Categories
Stories

એક સાંજ અમસ્તી વાતોને નામ..?

હાશ….

આખરે લાંબા સમયના અંતરાલ બાદ આજે ડાયરી લખવા લીધી. લખવા પાછળનું કારણ આજ તું કે તારી યાદો નથી બસ થોડાક ખુદને પૂછાયેલા કેટલાક સવાલો… હા, આમ તો છે વેઢે ગણાય એવા અંગત વ્યક્તિ જેને ગમ્મે ત્યારે ગમ્મે તે સમયે મુંઝવણવણ કહું તો ખડે પગે હાજર. પરંતુ, અમુક સવાલોના જવાબ કોઈની પાસે નથી હોતા… અને મન ને મનાવવા પૂછી પણ લઈએ પરંતુ સંતોષ મળવાની સંભાવના બહું ઓછી રહે છે. તો કદાચ મારી ડાયરી મારા મન અને જાત સુધી જોડાયેલ રહેવાની એક કડી સમાન છે.

      આખાય દિવસની નોકરીની થકાવટ આ ડાયરી ને કલમ હાથમાં લેતા ઉતરી જાય છે… ને એક પ્રકારની હળવાશ આપી જાય છે. મને પહેલા ડર સંબંધોમાં લાગતો પરંતુ તે ડરને એક ખૂણે છોડ્યા બાદ હવે એમ થાય છે કે… મારી અને આ ડાયરી વચ્ચેના સંબંધમાં જરાય કચાશ ન આવે તો કાન્હા ની ઘણી મહેરબાની. હવે તમને એમ થતું હશે કે ગમતાં સંબંધો તો સમજ્યા કે તેમાં બદલાવ આવ્યા કરે પરંતુ ડાયરી… એ ને ક્યાં લાગણીઓ છે.. એને તો જેમ સાચવો તેમ રહેવાની અથવા તો ઘરના કોઈક ખૂણે પડી રહેવાની.

            બીજાના જીવનમાં ડાયરી નું મહત્વ મને ખબર નથી પરંતુ… મારા જીવનમાં તેનો ખુબ મહત્વ નો ભાગ છે. એક સમય એવો હતો કે, મોટાભાગના લોકોને ગમતી આ ઢળતી સાંજ મને સહેજ પણ પસંદ નહોતી આવતી. કારણમાં કહેવા જાઉં તો.. આખોય દિવસ નીકળી જતો પરંતુ અંધારું થતાં ને ઘરે પાછા ફરતા એક પોતાને જ અંદરથી હેરાન કરતો ડર પેસી જતો કે, હમણાં એકલો બેસીશ ને તેણીની યાદો મને ઘેરી લેશે.. તેની સાથેની વિતાવેલી પળો ને તેની એક એક ક્ષણ મારા આશ્રુઓને પાંપણોમાંથી વહી જવાનો આદેશ આપશે ને કદાચ કેટલાય ઝગડા ને કજિયા કાં દલીલો કરી લઉં ને પણ હું ગુન્હેગાર ઠરીશ ને મારી પાસેથી મારી નીંદર છીનવીને તેની સાથેની સ્મૃતિઓ સ્મૃતિઓ વારંવાર વાગોળ્યા કરવાની સજા ફટકારવામાં આવશે.

          આભાર માનું આ ડાયરી અને કલમનો કે જે મને આ કેદમાંથી છોડાવવા અત્યાર સુધી મહદ્અંશે સફળ રહી ને કદાચ આગળ પણ રહેશે. જે ગમ્મે ત્યારે ગમ્મે તે સમયે મારો ગુસ્સો… મારું અકળામણ… ક્યારેક મારા મહેણા તો ક્યારેક મારા કડવા શબ્દો બધું જ પોતાનામાં સમાવી લેવા તૈયાર હોય છે. તને મારા જીવનની લાગણી ભરી વાતો કરવાની મને આદત પડી ગઈ છે કાં તો તે લગાવી દીધી છે.. એક એવી આદત જે કદાચ આખું ય જીવન આમને આમ રહેશે તો મને કંઈ જ ફરિયાદ નહીં હોય. હા, આમ તો છેલ્લે હું સ્વાર્થી જ ઠર્યો, ન જાણે કેટલી ય વખત તેને ગમ્મે ત્યાં ઘા કરી છે… કેટલી ય વખત અંદર સમાવેલી લાગણીઓ ને બાળવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તે ક્યારેય અબોલા નથી કર્યા મારી સાથે તે ઘણું સારું છે..

                અમુક સમયે થાય કે, કાશ તારામાં જીવ હોત તો કેટલી ય બધી વાતો કરેત. ને કહેત, ખૂબ ખૂબ આભાર મને શાંત રહેતા શીખવવા… મારા કટાક્ષ ભર્યા વાંક વચનો સાંભળવા. મારા જીવનમાંથી બાદ થયેલી ઢળતી સાંજની એ ખુશીઓ પાછી લાવવા. ને માત્ર તને ને તને જ કહેલી વાતો પોતાની અંદર સાચવી રાખવા. હું એમ નહીં કહું કે, મારા જીવનમાંથી તું બાદ થઈ જાય તો હું જીવી નહીં શકું… પરંતુ કદાચ.. તારા વગરનું મારું આ જીવનની હર એક ક્ષણો મૃગજળ સમાન.

લિ. નિસર્ગ ઠાકર”નિમિત્ત”

error: Content is protected !!