પપ્પા સાથે વાત કર્યા પછી આશ્રવીનું મૂડ બદલાઈ ગયું હતું. રીક્ષા તેની ઝડપે આગળ વધી રહી હતી, જોત જોતામાં ભાગવતનું મંદિર આવી ગયું.
” ચલો મંદિરે દર્શન કરતા જઈએ” આશ્રવી બોલી.
” ના યાર પછી ક્યારેક જઈશું.”
” નાસ્તિક જ રેવાનો તું. ચાલ ધ્યાન આપણે બે જઈ આવીયે. પછી કોને ખબર ક્યારે આવશું અહીં. “
” બપોરે ભગવાન સૂઇ ગયા હોય, તું જાગે એટલે બીજાને સુવા નહીં દેવાના? …. હું તારા જેવો સ્વાર્થી નથી.”
” જો…. ભગવાન કયારેય સુતા નથી. આતો લોકોએ પોતાની સગવડ પ્રમાણે નિયમો બનાવી દીધા છે. ભગવાનનું દ્વાર હંમેશા ખુલ્લું જ હોય છે.”
” અરે તારી વાત સાચી પણ આપણે પછી મોડું થશે… ” સમજાવવાની કોશિશ કરતા ધ્યાન બોલ્યો.
” તું કહે એટલે જવા દઉં બાકી આ તો નાસ્તિક જ છે… મંદિરથી તો દૂર જ ભાગે, ખબર નહીં શુ દુશ્મની છે ઉપરવાળા જોડે? “
” મારી દુશ્મની બહુ જૂની છે એની સાથે. એનું મેં બગાડ્યું અને સજા તને કેમ? “
” જો કરેલા કર્મો આપણે ભોગવવા જ પડે…. હું મારાં કોઈ આગળના જન્મના કર્મો ભોગવતી હશુ…..ભગવાન ઉપર મને પૂરો વિશ્વાસ છે ‘ એના ઘેર દેર છે અંધેર નહીં ‘
તું પણ આ વાત સ્વીકારી લે તારો કોઈ જ વાંક નથી. શુ કરવા તે નથી કર્યું એની સજા તારી જાતને આપે છે? “
” તું બહુ માયાળુ છે એટલે બાકી પ્રેકટીકલી વિચાર તો હું જ ગુનેગાર છું….જો ધ્યાન પુરી વાત કરું સાંભળી પછી તું જ કહે કોનો વાંક છે… બરાબર. “
વાતો કરતા ગોતા આવી ગયું રીક્ષાવાળા એ પુછ્યું “અહીં ઉતરવાનું છે કે હજુ આગળ જવાનું છે. “
” ચાંદલોડિયા તળાવ લઇલે ” કહી સ્વરૂપે વાત આગળ વધારી.
જો સંભાળ આ લોકોએ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું એટલે આપણે પણ અનુની પાછળ આવી ગયા. ગાંધીનગરથી અમદાવાદનું અપડાઉન થોડો ટાઈમ કર્યું પણ પછી થાકતો એટલે અહીં પીજીમાં રહેવા આવી ગયો. અહીં એમ.કોમ સાથે આઈ.સી.ડબ્લ્યૂ.એ.ના ક્લાસ જૉઇન કરી લીધા.
કોલેજ તો આમને મળવા સિવાય જતો નહીં. બાકી બધો સમય વાંચવામાં જ જતો. હું જાણતો હતો, જો સારી જોબ હશે તો કેયુર મને અનુ માટે પસંદ કરશે…..બાકી તો બહુ ઓછા ચાન્સ હતા. અમારો સમાજ જુદો હતો. અમારાં પ્રેમ વચ્ચે સમાજ નામની દીવાલ હતી. આશુ અને કેયુરતો એક સમાજના હતા તો કોઈ પ્રોબ્લેમ વગર જ મરેજ કરી લીધા. હવે વારો મારો હતો કંઈક કરી બતાવાનો… પણ કેવી રીતે અને શું? હું બહુ મૂંઝવણમાં રહેતો. વાંચવાનું વધી ગયેલું…જોબની ચિંતા અને અનુના ઘરનાને કેવી રીતે વાત કરવી એની ચિંતા….દિવસો જતા મારી ચિંતા મારાં શરીર પર દેખવા લાગી.”
” અરે ધ્યાન પણ કેટલી ચિંતા કરતો કે બેવાર તો હોસ્પિટલમાં એડમિટ કરવો પડેલો અને શરીર પર ધ્યાન ના આપે… દિવસો જતા સુકાઈ રહ્યો હતો અને આ બાજુ એને જોઈ અનેરી રોતી રહેતી. મારે શુ કરવું એની મને કંઈ જ ખબર પડતી નહોતી. અનુના લીધે હું અત્યારે અહીં છું. મારે કંઈક કરવું જોઈએ, છ મહિના એમ પણ જતા રહેલા. પણ શું…???
ઘણું વિચાર્યું પછી મેં નક્કી કર્યું હવે કેયુરને બતાવી દેવું જોઈયે. પણ હિમ્મત થઈ નહીં.. તો મેં આડી રીતે જ વાત કરેલી… મને એમ કે કેયુર મારી વાત સમજ છે.”
” તમને નથી લાગતું અનેરી માટે હવે છોકરો શોધવો જોઈએ. “
” ના, અત્યારે કોઈ જ ઉતાવળ નથી, એનું ભણવાનું પતે પછી વિચારીયે.. એમ પણ ક્યાં હજુ લગ્નની ઉંમર છે એની… હજુ તો તું જોવે છે રમતમાં જ જાય છે બધું એને તો? ” કેયુર એક ભાઈની નજરે બોલ્યો.
” તમે ભાઈ છો એટલે તમને એવું જ લાગે. સમય સાથે બધું શીખી જાય, મારાં જેવડી જ છે અને હું ક્યાં કંઈ શીખીને આવીતી….માથે પડે એટલે બધું જ શીખી જાય, મને લાગે છે હવે આપણે એની સગાઇ વિશે વિચારવું જોઈએ… “
મારાં સગાઇ શબ્દ પરનો ભાર જોઈ તરત જ એ બોલ્યા ” કંઈ થયું? “
” ના…..એમ જ બસ વિચાર આવ્યો એટલે કહ્યું. સારો છોકરો મળે તો બેસી જવાય..આજ તો એની ઉંમર છે લગ્નની. અને લગ્ન પછી ભણાય જ છે…. મને જ જોઈલો “.
” એ બધું પપ્પા વિચારશે…… .તું તારું ભણવાનું કરને.” કહી વાત બદલતા, કામનું બહાનું કરી બોલ્યા વગર જ જતા રહ્યા.
” હું તો વધારે ચિંતામાં આવી ગઈ હવે શુ થશે???.. કેયુર તો વાત જ સંભાળવા તૈયાર નથી અને સ્વરૂપની વાત તો કેવી રીતે કરાય. પણ મારે તો અનુની ખુશી જોઈતી હતી. “
બીજા દિવસે ઘરે બહુ કામ હતું તો અનેરી એકલી જ કોલેજ ગયેલી. મને એમ કે કાલની વાત કેયુર ભૂલી ગયા છે. પણ હું ખોટી પડી. અનુ તો રોજની જેમ કોલેજ સ્વરૂપને મળવા જ ગયેલી. કેયુરે જ મને કામથી રોકેલી અને અનુને મોકલેલી. કેયુરે એ દિવસે અનેરી જાસૂસી કરવાનું વિચારેલું અને અનેરીને સ્વરૂપ સાથે ગાર્ડનમાં જોઈ. ત્યાથી તો કંઈ જ બોલ્યા વગર અનેરીને ઘેર લઇ આવ્યા. અમે તો કામ કરતા હતા. અચાનક ગુસ્સે થઈને કેયુર આવ્યા.
” આશ્રવી તારી પાસે આવી આશા નહોતી મને. “
” પણ, મેં શુ કર્યું? “
” મારી પીઠ પાછળ અનેરીને ખોટા ધંધા શીખવે છે?…
” પણ, થયું શું એતો કો? “
” અનેરી તો નાની છે પણ તને તો ખબર પડવી જોઈએ… ભાભીની જવાબદારી થોડી નિભાવો મેડમ.”
હવે હું સમજી ગઈ કેયુરને ખબર પડી ગઈ. મેં કેયુરને ક્યારેય આવા સ્વરૂપે જોયા નહોતા… આજે એમનું કંઈક નવું જ રુપ મારી સામે હતું… “પણ હું શું કરું? “
” કેમ શુ કરું એટલે અનેરી પ્રત્યે તારી કોઈ જવાબદારી નથી બનતી? તારા ભરોશે એને કોલેજ મોકલતો એટલે ચિંતા નહોતી પણ તું જ……”
” અરે પણ પુરી વાત તો સાંભળો… “
અમારો ઝગડો જોઈ બાજુમાં અનેરી રડી રહી હતી. મમ્મી પપ્પાને કંઈ ખબર જ ના પડી અત્યારે થઈ શુ રહ્યું હતું.
” મારે કંઈ સાંભળવું નથી.. તું તો મારી સામે આવીશ નહીં. મને તારી પાસે આ અપેક્ષા નહોતી ” ગુસ્સામાં કેયુર શુ બોલી રહ્યા હતા એનું એમને જ ભાન નહતું.
” બસ, બહુ થયું કેયુર. પેલા પુરી વાત સંભાળ પછી બોલ “પપ્પા કેયુર પર ગુસ્સે થઈ બોલ્યા.
હવે હું પણ રડવા જેવી થઈ ગયેલી. કેયુરના પ્રેમ સિવાય ક્યારેય બીજું જોયેલું નહીં આજે અચાનક આ બદલાવે મારી જીંદગીમાં વાવાઝોડું લાવી લીધું. કેયુરનો મારી પર વિશ્વાસ ઉઠી ગયો. પણ એમાં ખોટું શું હતું હું કંઈ સમજી ના શકી. અમારો પણ પ્રેમ જ હતો. હું પણ કોઈની બહેન છું જ… કોઈની છોકરી સાથે એમને કર્યો એ પ્રેમ અને પોતાની બહેન સાથે કોઈ બીજાને જુએ એટલે એ છોકરો લફડાબાજ… આ વિચાર મને કેયુરનો જરાય ના ગમ્યો. એટલે મેં પણ નક્કી કર્યું જે થવું હોયએ થાય આપણે અનેરીનો જ સાથે આપવો.
ક્રમશ :