આશ્રવીને વિચારોમાં જોઈ ધ્યાન બોલ્યો ” તારા લગ્ન કેવી રીતે થયા એ તો કે? “
” હું કહું એ? ” સ્વરૂપ બોલ્યો
” હા…. બોલ. મારે તો બસ જાણવું છે આશુને તકલીફ શું છે? “
” અમારા કોલેજ સમયે આશ્રવી અનુના ઘેર ધણીવાર ગયેલી. તો બધા એને ઓળખતા થઈ ગયેલા. અનુ પણ આશ્રવીના ઘેર જતી. બન્ને કુટુંબ વચ્ચે બહુ સારો એવો પરિચય થઈ ગયેલો.
અનુએ જ તેના પપ્પાને કીધેલું “પપ્પા આપણે આશ્રવીને કાયમ માટે આપણી બનાવી લઈએ તો? “
“હું કંઈ સમજ્યો નહીં ‘ પપ્પા એ વખતે કંઈ જ સમજ્યા નહીં.”
“પપ્પા આશુ તમને ગમે છે એમ કો? “
“હા બહુ ડાઈ દિકરી છે જે ઘરમાં જશે તે ઘરને તારી દેશે. બહુ સંસ્કારી છોકરી છે.
એક દીકરો એક જ કુટુંબ તારે પણ એક દીકરી ત્રણ કુટુંબ તારે. મોસાળ પક્ષ, પિયર પક્ષ અને સાસરી પક્ષ.”
” તો એને….આપણા જ ઘરની વહુ બનાવી દો. મારાં ભઈલાની જોડી આશુ સાથે બહુ મસ્ત લાગશે. આશુના પપ્પા એના માટે છોકરો શોધે જ છે “.
” મને તો ક્યારેય આવો વિચાર જ આવ્યો નથી !. આપણે પણ કેયુર માટે સારી છોકરી શોધીએ જ છીયે. અને આતો જાણી જોયેલું એટલે ચિંતા પણ નહીં.”
પછી તો અનુના મમ્મી પપ્પા ગુંજારમાં રહેતા તેમના સબંધીને ત્યાં ગયા અને રૂબરૂ આશુના પપ્પા સાથે વાત કરી.
એક દિકરીના બાપને શું જોઈએ?… એની દિકરીને યોગ્ય છોકરો.. જે તેને પ્રેમ કરે, અને કાયમ તેને ખુશ રાખે એવો પરિવાર મળે એટલે ઘણું. કેયુરમાં એમને ગમતા બધા ગુણો હતા. કેયુર દેખાવે તો જોતા જ ગમી જાય એવો સુંદર હતો જ, સાથે સંસ્કારી પણ હતો. સારી એવી કંપનીમાં એન્જીનીયરની જોબ હતી. સાથે બાપ દાદાની ગામડે જમીન, મકાન અને અમદાવાદમાં પણ પોતાનું ટેનામેન્ટ હતું. આટલો સુખી પરિવાર મળે…. અને કોઈ પાગલ જ બાપ હોય જે…. લક્ષ્મી ચાંલ્લો કરવા આવેને મોઢું ધોવા જાય, આશુના પપ્પાએ તો ખુશી સાથે મનો મન વધાવી લીધું. પછી નક્કી થયું છોકરા એકબીજાને પસંદ કરે પછી વાત આગળ વધારીએ.
પછી તો આશ્રવી અને કેયુરની મુલાકાત કરાવવામાં આવી. બન્ને તો એકબીજાના પ્રેમમાં હતા જ, પણ બન્ને કુટુંબને ક્યા ખબર હતી. મુલાકાત પછી બન્ને એકબીજાને પસંદ છે એવું કુટુંબને કહ્યું. તો શુભ કામમાં દેર શેની… ગોળ ધાણા ખાઈ સબંધ પાક્કો થયો.
એમ પણ હવે આશ્રવીના કૉલેજનું ત્રીજું વર્ષ પૂરું થવા આવ્યું હતું અને રાજેશભાઈ હવે તેને અમદાવાદમાં આગળનું ભણાવવા માંગતા હતા તો વિચાર્યું અનુ સાથે આશુ પણ એના ઘેર રહીને ભણી જ શકે, હોસ્ટેલમાં જવાની શી જરૂર છે?. આ વાત અશોકભાઈને કરી. ક્યાં એવા બાપ હોય જેને વહુ લાવવાની ઉતાવળ ના હોય. બન્ને વેવાઈ વિચાર કરી પહેલું સારું મુરત જોઈ લગ્નની તારીખ નક્કી કરી દીધી… એટલે એવું કહી શકાય ‘ઝટ મન્ગની પટ વિવાહ’ થઈ ગયા.
” કેયુર અને આશ્રવીની જોડી જયારે ઉપરથી કોઈ દેવે બનાવી હોય એટલી સરસ લાગતી. જોતા જ લોકોના મોંમાંથી નીકળી જતું વાહ શુ જોડી છે! બન્નેના સ્વભાવ અને શોખ પણ સરખા. કોલેજનું રિઝલ્ટ આવ્યું. કેયુરે અનુ સાથે આશ્રવીનું પણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન કરાવી આપ્યું. બન્નેને બસમાં આવવું જવુ પડતું તો કેયુરે એક્ટિવા પણ લાવી આપેલી. કેયુર બહુ ધ્યાન રાખતો બન્નેનું. અને બન્ને એકબીજા સાથે ખુશ પણ બહુ હતા.
આશ્રવી ભણતી પણ પહેલા ઘર સાચવતી. એક આદર્શ ગૃહિણીની જેમ સાસુ સસરા, કેયુર અને અનુનું ધ્યાન રાખતી. એનો આ સ્વભાવ કેયુરને બહુ ગમતો. ઘરના પણ બધા અનુની જેમ જ આશુને પણ રાખતા. બન્ને દિકરીની જેમ જ રહેતા. કેયુર પણ આશ્રવીને ખુશ રાખવામાં કોઈ જ કચાસ ના રાખે. એમની ખુશ લાઈફ જોઈએ તો આપણને ઈર્ષા થઈ જાય…’ સાલું જીંદગી તો આ લોકો જ જીવે છે આપણને તો જીવતા પણ નથી આવડતું ‘ અને સાચું કહું તો…. મારી જ નજર લાગી ગઈ આ ખુશ કપલને. ” દુઃખ વ્યક્ત કરતો હોય એમ સ્વરૂપ બોલ્યો.
” એમાં તમારો શુ વાંક? “
” બધી મુસીબતનું જડ હું જ છું, બાકી આશ્રવીની હાલત આવી ના હોત. “
ત્યાં આશ્રવીનો ફોન રણકયો… મેરે પાપા મેરે પાપા… બન્ને સમજી ગયા આશુના પપ્પા છે અને ક્યાં છે એ પૂછશે હવે.
” ઘેર પહોંચી કે નહીં? “
” પપ્પા પહોંચીને ફોન કરીશ.”
” હજુ નીકળી નથી એમને ? “
” મારી મારાં સાસુ સાથે વાત થઈ ગઈ છે અમને કીધું કે શાંતિથી આવજે “
“ભલે…એ તો કે…. પણ હું કહું છું તને જા હવે બહુ થયું, ઘેર જતી રહે. એમને એમની અનુની ચિંતા હોય પણ મારે તારું જોવાનું હોયને.? એકવાર તો લોકોના ઘર કરવા જતા તારું તૂટતાં રહી ગયું ભૂલી ગઈ. હવે કોઈ નહીં રોકી શકે”
” શુ પપ્પા તમેય… ખોટી ચિંતા ના કરો. ભગવાન જે કરે તે સારા માટે જ કરે. તમે જમ્યા? “
“હા જમ્યો. પણ તું એમ કે ક્યારે ઘેર જાય છે.? “
” અનુ એમને નવું ઘર રાખ્યું છે ત્યાં જઈ અનુને મળી પછી જઈશ”
” મતલબ સાંજ પાક્કી નહીં..?? “
” જો પપ્પા તમેય કેયુર જેવું ના કરો. જીવવા દો મને “
“અરે તારી જિંદગીમાં આવતું વાવાઝોડું મને દેખાય છે. સમજી જા બેટા…. “
” હવે નહીં પપ્પા. જે થવું હોય એ થાય. “
” હા.. સારું બાપા… તને ગમે તે કર, બસ. હું હંમેશા તારી સાથે જ છું. “
” મને ખબર જ છે મારાં પપ્પા ક્યારેય મારો સાથ ના છોડે. આઈ લવ યુ પપ્પા. તમારી સાથે વાત કરું એટલે એમ થાય તમે છો બસ, મારે હવે કોઈની જરૂર નથી.”
” ગાંડી તારા પપ્પા તને એકલી મુકતા હશે. ભલે શરીરથી અહીં છું પણ મારું દિલ અને આશીર્વાદ તારી સાથે જ છે તું ખુશ તો અમેય ખુશ. જા જીવીલે તારી જીંદગી. “
“થૅન્ક યુ પપ્પા…આઈ લવ યુ સો….મચ….. ” ખુશી સાથે આશ્રવી બોલી.
” સારું પહોંચીને ફોન કરજે. જય માતાજી. “
” પાક્કું પપ્પા જય માતાજી. ” કહી આશ્રવી ફોન મુક્યો. પણ એની આખોમાં એક નવો જુસ્સો દેખાયો. એના પપ્પાનો સહારો છે એ એકલી નથી, એની ખુશી હતી.
ઘણીવાર માણસને પરિસ્થિતિ નહીં પણ એની એકલતા હરાવી દે છે. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ જો કોઈ પોતાનું આવી હિમ્મત આપે એવા બે શબ્દો કહી દે…. તું ચિંતા ના કર હું છું ને !, જોઈ લઈશુ જે થાયએ. જે થાય યે સારા માટે જ થાય છે. તો માણસ લડ્યા વગર જ અડધી બાજી જીતી જાય. આશ્રવીને પણ તેના પપ્પાના શબ્દો જિંદગીમાં એક નવો રાહ આપી ગયા.
ક્રમશ :