Categories
Short Story

વિધિના લેખ…. !

આકાશમાં વરસાદના કડાકા અને વીજળીના ચમકારા તો હતા જ સાથે પવન પણ જયારે મસ્તીએ ચડ્યો હતો…. કાળા વાદળોથી ઘેરાયેલુ આકાશ જયારે કોઈના શોકમાં બેઠું હોય અને એમાં પણ આ વાવાઝોડું ખરેખર ડરાવણુ દ્રશ્ય ઉભું કરી રહ્યું હતું. હવે એમાં  પણ આ નાનકડા ગામમાં ડોક્ટર ક્યાંથી મળે.?

ગામના જાણીતા સરપંચના નાના ભાઈ રસીકભાઇનો સુખી સંપન્ન પરિવાર… અમીર ઘરમાં ગણાના થાય એટલી જમીન જાયદાદ હતી. પણ અત્યારે એમના રૂપિયા કાંઈ જ કામ આવી રહ્યા ન હતા. રસીકભાઇની પત્ની આનંદીબેનને પ્રસુતિની પીડા ઉપડી.. વાતાવરણ જયારે આ સુખી પરિવારની ખુશી ઉપર નજર બગાડી રહ્યું હતું.. ને યમરાજા તો જયારે તેના દરવાજે રાહ જોઈને જ ઉભા હતા..

આનંદીની પીડા સમય જતા વધી રહી હતી.. બહાર હોસ્પિટલ લઇ જઈ શકાય એવી પરિસ્થિતિ હતી નહીં તો ગામના બે ત્રણ બહેનો આવી આનંદીને પીડામાંથી બહાર લાવવા મથી રહ્યા હતા.  પણ કહેવાય છે ” ધાર્યું ધણીનું ( ઉપરવાળાનું ) જ થાય.. “

આનંદીએ એક દેવસુંદરી જેવી બાળકીને જન્મ આપ્યો પણ સાથે તેનું પ્રાણ પંખી ઉડી ગયું. કોઈને કાંઈ ખબર જ ના પડી આ શું થઈ ગયું ??
” રસીકભાઇ દિકરી જન્મી છે પણ… “
” મારાં ઘેર લક્ષ્મી.. ” પાછળનું વાક્ય સાંભળ્યા પહેલા જ રસીકભાઇ ઝૂમી ઉઠ્યા.

” પણ રસીકભાઇ આ કારમુખી જન્મતાની સાથે જ તેની જનેતા આપણી આનંદીને ભરખી ગઈ… ” રડતા રડતા રમીલાભાભી બોલ્યા.
” શું…?? ”  રસિકભાઈ તો જ્યારે આભ તૂટી પડ્યું હોય એમ જકડાઇ ગયા…

“આનંદી હવે આપણી વચ્ચે નથી રહી… “
આ સંભાળી રસીકભાઇને તો શું કરવું એ જ ખબર ના પડી આંખમાંથી આંસુ સરી પડ્યા… દીકરીના જન્મની ખુશી મનાવું કે આનંદીના જવાનો શોક…. મારી દીકરી માં વગરની થઈ ગઈ બોલતા રસીકભાઇ જયારે જિંદગીની બાજી હારી ગયા હોય એમ જમીન પર પછડાઇ, ચૌધારા આંસુએ રડી પડ્યા. બાજુમાં ઉભેલો 4 વર્ષનો દીકરો આરવ બોલ્યો.. ” પપ્પા તમે રોવોસો શું કરવા… ચલો મારી નાની બેનને રમાડીએ… જુઓ તો ખરા કેટલી મસ્ત નાની નાની છે… તેમના હાથ પકડી બોલ્યો.. “

આરવને ક્યાં ખબર હતી કે ભગવાને બહેન આપી મમ્મીને લઇ લીધી… બન્ને ભાઈ બહેન માં વગરના થઈ ગયા. ગામના ઘણા લોકો આ બાળકીને ધિક્કારવા લાગ્યા… પણ રસીકભાઇએ નક્કી કર્યું… હું આ બન્નેને માં અને બાપ બની મોટા કરીશ.. આનંદીનો અને મારો સાથ આટલો જ હશે. જેવી પ્રભુની ઈચ્છા.. પણ આનંદીની ધરોહર હું સાચવીશ… એની અમાનત આ અમારી ખુશી… અને આનંદીના નામ પરથી દીકરીનું નામ રાખ્યું ખુશી.

રસીકભાઇ બન્ને બાળકોને બહુ લાડકોડથી મોટા કરતા હતા.. પણ સૌ તેમને બીજા લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા… એકલા બે બાળકોની જવાબદારી, ઘર અને ખેતર બધું ના સંભાળી શકાય. હજુ ઉંમર પણ એટલી મોટી નથી કે બીજા લગ્ન ના કરાય. પણ રસીકભાઇ કોઈનું ના સાંભળે..  એમને ડર હતો બીજી આવે ને મારાં બાળકોને ના રાખે તો?… એના કરતા હું એકલો સારો..

ઘરના બધા સમજાવી થાક્યા પછી આનંદીના ભાઈઓએ જ એમની ઓળખીતી એક છોકરી સાથે લગ્ન કરવા રસીકભાઇને પરાણે તૈયાર કર્યા..

“આ સરસ્વતી અમારી જ બેન છે.. અને અમે અમારાં ભાણેજનું ક્યારેય ખોટું ના કરીયે… ક્યારેય આનંદીની ખોટ નહીં વર્તાય, અમને પણ અમારી બેનને ખોયાનું ઘણું દુઃખ છે પણ આ નિર્દોષ બાળકોનો શું વાંક..?  એમને પણ માંનો પ્રેમ મળવો જોઈએ.. ” કહી મામાંએ ભાણેજ માટે એક મમ્મી લાવી આપી..

સરસ્વતીમાં પણ નામ પ્રમાણે જ ગુણ હતા… અહીં તેનું નામ બદલી ગયું… સૌ આનંદી જ કહેતા. સૌને એટલો પ્રેમ કરતી કે ખુશી અને આરવ પણ ભૂલી ગયા કે આ નવી મમ્મી છે. સરસ્વતીને પણ સૌ એમાં પણ ખાસ આનંદીના પિયરવાળા દીકરીની જેમ જ રાખતા.. વાર તહેવારે સરસ્વતીને તો બે પિયરનો પ્રેમ મળતો થઈ ગયો…. સરસ્વતીએ આવતા જ નક્કી કરેલું કે મારે પોતાનું કોઈ બાળક નહીં હોય. ખુશી અને આરવ જ આજથી મારાં બાળકો છે.. તેના આ નિર્ણયથી સૌના દિલમાં બહુ ઊંચું સ્થાન મેળવી લીધું. સરસ્વતીના આવતા રસીકભાઇનો પરિવાર પૂરો થઈ ગયો.. રસીકભાઇ પણ બાળકોની ચિંતાથી મુક્ત થઈ ગયા કારણકે તેમના કરતા પણ વધારે આનંદી બાળકોને સાચવતી.

હર્યો ભર્યા આ પરિવારમાં સૌ મસ્ત જિંદગી જીવતા હતા… જોત જોતામાં બાળકો મોટા થઈ ગયા. આરવ ભણીને ડોક્ટર બની ગયો અને એક સારી છોકરી સાથે મેરેજ કરી અમદાવાદમાં સેટલ પણ થઈ ગયો. બધાને હવે ચિંતા હતી ખુશીની… બહુ લાડકોડથી ઉછેરેલી… ભણવામાં પણ હોશિયાર અને દેખાવે સુંદર તો હતી જ અને એમાં પણ ઉભરતી જવાની….. સ્વર્ગની કોઈ અપ્સરા હોય એટલી સુંદર લાગતી જયારે કામદેવની રતિ જ કામદેવ માટે આવી હોય.! એનામાં આનંદીએ સંસ્કારનું સિંચન પણ બહુ સારું કરેલું…  ગુણ આપવાના થાય તો સો માંથી એકસો એક આપવા પડે એટલી ગુણથી ભરેલી, સુંદર, સુશીલ, સંસ્કારી અને સમજદાર હતી આ ખુશી…! જે હમેશા ખુશ જ રહેતી. ખુશીને લાયક કામદેવ જેવો છોકરો શોધવો ક્યાંથી ??

સમાજમાં ખુશીની બહુ ચર્ચા થતી… રોજ કેટલાય સારા ઘરના છોકરાઓના માંગા આવતા પણ આમને ખુશી કરતા પણ સારો છોકરો શોધવો હતો. બહુ છોકરા જોયા… બધાની ખુશી માટે હા જ આવતી પણ અહીં તો ખુશી માટે રાજકુમારની શોધ થતી હતી..!

ખુશીના મામાં આજે ફરી એક છોકરાની વાત લઈને આવ્યા. સરસ્વતીના ભાઈ ખોટું ના બતાવે તો વિચાર કર્યા પછી એ છોકરાને એમના ઘેર બોલાવ્યો.. બધી ઔપચારીક વાતો થઈ, ખુશી અને મિહિરને એકાંતમાં વાત પણ કરાવવામાં આવી પછી સૌ છુટા પડ્યા.

મામાં બોલ્યા ” બેટા છોકરો કેવો લાગ્યો..?  કોઈ દબાણ નથી ગમે તો જ હા નહિતર ના પાડી દેવાની… તારી ઈચ્છા જ મહત્વની છે. બીજાનું ના વિચાર.. “

ખુશી કાંઈ બોલ્યા વગર જ શરમાઈને ઉભી રહી. પણ આનંદી બોલી ” જો ભાઈ બધું જ સારું છે.. પણ છોકરો ખુશીની બાજુમાં ઉભો રાખું તો ઝાંખો પડી જાય…ના.. આવું ના ચાલે… મારે તો રાજકુમાર શોધવો છે મારી દીકરી માટે… મારી આ સબંધ માટે ના છે… “

આનંદીની ના સાંભળી કોઈ કાંઈ બોલ્યું નહીં, ખુશી પણ નહીં.. કારણ કે બધા જાણતા હતા આનંદીએ જે ખુશી માટે કર્યું છે તે એની ખુદની માં પણ ના કરી શકત… આનંદીને ખુશીની જિંદગીનો નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા હતી. એના નિર્ણય હમેશા ખુશીના ભલા માટે જ હોતા. ખુશી પણ તેની માં કહે તેમ જ કરતી. બન્ને વચ્ચે એક મિત્ર જેવો સબંધ બની ગયેલો તો ખુશીને કઈ બોલવાની જરૂર જ ના પડતી… મમ્મી બધું જ સાંભળી લેતી. ખુશી તેની જાતને નશીબદાર સમજતી કે જેને જનેતાથી પણ અધિક એવી પાલક માં મળી છે.

કહેવાય છે ને દરેકની જોડી વિધાતાએ બનાવીને જ ઉપરથી મોકલી હોય છે. અહીં પણ ખુશીના જીવનસાથી માટેની શોધ ચાલી રહી હતી. આખા સમાજના છોકરા જોઈ વળ્યાં ક્યાંય ખુશીને લાયક છોકરો મળ્યો નહીં. હવે શું? બધાની ચિંતા વધી રહી હતી. દીકરીથી ઉતરતી કક્ષાનો છોકરો ગમતો નહીં અને ચાડિયાતો મળતો નહીં… પણ ક્યાંક તો હશે જ !  બસ શોધવાનો છે… પણ ક્યાંથી?

દરેક સમયનો એક અંત હોય છે… આજે જયારે ખુશીની આતુરતાનો અંત આવવાનો હતો. સવારથી જ સૌ ખુશ હતા. આજે મામાં બીજો એક છોકરો લઈને આવવાના હતા.. અને ફોનમાં પણ કહેલું કે મિહિર કરતા સારો છે નામ મોહિત છે નામ પ્રમાણે દેખાવ પણ છે… મતલબ ખુશીને યોગ્ય છે.

મોહિતને જોતા જ બધા જોતા રહી ગયા, જયારે ખુશી માટે કામદેવ જ પૃથ્વી પર પધાર્યા ના હોય..! બધા મનથી ખુશ થઈ ગયા.. આજે એમની શોધનો અંત આવતો લાગ્યો. દેખાવમાં સુંદર.. ખુશીથી ઊંચો.. ભરાવદાર મજબૂત બંધાનું શરીર, આંખે ચશ્માં જે તેને વધારે શોભતા હતા. મનથી સૌએ આ સબંધ વધાવી લીધો.. વડીલો દ્વારા ઔપચારીક બધી વાતો થઈ… ખુશી અને મોહિતના મન મળ્યા.. અને સગાઇ નક્કી થઈ.

ધામધૂમથી સગાઇ અને પછી છ મહિના બાદ લગ્ન પણ લેવાયા..ખુશી નશીબદાર હતી લગ્નમાં બે મામેરા આવ્યા.. અને બન્ને મામાં જાણે હરીફાઈમાં ઉતરેલા કોણ સૌથી વધારે મામેરું ભરશે? …આનંદીના ભાઈને એમ કે ભાણીને એવું ના થવું જોઈએ કે મારી માં નથી તો મામાં ઓછું લાવ્યા.. જયારે સરસ્વતીના ભાઈને એમ કે ખુશીને એવુ ના લાગે કે નવી મમ્મીના ભાઈ એટલે ઓછું આપ્યું.. બન્ને તેમનો ભાણી પ્રત્યેનો પ્રેમ દર્શાવી રહ્યા હતા. અને ખુશીને તો સોનાથી મઢી દીધી.. નાનકડા ગામમાં વસ્તી સમાતી ન હતી.. આખુ ગામ મામેરું અને જાન જોવા ઉમટી પડ્યું.  ખુશી અને મોહિત જ્યારે એકબીજા માટે જ બન્યા હતા તે એક થઈ ગયા. બન્ને વચ્ચે સમજદારી વધારે હતી. રૂપ કરતા પણ ગુણમાં બન્ને એકબીજાથી ચાડિયાતા હતા. બન્ને એક બીજાનો સાથ મેળવી બહુ ખુશ હતા.

ખુશીના કંકુ પગલાં થતા મોહિતના ઘરમાં પણ જાણે ખુશી ફેલાઈ ગઈ. મોહિતના ભાઈ મિતને સારી કંપનીમાં જોબ મળી ગઈ અને સારી છોકરી સાથે સગાઇ પણ થઈ ગઈ. ખુશીના સાસુ સસરા ખુશીને દીકરીની જેમ જ રાખતા. ખુશી પણ તેમને સાચવવામાં કોઈ જ કસર ના રાખતી. આખા ઘરમા જયારે સુખ જ સુખ આવી ગયું હતું. મિતના લગ્ન લેવાનું નક્કી થયું. હજુ ખુશીને આવ્યે છ જ મહિના થયા હતા પણ એટલી લાડકી બની ગઈ કે લગ્નની બધી વસ્તુની પસંદગી તેની જ રહેતી, તો જવાબદારી અને કામ પણ વધી ગયું. પણ આ કામમાં ખુશીને મજા આવતી જ્યાં તેને પૂછ્યા વગર કાંઈ જ ન થતું. બહુ સરસ રીતે લગ્નની તૈયારી ચાલતી હતી.

પણ કહેવાય છે ” આ સમય પણ નથી રહેવાનો.. ” એમ કાયમ સુખ કે કાયમ દુઃખ પણ નથી ટકતું… ખુશીને ક્યાં ખબર હતી કે તેની જિંદગીનું આ સુખ ક્ષણ ભંગુર હતું.. અચાનક જ તેની જિંદગીની ખુશીને આગ લાગી જશે. પણ અજાણ ખુશી તો ખુશ હતી.

મોહિત અને ખુશી લગ્નની જોરદાર તૈયારી કરી રહ્યા હતા.. રાત્રે લિસ્ટ બનાવતા અને દિવસે ખરીદી કરતા. મમ્મી પપ્પા ખુશ હતા કે તેમનો  દીકરો અને વહુ ઘરની બધી જવાબદારી સંભાળી રહ્યા હતા.

એક દિવસ રાત્રે ખુશી અને મોહિતે નક્કી કર્યું કે નજીકમાં રહેતા સગાવહાલાને લગ્નની કંકોત્રી પહોંચાડી દઈએ… રાત્રે એ કામ અને દિવસે ખરીદી બન્ને સાથે થઈ જાય. મમ્મી પપ્પાને વાત કરી. એતો હંમેશા એમની હા માં હા જ કરે એટલો બધો વિશ્વાસ હતો બન્ને પર.

ખુશી અને મોહિત બાઈક લઇ ઘરેથી નીકળ્યા. બન્ને પોતાની મસ્તીમાં વાતો કરતા જઈ રહ્યા હતા. બન્ને એકબીજા સાથે એટલા ખુશ હતા કે હવે દુનિયાના કોઈ જ બીજા સુખની અપેક્ષા નહોતી. સુખના પાટા પર એમની જિંદગીની રેલ દોડી રહી હતી પણ એમને ક્યાં ખબર હતી આ રેલના એક ડબ્બામાં એમનો કાળ પણ ચડી ગયો હતો. કદાચ આજની સવારી એમની છેલ્લી સવારી હતી.

રાતનું અંધારુ આજે કંઈક અલગ જ ડર ઉત્પન્ન કરી રહ્યું હતું. કુતરાઓના રડવાનો અવાજ, ચીબરીની ડરાવની ચીસો.. જયારે  યમરાજની સવારીનું સ્વાગત કરી રહી હતી. પણ આ બન્ને તો વાતોમાં એટલા મસગુલ હતા કે એકબીજા સિવાય ક્યાંય ધ્યાન જ નહોતું,  અને જોતજોતામાં એક ટ્રકનો ડરાઇવ જે નશાની હાલતમાં ટ્રક ચલાવતો હતો તેનું બેલેન્સ જતું રહ્યું અને એક ભયંકર અકસ્માત થઈ ગયો…એક મોટા ભયાનક અવાજ સાથે બાઈક ફેંકાય ગયું અને મોહિત અને ખુશી પણ દૂર દૂર ફેંકાય ગયા… કદાચ એટલા દૂર કે ક્યારેય નહીં મળી શકે. બે સેકન્ડમાં શું બની ગયું આજુબાજુ રસ્તા પરના લોકોને પણ ખબર ના પડી.. તરત બન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ મોહિતનું તો માથામાં વાગવાથી કદાચ રોડ પર જ મૃત્યુ થઈ ગયેલું.. ખુશીમાં જીવ હતો.. ડોક્ટરો ખુશીને બચાવવામાં જોડાઈ ગયા. ખબર પડતા જ બન્નેનો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો. રસીકભાઇને  ફરી એકવાર ખુશીના જન્મ સમયની પરિસ્થિતિ યાદ આવી ગઈ…….! આજે ફરીવાર બધા રડી પડ્યા દીકરી બચી ગઈ પણ હજુ ક્યારે હોશમાં આવશે અને કદાચ પગ પર તો ચાલી શકશે કે નહીં એ પણ પ્રશ્ન હતો.. ! તેનો પગ બાઈક નીચે આવી ગયેલો. ડોક્ટરે સલાહ આપી પગમાં ઓપરેશન કરી સળિયા નાખી દઈએ, તો ઉભી થઈ શકશે પણ ખોડ તો કાયમી રહી જશે અને મોહિતને તો આનંદીની જેમ ખોઈ દીધો… આજે દીકરી નાની ઉંમરે વિધવા બની ગઈ. હજુ તો જિંદગી જીવવાની શરૂઆત જ કરી હતી અને દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ બાજુ મોહિતના મમ્મી પપ્પા તો આ સાંભળતા જ હોશ ખોઈ બેઠા… જવાન જોધ દિકરો ખોઈ બેઠા…

મોહિતનું સબ ધેર લઇ જઈ અગ્નિસંસ્કાર કર્યા અને આ બાજુ ખુશીનું ઓપરેશન ચાલુ હતું… ડોક્ટરોએ પગનું ઓપરેશન કર્યું પણ હજુ ખુશીના હોશમાં આવ્યા સિવાય કાંઈ કહી નહીં શકાય કારણ કે ખુશીને પણ માથામાં બહુ વાગ્યું હતું… એક ઓપરેશન પછી માથાનું બીજું પણ કરવાનું હતું. મોહિતના ઘેર તો તેના મોતના મરશિયા ગવાતા હતા.. આ બાજુ ખુશી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.. રસીકભાઇ અને આનંદીબેન તો દીકરા આરવ સાથે હોસ્પિટલમાં રોકાઈ ગયા… એક એક મિનિટ સો સો વર્ષ જેવી લાગી રહી હતી… હવે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો હતો.

આનંદી ભગવાન પાસે જઈ રડી પડી કાસ અમને લઇ લીધા હોત તો આમારી દીકરીએ શું બગાડ્યું હતું તારું??  તે આટલી મોટી સજા આપી. રસીકભાઇ અને આનંદી મુશ્કેલીમાં હતા ખુશીને હોશ આવતા જ મોહિતનું પૂછશે તો શું જવાબ આપશું..?

આરવ ઝડપથી આવતા બોલ્યો ” પપ્પા ખુશીને હોશ આવી ગયો છે… ડોક્ટરે કહ્યું છે આપણે તેને મળી શકીયે છીએ પણ તેને માથાનું ઓપરેશન કરવાનું છે તો તેને દુઃખી થવા નથી દેવાની… ખુશ જ રાખવી. “

” એટલે? “
” પપ્પા આપણે મોહિત આ દુનિયામાં નથી એ વાત ખુશીથી છુપાવવી પડશે.. મમ્મી તું ખાસ રોતી નહીં.. અને આ કાળા કપડાં બદલો… નહિતર પહેલો પ્રશ્ન એ જ થશે કેમ કાળા કપડાં પહેર્યા છે.. “

રાજેશભાઈ અને આનંદીબેન આરવ સાથે દિલ પર પથ્થર મૂકી મોં પર હાસ્ય લઇ ખુશી પાસે પહોંચ્યા…
” બેટા હવે કેવું લાગે છે…?  “

” મમ્મી હું સારી છું પણ મોહિતને તો બહુ વાગ્યું નથી ને?  “

આનંદી કાંઈ બોલી ના શકી માંડમાંડ આંસુ રોકી બોલી ” બેટા મોહિતને બહુ નથી વાગ્યું બાજુની રૂમમાં જ છે.. “

” પણ તારી આંખમાં આંસુ કેમ આવી ગયા? “
” બેટા હરખ ના છે… તમે બચી ગયા એટલે… બાકી ડોક્ટરોએ તો આશા જ છોડી દીધી હતી… તું બહુ વિચાર નહીં આરામ કરવાનું ડોક્ટર કહી ગયા છે.. “

” મારાં ઘરના બધા હશે એમને તો બોલાવ.. “
” બેટા અત્યારે જ હમણાં જ મોહિત સૂતો એટલે ઘેર ફ્રેશ થવા ગયા છે… હમણાં મળી લેજે ક્યા કોઈ ભાગી જવાનું છે.. “
આટલુ બોલતા આનંદીનું ગળું સુકાઈ ગયું.. તે બહાર જતી રહી..

” પપ્પા મમ્મી કેમ આજે આવું વર્તન કરે છે… સાચું બોલો શું થયું છે.. “
” બેટા માં હમેશા આવી જ હોય એના પર ધ્યાન ના આપ જલ્દી સાજી થઈ જા.. “

” હા.. હા પપ્પા મને કાંઈ નહીં થાય.. “
ત્યાં ડૉક્ટર આવી બોલ્યા ” બહુ વાતો નહીં… હજુ તારુ એક ઓપરેશન બાકી છે નશો નબળી પડી જશે… આરામ કર.. “

બીજા ઓપરેશનની તૈયારી થઈ તે માટે ખુશીના વાળ કાપવા જરૂરિ હતા.. ખુશીએ ચોખ્ખી ના પાડી… મારાં ઘેર લગ્ન છે હું વાળ નહીં કાપવા દઉં… “
ખુશી ના સાસુ સસરા અને મિત બધા ખુશીને બચાવવા માટે મોહિતને ભૂલી હોસ્પિટલ આવ્યા… દિકરો ગયો વહુને તો બચાવી  લઈએ..

” મમ્મી સમજાવો આમને મિતના લગ્નમાં બોડી કેવી લાગુ… નહીં,  મારે કોઈ ઓપરેશન નથી કરાવવું.. હું સારી જ છું.. ખુશીએ જીદ પકડી… નહીં એટલે નહીં. “

દિલ પર પથ્થર મૂકી સૌ સમજાવી રહ્યા પણ ખુશી કાંઈ સમજવા તૈયાર જ નહોતી.. એટલે મિત બોલ્યો ” ભાભી ઓપરેશન કરાવી લો જયા સુધી તમારા વાળ નહીં મોટા થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું બસ.. “

” ના.. એવુ થોડું કરાય… મેં કેટલી તૈયારી કરી છે… “
” સારું વીક લાવી દઈશું બસ.. ” મજાક કરતા મિત બોલ્યો…બધાને હસવાનું નાટક કરવું પડ્યું… જોકે અહીં બધા નાટક જ કરી રહ્યા હતા..

” એકવાર મોહિત સાથે વાત કરાવો… હું તેમને પૂછી લઉં.. “
” જો બેટા મોહિત અત્યારે આરામ કરે છે એ પણ તારી જેમ જ તારી જ વાત કરતો હોય છે… એને જ કહ્યું છે તારું ઓપરેશન કરવાનું છે… ઉઠાડું બોલ તું કે તો?  “

” એમને કીધું એટલે બસ.. એમને આરામ કરવા દો પછી લગ્નની બહુ તૈયારી કરવાની છે હજુ.. ” ખુશી બોલે જતી હતી બધા માટે હવે આંસુ રોકવા અશક્ય થઈ ગયા તો બહાર જતા રહ્યા…

ખુશીનું ઓપરેશન થઈ ગયું… મોહિતનું બારમું પણ પતી ગયું.. હજુ ખુશીને સચ્ચાઈ બતાવી હતી નહીં… ડોક્ટરે તેને દુઃખ થાય એવું કાંઈ પણ જણાવાની ના પાડી હતી..

રોજ રોજ ખુશી મોહિત સાથે વાત કરવાની જીદ કરતી અને રોજ બહાનું કરી વાત ફેરવી દેતા.. પણ ક્યા સુધી??  સાચું તો કહેવું જ પડશે… ખુશીને હવે લાગતું કે આ લોકો કંઈક છુપાવી રહ્યા છે પણ પૂછવું કોણે??  બધા એક જ જવાબ આપતાં.

” મમ્મી આજે કાંઈ પણ થાય મારે મોહિત સાથે વાત કરવી જ છે… અરે મહિનો થયો તેમની સાથે વાત કર્યે.. આજે હું કોઈ વાત નહીં સાંભળું… એક કામ કર ફોન પર વાત કરવી દેને… પ્લીઝ.. “

” અરે કાલે તો ઘેર જવાનું છે મળી લેજે… એક દિવસમાં કઈ બગડી નહીં જાયે… આરામ કર પછી બહુ લગ્નની ભાગદોડમાં આરામ નહીં મળે.. હું ડૉક્ટરને મળીને આવું… ક્યારે રજા આપશે પૂછી આવું… “

આ સાંભળી ખુશીની તો ખુશીનો પારના રહ્યો… કેટલા સમયે મોહિતને મળીશ, બહુ બધી વાતો કરીશ… આખી રાત ઊંઘ પણ ના આવી.. લગ્ન પછી પહેલીવાર મોહિતથી આટલી દૂર રહી.. પણ તેને ક્યા ખબર હતી આ જુદાઈ હંમેશાની હતી.

ડોક્ટર ઘેર જવાની પરમિશન આપી… બન્ને કુટુંબ ખુશીને લેવા આવેલું.. પણ હવે તો ખુશીને હકીકત બતાવવી જ પડશે.. પણ કોઈની હિમ્મત થતી ન હતી.. ડોક્ટર પણ આરવના મિત્ર હતા તમને સલાહ આપી તમે અહીં જ ખુશીને બધું બતાવી દો.. તો તેને  માથામાં હજુ રુઝ આવી છે કોઈ પ્રોબ્લેમ થાય તો અમે સંભાળી લઇ શું… નહિતર ઘેર જઈ બહુ મુશ્કેલી વધી જશે…

પણ હવે આ કહે કોણ… કોઈ બોલવા તૈયાર નહોતું.. બધાયે આનંદીને કહ્યું તમે જ વાત કરો.. આનંદી તો એના માંડ આંસુ રોકી સકતી હતી દીકરીને ક્યાથી સાંભળશે..પણ બીજા કોઈથી આ થઈ શકે એવુ નહોતું.. ખુશીની જીન્દગી વેરાન બની ગઈ હતી. પણ બધાને ડર હતો ખુશી આ આઘાત સહન કરી શકશે કે નહીં..??

આનંદી હિમ્મત કરી બોલી ” જો બેટા એકવાત કહું.. દુનિયામાં જે આવે એને એકદિવસ જવાનું જ છે.. તો આપણે એના વગર પણ જીવતા શીખવું પડે છે.. “
” પણ અત્યારે તું કેમ આવી વાત કરે છે… ચાલ ઘેર જઈએ. “

” તારી મમ્મી તમને છોડી ગયા તો પણ તમારી જીન્દગી ચાલે જ છે… તારા પપ્પાને જ જો… એમને હું મળી ગઈ.. મારો સાથ તમારી સાથે હતો… એટલે હું તમારી મમ્મી બની ગઈ.. “
” તું જ મારી મમ્મી છે મારે બીજું કઈ જાણવું નથી…તારે જે કેહવું હોય એ સીધે સીધું બોલ વાત ગોળ ગોળ ના ફેરવ  “

” મોહિત… ” બોલતા જ આનંદી રડી પડી..
” શું થયું મોહિતને..?? “

” એ આપણી વચ્ચે નથી રહ્યો… એક્સીડેન્ટમાં ત્યાં જ તેનું મોત થઈ ગયું હતું… “
” મમ્મી આવી મજાક ના હોય.. ” બોલી બધાના મોં સામે જોઈ રહી.. બધા રડી પડ્યા.. સાસુને આજે પહેલીવાર કાળી સાડીમાં જોયા..

” બેટા મેં મારો દિકરો ખોઈ દીધો અને તે તારો પતિ.. બોલતા ખુશીના સાસુ જોરથી રડી પડ્યા… “
આ સાંભળી ખુશીને તો જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ… એક ભયાનક ચીસ પાડી… જોરથી રડવા લાગી.. તેના દુઃખનો કોઈ પાર ના રહ્યો.. તો મને કેમ બચાવી..?? મારે નથી જીવવું… મોહિત વગર હું શું કરીશ… ખુશીને જોઈએ આજુબાજુના બધા રડી પડ્યા… એક કરુણ દ્રશ્ય હતું… બધા સપના ખોવાઈ ગયા… ” એકવાર મને મોહિતનું મોં તો બતાવવું હતું.. છેલ્લી વાર… બધાયે મને મારાં પતિ પાછળ… ” બોલતા શ્વાસ ચડી ગયો…બોલીના શકી… તેની પરિસ્થિતિ ખરાબ થતા.. ડૉક્ટર બાજુમાં જ હતા તેમને બેહોશ કરી દીધી…

હવે બધાને થોડું સારું લાગ્યું ખુશીને  સચ્ચાઈ જણાવી દીધાનું.. હવે ખુશીને ક્યા ઘેર લઇ જવી…?  ખુશીના સસરાએ કહ્યું મારો દિકરો જતો રહ્યો પણ ખુશીની પુરી જીન્દગી તેની સામે છે… તેને તમારા ઘેર લઇ જાઓ… તેને કોઈ જ વિધવાની જિંદગી નથી જીવવાની…. હું તેના બીજા લગ્ન કરાવીશ, કન્યાદાન કરીશ … ખુશી મારી દીકરી જ છે હું તેનું દુઃખ નહીં જોઈ શકું.. તમારા ઘેર જ રાખો..

રસીકભાઇ આ વાત સાંભળી રડી પડ્યા ભગવાનનો આભાર માનું કે તેના પર ગુસ્સો કરું… તમારા જેટલુ સારુ ઘર દીકરીને મળ્યું અને અત્યારે આ દિવસ જોવો પડ્યો… પણ બધા પરિસ્થિતિ સામે લાચાર હતા…

ખુશીએ રસિકભાઈ સાથે જવાની ના પાડી… હવે તેનું સાસરું જ તેનું ઘર છે. અને તે મોહિતની પત્ની થઈ જ જીવવા માંગે છે. સૌના સમજવાથી ખુશી તેના પપ્પા સાથે તો ગઈ પણ જિંદગીમાં કોઈ રસ રહ્યો ન હતો. બસ જીવવા ખાતર મોહિતની યાદોમાં દિવસો પસાર કરતી, ક્યારેક રડતી પણ તેના હાથમાં કઈ હતું નહીં.

મોહિતના પપ્પાએ ખુશીને બહુ સમજાવી અને કહ્યું જયા સુધી મોટી દીકરીના લગ્ન નહીં થાય ત્યાં સુધી મિત ના લગ્ન એ નહીં કરે… બધાના બહુ સમજાયા પછી ખુશી લગ્ન માટે તૈયાર થઈ.. તેના સસરાએ જ તેના માટે છોકરો પસંદ કર્યો. ખુશીને તો બસ બધાને ખુશ કરવા જ લગ્ન કરવા હતા બાકી કોઈ રસ હતો નહીં… મોહિત સાથે તેનો પ્રેમ, લાગણી શોખ મરી પરવારયુ હતું.

છોકરો ખુશી સાથે લગ્ન કરવા તૈયાર હતો… આનંદીબેન તો મિહિરને જોતા જ રહી ગયા… એજ મિહિર જેને વર્ષ પહેલા મેં રિજેક્ટ કરેલો… ” વિધિના લખીયા લેખ લલાટે સાચા થાય થાય થાય . ” આ ભજન યાદ આવી ગયું. ખુશીની કિસ્મત તેની લેણદેણ મિહિર સાથે હતી અને હું કોણ રિજેક્ટ કરવાવાળી…?  જે થવાનું છે એ થઈને જ રહે છે…  ! ખુશીના સસરાએ મિત અને ખુશીનો સાથે માંડવો નાખ્યો.. ખુશીનું કન્યાદાન કર્યું અને એક પિતા તરીકેની બધી જ ફરજ પુરી કરી દીકરીની વિદાઈ કરી.

કહેવાય છે સમય સાથે બધું જ બદલાઈ જાય છે.. એમ સમય સાથે ખુશી પણ નવા ઘરમાં હળીમળી ગઈ… અને મિહિરને પણ પોતાનો માનવા લાગી. લગ્નના ત્રણ વર્ષે ખુશીની જિંદગીમાં ફરી આનંદનો દિવસ આવી ગયો… શ્રીમંત ભરી પિયર આવી… અને ભગવાને એક સાથે બે દીકરીઓ આપી. સૌ ખુશ હતા. મોહિતના મમ્મી પપ્પા પણ દીકરીઓને રમાડવા આવ્યા. એમના પ્રત્યે ખુશીને બહુ માન હતું તેમનાથી જ ફરી તેની જિંદગીના બગીચામાં ફૂલો ખીલ્યા હતા.

પણ હજુ ખુશી સમજીના શકી… જન્મી ત્યારથી આજ સુધી કેટલા દુઃખો જોયા… અને દુઃખ કરતા પણ બહુ સારા સબન્ધો મળ્યા.. પ્રેમ મળ્યો… આ પ્રેમ અને સાથ જે મોહિત અને મિહિરનીની સાથે જોડાયેલ છે..  એ શું હતું??? થોડો સમય માયા લગાડી છુટ્ટા પડી ગયા… એ શું હતું…?? 

બહુ સાંભળેલુ એક વાક્ય….ગયા જન્મની લેણદેણ…! કે વિધિતાના લેખ… !
આ શું લેણદેણ હતી કે બીજું કઈ…?

સંપૂર્ણ…..

**************

Roshani Patel "સંસ્કૃતિ"

By Roshani Patel "સંસ્કૃતિ"

મારી કલમ જ મારી પહેચાન છે.
મારાં શબ્દો જ મારું જીવન છે.
હું રહી ગરવી ગુજરાતણ......
મારી "સંસ્કૃતિ" જ મારી ઓળખાણ છે.

8 replies on “વિધિના લેખ…. !”

Comments are closed.

error: Content is protected !!