” હા, બોલ કેયુર. ” કંઈક ખોટું કર્યાની વેદના સાથે આશ્રવી બોલી. આશ્રવીને જૂઠું બોલવું જરાય પસંદ ન હતું, પણ અત્યારે સાચું બોલવામાં તેનું બહુ મોટું નુકસાન હતું. આશ્રવી ધ્યાન સાથે છે એ જાણી કેયુરનું વર્તન કેવું હશે અને જાણ્યા પછી એ શુ કરશે એનો ડર હતો. કેયુર આમ સારો માણસ પણ ગુસ્સે થાય પછી કોઈનું ના સાંભળે અને આ બાબતે તો કોઈનું ના સાંભળે. આશ્રવીને આ બાબતનો બહુ સારો એવો અનુભવ હતો.
” કેટલે પહોંચી? બસમાં જગ્યા મળી કે નહિં? બહુ ભીડ તો નથી ને? ” એક સાથે સવાલ ઉપર સવાલનો વરસાદ કેયુરે આશ્રવી પર કરી દિધો.
” સાણંદ પહોંચી ગઈ છું અને બસમાં બહુ ભીડ નથી. મને ગામથી જ બેસવા જગ્યા મળી ગઈ હતી. ” આશ્રવી માંડ માંડ આટલુ બોલી.
” તારી બાજુમાં કોઈ છે કે, ભીડ નથી તો અકલી જ બેઠી છે? “
” એમ તો એકલી સીટમાં નથી બેઠી…” આશ્રવી હજુ આટલુ જ બોલી ત્યા..તેને અટકાવી કેયુર બોલ્યો.
” તો કોણ છે? કોઈ પરેશાની તો નથીને? મેં કીધુંતું તને એક દિવસ રોકાઈ જા કાલે હું તને લેવા ગુંજાર આવીશ, પણ મેડમને તો મારું માનવું જ નથી” એકી શ્વાસે કેયુર આટલુ બધું બોલી ગયો.
“મારી બાજુમાં એક માસી બેઠા છે અને ગામથી તો બાજુવાળા કાકા બેઠા હતા.”
ધ્યાન આ બંનેની વાતો બાજુમાં બેઠા સાંભળી રહ્યો હતો. ધ્યાનને આશ્રવીને આવી પરિસ્થિતિમાં ક્યારેય નહોતી જોઈ. આજે એને આશ્રવીનું કંઈક નવું જ રુપ જોયુ. જે આશ્રવી નટખટ હતી, મજાક કરતા થાકતી નહિં, અને જ્ઞાનનો તો ભંડાર હતી. શુ સામે હતી એ એજ હતી કે બીજું કોઈ?
” તો અમદાવાદ પહોંચતા કેટલી વાર લાગશે? ”
” મને ખબર નથી. પણ ઉભા રહો બાજુવાળા માસીને પૂછી જોઉં.”
” જલ્દી કર, મારી મિટિંગ ચાલુ થઈ જાય પછી હું ફોન નહિં ઉપાડું. તને ગીતા મંદિર લેવા આવવી પડશે, કે ઘેર પણ એકલા મેડમ આવી જ જશો “.
” તમે કહો એમ કરું “
” મારું કીધું કરવું જ હતું, તો બસમાં આવી જ ના હોત!”
“હવે શુ કરું એ કો? ” આશ્રવી અકળાઈને બોલી.
” તારે કરવું હોય એ કરજે, હું કંઈ કેવાનો નથી. તું તો બહુ ભણેલી છે ને! આવી જજે જાતે. અને તને ના ફાવે તો પપ્પાને ફોન કરજે લેવા આવી જશે “
” સારું “
” મને ફોન ના કરતી હું મિટિંગમાં છું બરાબર !”
” ok, મુકું ફોન. જય માતાજી. “
આશ્રવી ફોન મૂકી બહાર જ જોતી રહી કંઈ પણ બોલી નહિં. ધ્યાન એમની વાતો સાંભળી બધું જ સમજી ગયો પણ શુ કરી શકે? અત્યાર સુધી જેમની વાતો બંધ નહોતી થતી તેમની વચ્ચે અત્યારે વાવાઝોડું આવ્યા પછીની શાંતિ છવાઈ ગઈ. કોઈ કંઈ બોલ્યું નહિં ને બસ આગળ વધે જતી હતી. બન્ને બચપણ અને ગુંજાર પાછળ છોડી અમદવાદ તરફ આગળ વધી રહ્યા હતા. ધ્યાનને ઘણું પૂછવું હતું પણ આશ્રવી કંઈ બોલવાના મૂડમાં નહોતી.
બસ સરખેજ આવી ઉભી રહી. બસ બહાર જોતી આશ્રવી અચાનક જ ઉતાવળ કરતા બોલી “ચલ ધ્યાન આપણે અહીં ઉતરી જઇયે “.
” પણ આ સ્ટેશન આપણું નથી,તારે કંઈક ભૂલ થતી લાગે છે? “
” ના, કોઈ ભૂલ નથી થઈ. આવવું છે કે હું એકલી જ ઉતરી જાઉં? “
” અરે પણ અહીં? “
” ચાલને યાર. મારાં માટે ” બોલી આશ્રવી ઉતાવળથી નીચે આવી ગઈ.
ધ્યાનને નવાઈ લાગી, અચાનક બદલાવ શેનો હતો?. પણ આશ્રવીને અધવચ્ચે એકલી ના મુકાય વિચારી આશ્રવી પાછળ ઉતરી ગયો.
આશ્રવી ઝડપી ચાર રસ્તા પાર કરી ગઈ જયારે કોઈ બસ ચુકી ના જવાની હોય. ધ્યાન તો જોતો જ રહી ગયો, એ કરે છે શું?…
” અરે સ્વરૂપ તું અહીં? ” આશ્રવી એક છોકરા પાસે જઈને બોલી.
” તું અરે તમે?” સ્વરૂપ બોલ્યો
” અહીં શુ કરે છે? તું તો સુરત રહેતો હતો? “
“અનેરીના ચેકઅપ માટે આવ્યો છું”
” અનેરી! શુ થયું એને? “
” કંઈ નહિં, ખુશ ખબર છે”
” શુ કહ્યું! સાચું…? તો તો બધાને ઘેર આવીને ખુશ ખબર આપ “
” તને તો ખબર જ છે .. ? “
” આ સમાચાર સાંભળી બધી નારાજગી દૂર થઈ જશે.”
” ના યાર હું નહિં આવી શકું”.
” હું છું ને ચાલ યાર મમ્મી તને જોઈને બહુ ખુશ થશે”
ધ્યાનને તો કંઈ જ સમજ ના પડી અહીં શુ થઈ રહ્યું હતું. તેનું મોં જોઈ આશ્રવી બોલી ” આ સ્વરૂપ છે. ધ્યાન અમે કૉલેજમાં સાથે હતા.”
“હેલો સ્વરૂપ હું ધ્યાન. આશ્રવીનો સ્કૂલ ફ્રેન્ડ અને ભાઈ પણ ખરો “
” હા, તમે જ ધ્યાન! આશ્રવીના મોઢે બહુ વાતો સાંભળી છે તમારી.
સામે પિઝાહટ છે ચલો ત્યાં બેસી વાતો કરીયે સાથે નાસ્તો પણ થઈ જાય. આપણે ઘણા ટાઈમે મળ્યા નહિં..આશ્રવી ? “
વધુ આવતા અંકે……