આશ્રવી અને ધ્યાન જયારે અત્યારે સ્કૂલમાં જ ભણે છે એવી રીતે વાતો કરતા ખોવાઈ ગયા. બન્ને તેમને સાથે જીવેલી દરેક હસી મજાકની વાતો યાદ કરતા ખુશ હતા.
મકરંદ દવે એ કહ્યું છે કે.
” ગમતું મળે અલ્યા ગુંજે ના ભરીયે,
ગમતાનો કરીયે ગુલાલ. “
આ પંક્તિ અત્યારે જાણે બન્ને સાર્થક કરી રહ્યા હતા. બન્નેએ જે મોજ મજા સાથે બાળપણ વીતાવેલું એ પળોનો જયારે ગુલાલ કરીને એકબીજાના મોં પર છાંટી રહ્યા હતા.
” નાનકડું પણ બહુ ધાર્મિક એવું પોતાનું પ્યારું ગામ ” ગામનાં લોકો ધાર્મિક ઘણા પણ કહી શકાય એવા જુનવાણી. દુનિયા એકવીસમી સદીમાં જીવે ત્યારે ગામ લોકો સત્તરમી સદીમાં હજુ પહોંચ્યા હતા, આવું કહીયે તો ખોટું નથી. ધાર્મિક હોવું એ સૌથી સારી વસ્તુ છે પણ અંધશ્રદ્ધામાં માનવું એ બહુ ખોટી વાત છે.
ગામમાં ધોરણ 7 સુધીની જ શાળા હતી આગળ ભણાવા માટે બાળકોને બાજુના ગામમાં કે પછી હોસ્ટેલમાં જવું પડતું. ધ્યાન અને આશ્રવી 7 સુધી સાથે ભણેલા પછી બન્ને હોસ્ટેલમાં જ ભણેલા. નાનકડી એવી ગામડાની શાળા જ્યાં ગામનાં બાળકો 11 થી 5 સુધીના દિવસના સમયે ભણતા. ખેડૂતનું ગામ તો મોટા ભાગનો સમય બાળકોના માબાપ તો ખેતર જ હોય. બાળકો ક્યારે શાળાએ જાય, ક્યારે પાછા આવે એની કોઈ જ ચિંતા કે પરવા ના હોય. બધા બાળકો શિક્ષકના ભરોશે જ હોય, પણ શાળાના શિક્ષક બહુ માયાળુ, એમના બાળકોની જેમ જ સાચવે. એક દિવસની રજા પડે તો શિક્ષક બીજા દિવસે ઘેર પહોંચી જ ગયા હોય. બાળકોને ના ગમે પણ તેમના માટે જ આ બધું હતું. એની અમને ક્યાં સમજ હતી? નસીબદાર હતા એ બાળકો જેમને ગુરુ કહી શકાય એવા શિક્ષક મળ્યા. બાકી અત્યારે તો શાળા એક પૈસા કમાવવાનું સાધન બની ગઈ છે. જે બાળકોને માત્ર હરીફાઈ જ શીખવે…. બસ, માર્ક્સ વધારે કેવી રીતે લાવવા. શાળાઓમાં જિંદગીનાં મૂલ્યો, આદર્શ કે સંસ્કાર નામના ગુણોનું સિંચન જ ક્યાંય નથી દેખાતું.
આશ્રવી કંઈક વિચાર કરતા બોલી..” ધ્યાન મને નાના બાળકોને જોઈ બહુ દુઃખ થાય છે બિચારા હજુ સરખું ચાલતા જ નથી શીખ્યા હોતા અને k. g. 1/2.. અરે બાળક 12માં ધોરણમાં આવતા તો થાકી જ જાયને? છોકરાનાં વજન કરતા તો એના દફતરનું વજન વધારે હોય છે.. “
“તારી વાત સાચી છે.. અત્યારે શાળાઓમાં બાળકોને સરકસનાં સિંહની જેમ ટ્રેનિંગ આવવામાં આવે છે, પણ બાળકોને જંગલનાં સિંહો બનાવવા જોઈએ.. હું તો એવું માનું કે બાળકને એની રીતે જ થોડા વિકસવા દેવા જોઈએ.. હા, આકાર આપવો જરૂરી છે પણ એની સ્વત્રંતા ખોરવાય નહીં એવી રીતે.. ડરાવી, ધમકાવીને નહીં..” ધ્યાન ગંભીર થઈ બોલ્યો.
“ધ્યાન આપણે બહુ નસીબદાર હતા કે આપણું બાળપણ આટલું સરસ હતું. નિશાળ જઈને જાતે વર્ગ સાફ કરતા અને એમાં પણ ઝગડતા, કાલે મેં વાર્યો તો આજે હું નહીં કરું… અને પછી સાહેબે વારા કરેલા, પણ કામ કરવાની બહુ મજા આવતી.”
“અરે બહુ મજા આવતી યાર… અમારે હતા જ ને વારા, નિશાળનાં મેદાનની સફાઈ અને બધા જ ઝાડને પાણી પીવડાવવાનાં.. હું તો કાયમ ઝાડને પાણી પીવડાવતા નિત્યાને પલાળતો અને એ મને. અમે તો રોજ હોડી રમતા…” હસતા ધ્યાન બોલ્યો.. “બહુ મજા કરેલી.. અને મારો વાવેલો લીમડાનો છોડ જે અત્યારે તો મોટુ વૃક્ષ બની ગયો છે. અત્યારે પણ જાઉં એટલે એક ડોલ તો પાણી પીવડાવી જ આવું. તેનો છાંયો બહુ મીઠો લાગે છે”
નિત્યા નું નામ સંભાળતા જ આશ્રવી ને કંઈ યાદ આવ્યું હોય એમ અધીરાઈથી બોલી “અરે તું કેતો ખરો આ નીતિન 25000 ની નોકરી છોડી કેમ ગામડે આવી ગયો? “
કંઈક આશ્ચર્યના ભાવથી આશ્રવી ધ્યાન સામે જોઈ રહી.
” અરે હા, એ તો વાતોમાં ભૂલી જ ગયો. ચસમિસ તને હજુ પણ મને મળે એટલીવાર નિત્યો યાદ કરે છે .. ” મસ્કરી કરતા ધ્યાન બોલ્યો.
“ધ્યાન જેટલું પૂછું એનો જ જવાબ આપ, આડી અવળી વાતો નહીં હો… “ગુસ્સો કરતા આશ્રવી બોલી.
“ok મારી માં ગુસ્સો ના કરીશ, મને તારો ડર લાગે છે, ક્યાંક ગુસ્સેથી તું બસમાંથી કૂદી જાય તો…….? મારે તો લેવાદેવા વગરની નામોશી આવી જાય. આશુનું કંઈ કેવાય નહીં બાપા. ગુસ્સે થાય એટલે ‘વિફરેલી વાઘરણ બની જાય’ તો મારે ચાલુ બસે ક્યાં ભાગવું ?” આશ્રવીને પરેશાન કરવાનાં ઇરાદે ધ્યાન બોલ્યો.
“તો પછી વાઘરણ સાથે બેઠો છે શુ કરવા? ઉભો થા ચાલ અહીંથી, નથી બેસવું તારા જેવા નાલાયક સાથે” મોં ફુલાવતા આશ્રવી બોલી.
“અરે યાર… મેડમ તો રિસાઈ ગયા હવે! મને તો બસમાંથી જ ઉતારી દેસે કે શુ? મારું શુ થશે? હું અધવચ્ચેથી હવે ક્યાં જઈશ, હે પ્રભુ બચાવી લે મને.. ” ધ્યાન ડરેલા મોંનું નાટક કરતા બોલ્યો.
“ખબર છે મને તને નાટક કરતા સારું આવડે છે. હું શું અલીગઠ થી આવી શું? કે તારા નખરા ના ઓળખું. એક કામ કરને કોઈ નાટક કંપની જ જૉઇન કરીલે જ્યાં જોકરની જરૂર હોય.. તું એ રોલમાં સેટ થઈ જ જઈશ. “
“અરે એમાં ક્યાં નોકરીની જરૂર છે? હું જોકર બની તને એન્ટરટેઇન કરીશ… ચલ જા ફ્રીમાં… બસ ખુશ. “
“તું કાયમ મને હેરાન કરે છે ને અને પાછો હસાવવાની વાતો કરે છે! તારે શુ કરવું છે એ પેલા નક્કી કર, મને હેરાન કે ખુશ “મોં મચકોડી આશ્રવી બોલી.
“હા ભાઈ હા હવે.. તને નહીં કરું તો બીજા કોને હેરાન કરું પાછળવાળા માસીને?”
“મને લાગે છે ઘણા વર્ષથી કોઈ મળ્યું નથી જેનો ટાંગો ખેંચાય… એટલે બધી ભરપાઈ મારે કરવાની? “
“ના, ના… તારે શુ કરવા ભરપાઈ કરવાની, મને બધું જ વશુલ કરતા આવડે છે. ડોન્ટ વરી. “
“હા એતો દેખાય જ છે તારું જોકર જેવું મોઢું જોઈ “
“અરે પાગલ આ મોઢા પર કોલજમાં કેટલી છોકરીયો મરતી હતી તને શુ ખબર? “
“હસે કોઈ બુધ્ધિ વગરની જેને આવો જોકર ગમે…. બાકી હું તો ક્યારેય તારા જેવા જોકરને ના ગમાડું. તારા જેવા તો કેટલાય આવ્યા ને ગયા તને શુ ખબર? “
“તને ક્યાં ખબર પડે જ છે હીરો શેને કેવાય…. ડફોળ? એટલે જ પેલા ડફોળ કેયુરયા સાથે પરણી, નઈતર મારાં જેવા સ્માર્ટ, હેન્ડસમ અને હીરો જેવા છોકરાનેના પરણત!”
“એ જો ધ્યાન કેયુરને કંઈ નહીં કેવાનું, જેવા છે એવા મારા માટે તો મારાં પપ્પા પછી એ જ હીરો છે.. સમજ્યો….”
“અને હું આટલી મેહનત કરી તને મળવા આવ્યો તો યે હું જોકર… બસ! આટલી જ વેલ્યુ મારી? “
“અરે મજાક કરું છું તારા જેવો મિત્ર તો ‘દિવો લઈને શોધવા જવું તોય ના મળે’ પાગલ ક્યાંની વાત ક્યાં લઈને ગયો.”
“હું લઈ ગયો કે તું? “
“હું નહીં તું પેલા નીતિનના લીધે.”
“હા પણ સાચું જ કહું છું, મને નિત્યો મળે એટલીવાર તારી ખબર પૂછે જ છે…. પણ મને ક્યાં કંઈ ખબર હોય છે તારી?… આ તો આજે ભૂલથી ભેટો થઈ ગયો, બાકી આપણે કેટલા વર્ષે મળ્યા. તારા લગ્નના બે દિવસ પેલા મળ્યાતા તો છેક બે વર્ષે આજે મળ્યા. “
ક્રમશ :