બસ જેમ નજીક આવતી ગઈ તેમ અંદરથી તો ધ્યાનનું દિલ હિલોળે ચડી ગયું. કેટલા વર્ષે આજ હું આશ્રવી સાથે સમય વીતાવીશ. શાળામાં હતા ત્યારે તો હાથ પકડીને જ રમતા હતા પણ ત્યારે કોઈ જ બંધન હતું નહીં. હવે બન્ને યુવાનીમાં પ્રવેશી ચુક્યા હતા તો દુનિયા દોસ્તીને કોઈ બીજું નામ ના આપીદે એ વિચારે બન્ને વચ્ચે ઔપચારિક એક કુટુંબના ભાઈ બહેન તરીકે જ વાતચિત થતી. ધ્યાન અને આશ્રવી એક જ કુટુંબના હતા તો સંબંધે ભાઈ બહેન થતા. એક વડલાની જુદી જુદી ડાળીના પાન હોય પણ મૂળ તો એકજ હોય, એમ બન્નેના પરદાદા ભાઈ હતા. પણ બન્ને કુટુંબ વચ્ચે વર્ષોથી જુના કોઈ ઝગડાંના કારણે અબોલા ચાલ્યા આવતા હતા.
ધ્યાન બસને નજીક આવેલી જોઈ, તરત જ બધા વિચારો પડતા મૂકી, જેમ એક કોલજીયન વેકેશન પૂરું થતા જે ઉત્સાહે તેની ગર્લ ફ્રેન્ડને મળવા અધીરો હોય એની માફક ઉતાવળે બસના પગથિયાં ચડી ગયો.
બસમાં ચડીને ધ્યાન કંઈક ખોવાઈ ગયેલી વસ્તુ શોધતો હોય એમ ચારેબાજુ ડાફેડા મારવા લાગ્યો. ત્યાં તેની નજર આગળની બીજી સીટ પર બેઠેલી આશ્રવી પર પડી. ધ્યાનની રહેવાયું નહીં, તરત આશ્રવીની પાસે જઈને બોલ્યો..”શુ યાર તારી સાથે આવવું હતું મારે અને તે મારી રાહ પણ ના જોઈ ચસમિસ?”
આશ્રવી કાને ચસમિસ શબ્દ પડતા જ સમજી ગઈ ધ્યાન જ હોય કારણ કે ધ્યાન જ એક એવો વ્યક્તિ હતો જે આશ્રવીને ચસમિસ કહીને બોલાવતો. પાછળ જોયુ તો ધ્યાન જ હતો. આશ્રવી આશ્ચર્ય સાથે ધ્યાનને જોઈને બોલી, ” તું?…. અહીં કેવી રીતે પહોંચ્યો? તું તો બસ ચુકી ગયો હતો ને! એટલે તો મારે એકલીએ જ બસમાં બેસી જવું પડ્યું.”
“જા જા હવે બહાના રેવા દે હો, મારી સાથે જ આવવું હતું તો બસ જવા દેવીતીને..” ધ્યાન મસ્કરી કરતા બોલ્યો.
“પણ એતો કે તું અહીં આવ્યો કેવી રીતે? “
“પેલા તું મને બેસવા જગ્યા તો આપ, જાણે તારા બાપાની ગાડી હોય એમ આખી સીટ રોકીને બેઠી છે. મજા છે બાકી ચસમિસ તારે. હો…” સીટમાં બેસતા ધ્યાન બોલ્યો.
“હા જ તો મારાં બાપા જેવાના ટેક્સથી જ ચાલે છે આ બધું. કનુકાકા બેઠાતા મારી બાજુમાં હાલ જ બસમાંથી ઉતર્યા. તે એમને ઉતારતા જોયા પણ હસે કદાચ, પણ હા જો આંખો ખુલ્લી હોય તો તારી? બાકી ચસમિસ હું છું, ને દેખાય છે તને ઓછું.” ધ્યાનની મજાક ઉડાવતા આશ્રવી બોલી..
“હા મેડમ તમારી વાત થાય. અરે આશ્રવી સાસરું બહુ ફાવી ગયું લાગે છે તને! બહુ જાડી લાગે છે કાંઈ.”
“હા જ તો શોધ્યું કોને? મારાં પપ્પાની પસંદગીમાં કાંઈ ભૂલ થોડી હોય?. આ વખતે તો ગામમાં પણ બધા જ કેતાતા કે હું જાડી થઈશુ. ‘જાડું શરીર તો સુખી ઘરની નિશાની કેવાય’ પણ તારા જેવા સોટીકડા ને શુ ખબર, આ જાડું શરીર બનાવા મોટુ દિલ જોઈએ.”
“હા હવે, પણ સાચું બહુ જ જાડી લાગે છે પેલા સારી લાગતી હતી આના કરતા તો?.” ધ્યાન જયારે આશ્રવી ને જોખતો ના હોય આંખોથી, એમ એકીટશે જોઈને બોલ્યો.
“તારી વાત સાચી પણ કાંઈ કામ હોતું નહીં. તો શુ કરું? બસ, આરામ! અને એમ પણ તને તો ખબર જ છે આપણને કામ ના હોય એટલે બેડ જ દેખાય કુંભકરણની જેમ. તો થઈ ગઈ જાડી.” હસતા ધ્યાન સામે તાલિ પાડવા હાથ લંબાવી આશ્રવી બોલી.
“હા યે તો છે જ ને! મારાથી વધારે તને કોણ ઓળખે ચસમિસ.” આશ્રવીને તાલિ આપતાં ધ્યાન મજાક સાથે બોલ્યો.
“પણ તું એતો કે તું આવ્યો કઈ રીતે અહીં.? “
“હું તો બસ ચુકી ગયો હતો પણ આજે તો સવારથી જ નક્કી કર્યું હતું કે તારી સાથે જ અમદાવાદ જવાનું છે. રસ્તામાં હંસાબાને જોયા ત્યાં જ સમજી ગયો કે ભાઈ બસ ચુકી ગયા આજે, તો નિત્યાને બોલાવી અહીં મુકવા લાવ્યો”.
“નિત્યો! અરે હા એ શુ કરે છે? સાંભળ્યું કે નોકરી છોડી ખેતી કરવા આવી ગયો છે. મારી મમ્મી કેતીતી કે બધા ગામમાં વાતો કરે છે કે એને અત્યારે તો ખેતી કરવાનું ભૂત ઊપડ્યું છે? પણ થોડી કામની સીઝન આવશે અટલે નીકરીયે ઉભી પૂંછડીયે ભાગવાનો છે. આજકાલના છોકરાઓની તાકાત નહીં લોડિંગવાડા કામ કરવાની શુ કહેવું ધ્યાન તારું?”
“તારી વાત સાચી પણ માણસને જો દિલ ના હોય અને પરાણે કામ કરાવો તો જ આ પરિસ્થિતિ ઉભી થાય, બાકી દિલથી કરેલા કામ પાર પડે જ છે. મને જ જોઈલે, તારી સાથે આવવા કેટલા કબાડા કર્યા ને નિત્યા સાથે જૂઠું બોલ્યો એ નફાનું. “
“જૂઠું? શુ કાંઈ થયું? ” આશ્રવી ધ્યાન સામે જોઈ જાણવાની આતુરતા સાથે બોલી.
“નિત્યાનું નામ સાંભળી કેમ આટલી અધીરી થઈ ગઈ ચસમિસ, હેં…હેં…..બોલ, મારાથી કાંઈ નહીં છુપે હો.” આંખનો ઇસારો કરતા ધ્યાન બોલ્યો.
નીતિન ધ્યાનનો એક ગાબડાની ભાષામાં કહીએ તો પાક્કો મિત્ર હતો. નીતિન, ધ્યાન અને આશ્રવી ગામની જ શાળામાં સાથે ભણેલા. ગામમાં નીતિનનું ઘર આ બન્નેના ઘરથી દૂર, પણ નીતિન આખો દિવસ ધ્યાનના ઘરે જ હોય તો આશ્રવી પણ એની સાથે રમતી મોટી થયેલી. ધ્યાન અને આશ્રવી બેય મિત્ર હતા પણ નીતિન આશ્રવી માટે કંઈક અલગ જ લાગણી ધરાવતો.
શાળામાં હતા તો નીતિન હંમેશા સૌથી પહેલા આશ્રવીને જ મહત્વ આપતો, આ વાત એમની સાથે ભણતા બધા જ કલાસમેટ જાણતા પણ કોઈ કાંઈ બોલતું નહીં. આશ્રવી અજાણતા જ મિત્રતાના ભાવે એની સાથે ધ્યાનની જેમ જ રમતી. આ વાત ધ્યાન સારી રીતે જાણતો હતો એકવાર તેને આશ્રવીને પૂછેલું પણ ખરું કે તારા મતે નીતિન કેવો છોકરો છે? ત્યારે આશ્રવીએ જવાબ આપેલો ‘બહુ સારો છોકરો છે અને ભણવામાં પણ બહુ હોશિયાર છે’. બાળ સહજ આપેલો જવાબ હજુ પણ બન્નેને સારી રીતે યાદ છે. નિત્યાની વાત નીકળતા, બન્ને ભૂતકાળની યાદોમાં એવી રીતે સરી પડ્યા કે જયારે હાલ એ જ શાળામાં ઉભા ના હોય અત્યારે….. “ગામની પ્રાથમિક શાળાનું એ આંગણું…… “
ક્રમશ: