશ હોય તો ભણવામાં પણ સારું ધ્યાન રહેતું. “
“ગમતું કામ હોય એટલે મજા આવે બાકી આપણાને ના ગમે આ બધું. આપણે તો લેકચર ભરી સીધા ઘેર “
” હા, તારું મોટા ભાગનું ધ્યાન તો અનેરીમાં જ રહેતું, બરાબર ને? “
” અરે પણ અનેરી આવતી જ એવી તૈયાર થઈને, જયારે કોઈ મિસ વર્ડની હરીફાઈમાં ના આવી હોય. આપણને તો પહેલીવાર જોઈ ત્યારે જ ગમી ગયેલી.
અને આપણે એની પાછળ લટટુ થઈને ફરતા. ક્યારે અનુ સાથે વાત કરવાનો મોકો મળે અને કેવી રીતે ઈમ્પ્રેસ કરાય એની તલાસમાં જ હોઉં. ભણવાનું ગયું તેલ પીવા. આવી ગર્લ ફ્રેન્ડ હોય તો કોલેજમાં વટ પડી જાય બાકી…”
” બસ આ જ કર્યું. એટલે જ કેટી આવતી “
” કેટી માટે તો તું હતી, કોલેજ ટોપર…. તારી મદદથી પાસ થઈ જવાશે એ મને ખબર હતી, પણ અનેરી મારી બને તો તારી પાસેથી મટેરીઅલ લેવું સહેલું થઈ જાય. જો અનુ મારી ના થાય તો આપણું તો બેય બગડે.
તું હોય ત્યારે અનુને બોલવવાની હિમ્મત ના થતી. તમે તો નિયમોનું ચુસ્ત પાલન કરવાવાળા. સાચું કહું તો તારાથી ડર લાગતો. તું તારા એટ્ટીટ્યૂડમાં જ હોતી. પણ હવે ખબર પડી ‘શાંત પાણી ઊંડા હોય”.
” મતલબ? “
” એમ જ કે તું અંદરથી તો અમારા જેવી જ છું. પણ તમે સ્પોર્ટ્સમાં જતા એનો ફાયદો હું ઉઠાવતો. દેખાવમાં તો હીરો લગતો જ અને સ્માર્ટ પણ હતો. છોકરી પટાવવા એટલું કાફી હતું. કોલેજમાં બહુ છોકરીઓ પાછળ ફરતી, પણ આપણે તો આપણને ભાવ ના આપતી અનુ અને તમારું સંસ્કારી ગ્રુપ બહુ ગમ્યું. કોઈને બોય ફ્રેન્ડ જ નહીં.”
“અને કરી બાતવ્યુ નહીં !”.
” હા જોને, તારી સામે જ છું. ફ્રેન્ડ નહીં પત્ની બનાવી દીધી. ” ગર્વ સાથે હસતા સ્વરૂપ બોલ્યો.
” માહી ના લીધે, બાકી તારાથી તો શેકેલો પાપડ પણ ના ભગાય. સમજ્યો…. “
” જે હોય એ પણ અનેરી મારી છે અત્યારે એજ મહત્વનું છે “
” હા ભાઈ હા તારી…. નહીં કોઈ ચોરી જઈએ. “
અમારી વાતો સાંભળી ધ્યાન હસી રહ્યો હતો.
ક્રમશ: