Categories
Poetry

તારા બાદ

તારા બાદ

ખરી જશે લાગણીનો માળો તારા બાદ,
ખતમ થશે શ્વાસનો ગાળો તારા બાદ.

હતો ઘણો સાથ સફરને સમયનો,
થોભી જશે બધી ઘડિયાળો તારા બાદ.

નજરે દેખાય છે પ્રાણની બાદબાકી,
નથી મળતો એકેય સરવાળો તારા બાદ.

ક્યાં સુધી રહીશ ગમનાં અવઢવમાં?
નહી મળે ખુશીને ફાળો તારા બાદ.

નથી હું કોઈ મોટો જાગીરદાર પણ,
ખોદાશે મારા ભાગનો ખાડો તારા બાદ.

– કંદર્પ પટેલ ✒

Categories
Gazals Poetry

રૂપાળું મારું ગામડું

શ્હેરે મોજ કરો છો એતો ખોટા કાવાદાવા છે
મારે તો ગામે જઇ પેલા રાતાં પીલા ખાવા છે

રાતાં ટેટા, ને વડવાયું ફેલાવીને ઊભો છે,
એ વડલાને ભેટી આંખે ઝરણાઓ છલકાવા છે

ને બૂફેની આદતથી હું કંટાળેલો માણસ છું,
ઓટે પંગત બેસાડીને હારે સો ખવડાવા છે

પીઝા ભાવે છે પણ એમાં જો તું મનની હાંશ નથી,
મા ના હાથે મ્હેકે એવા ચૂલાને મ્હેકાવા છે

પ્હેલાં પ્હોંરે ઘંટીના નાદે ઊઠે છે સૂરજ પણ,
ત્યારે મ્હેનત કરતા કરતા ખેતરને ખેડાવા છે

તાપણની ફરતે આપણ સહુ વાતો ભેળા માણીશું,
ગામ્આખાની વળગાડોના કીસ્સાઓ રેલાવા છે.

આવ તને હું દેખાડું ગામડિયા માણા આવા છે,
જોતા જોતા શ્હેરીની આંખોમાં પણ પછતાવા છે.

Categories
Poetry

ભણકારા

નાગણની વળ નો હું તોડુ અહમ,
તું કેડનો તારો એ વળાંક દઈ દે…
દરિયાને દેખાડું નાનપ એની,
લાવ જરા તું તારી આંખ દઈ દે…

લીસા નું કરાવું ભાન બરફને,
મૂકું હું એને તારા ગાલ પર…
હરણ ને હંસલો હરીફાઈ કરે,
પણ બેઉં હારશે તારી આ ચાલ પર…

ગુલાબની પાંખડીએ લીધું દાસત્વ,
અધરોનો આકાર જોઈ…
નિર્મળ હૃદય તારું એટલું,
કે પાણીએ શુદ્ધતા ખોઈ…

ઝણકે ઝાંઝર, પગલાં પડે,
ને પાંપણના પલકારા થાય છે…
તું નથી તોય આજે અચાનક,
તારા અહીં ભણકારા થાય છે.

Categories
Gazals Poetry

સ્નેહ-ઔષધ

તું ધરે જે વ્હાલથી એ ઝીલવાનું જોર છે
ઝેર ઘટકાવ્યા પછીયે જીવવાનું જોર છે

મેં કદી પકડયાં નથી આ સોયદોરા હાથમાં,
તોય દુનિયાના અધરને સીવવાનું જોર છે

જખ્મ અંતરના બધા છે જાગવાની રાહ પર,
‘સ્નેહ-ઔષધ’ ની અસર પૂરી થવાનું જોર છે

હું ડરું છું દાન ખોટા હાથમાં ચાલ્યું જશે!
આમ આખી જાતને પણ દઇ જવાનું જોર છે

રામ જેવો થઇ ગયો છે તો તુ બેસી જા ખભે,
આ જિગર હનુમંત થઇને ચીરવાનું જોર છે

જ્યાં તમે ભોંઠા પડો છો ડૂબવાના ખ્યાલ માં,
એ લહેર પણ ઉતરીને જીતવાનું જોર છે.

Categories
Gazals Poetry

માની લીધી

વારંવાર કાનથી એના લટ ઉડાડી દીધી
હવાએ પણ આજે મારી વાત માની લીધી

શશી કેરું તેજ, ને આંખે ઝળકે તારલા,
ને અમથા ખોલ્યા કેશ, ત્યાં મેં રાત માની લીધી

શ્વાસ વેડફતો લાગ્યો એને જોયાની પળ સુધી,
એ દેખી ત્યાં જીવનની શરૂઆત માની લીધી

આંખો એની સ્હેજ રહી ગઈ મળતા મારી આંખે,
એ ઘટના ને મેં તો ટળતી ઘાત માની લીધી

હૈયું બાંધી દીધું મેં તો એક જ એના ઝણકારે,
એમ કરીને ઝાંઝરની રજુઆત માની લીધી

હાથ હિલોળે મુક્તક, ને અંગ મરોડે હાઈકુ,
હરતી ફરતી તું સાહિત્યની જાત માની લીધી.

❤️

Categories
Gazals Poetry

મળજે મને.

હું ક્યાં કહું છું મોડી રાતે મળજે મને?
ઉગે દી’ તો તું પ્રભાતે મળજે મને…

આવયો’તો હું ખુમારીથી, ઠુકરાવી દીધો,
હવે પછીથી તું જાતે મળજે મને…

હૈયે તારા ભીડ ઘણી છે મારા ગયા પછી,
એ ત્યજીને તું એકાંતે મળજે મને…

શબ્દ બની તું આવજે, હું અર્થ બનીને આવું,
એમ કરી તું વાતે-વાતે મળજે મને…

જિંદગી પુરી કરે છે કસર તારી,
મોત હવે તું નિરાંતે મળજે મને.

Categories
Poetry

હેવાનિયત …

હેવાનિયત…

જ્યારે જ્યારે હેવાનિયત મુખડે મુખડે મળતી હશે,
ત્યારે ત્યારે માણસાઈ પણ ટૂકડે ટૂકડે મરતી હશે.

વેશ, પેરવેશ ને આ ટુંકા વસ્ત્ર જ કારણ હોય છે ને,
હા,હવસ રૂપી શસ્ત્ર પર મર્યા પછી નજર ઢળતી હશે.

ક્રુરતા ઝેલે, હેવાનિયત ઝેલે ને ઝેલે એ રૂઢિમાન્યતા!
શું વિચાર્યુ આ બધાંજ દર્દ માસૂમ કેમની ગળતી હશે?

શું નથી સાંભળી શક્તો દાનવ એ દર્દદાયી ચિખને?
એ હાલતે બેગુનાહ પથારીએ કેટલું સળવળતી હશે?

જાણે છે ઉત્તર, ના ગઈ હોત તો નોબત ના આવતી,
એજ ખ્યાલે પીડાને કહેતાં કહેતાં પાછી વળતી હશે.

થઈ ચુક્યો છે ઘોર અંધકાર,નથી કિરણ એક સમજનું!
અંતે નિશાસો નાખી,નારી જાતને જ દોષી ગણતી હશે!

– કંદર્પ પટેલ

error: Content is protected !!